• 17થી વધુ ગાયો ઢોર ડબ્બામાં પુરી દીધી
  • પાલિકાની ટીમ અને માલધારીઓ વચ્ચે બોલાચાલી થઇ
  • પોલીસની ટીમ સાથે રાખીને પાલિકાએ કાર્યવાહી કરી

ગરવીતાકાત, વડોદરા: વડોદરા શહેરના માર્ગો ઉપર રખડતી ગાયોના ત્રાસને દૂર કરવા માટે પાલિકા દ્વારા ગેરકાયેદે બનેલા ઢોરવાડા દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. વડોદરા શહેરના વાડી વિસ્તારમાં આવેલા 12 જેટલા ઢોરવાડાને પાલિકા દ્વારા આજે સીલ મારવામાં આવ્યા હતા. અને 17થી વધુ ગાયને ઢોર ડબ્બામાં પુરવામાં આવી હતી. કામગીરી કરવા ગયેલી પાલિકાની ટીમ અને માલધારીઓ વચ્ચે ચકમક પણ ઝરી હતી. જોકે, ચુસ્ત પોલીસ બંદોબસ્ત હોવાના કારણે કોઇ અપ્રિય ઘટના બની ન હતી.

9 માલધારીઓએ લાયસન્સ માટે અરજી કરી હતી: તેમણે વધુમાં જણાવ્યું હતું કે, શાસ્ત્રીબાગ પાસેના ઢોરવાડાના 9 માલધારીઓએ લાયસન્સ માટે અરજી કરી હતી. પરંતુ, તેઓ પાલિકાના ક્રાઇટ એરીયામાં આવતા ન હોવાથી તેઓની અરજી ફગાવી દેવામાં આવી હતી. જ્યારે મહાદેવ તળાવ પાસેના ઢોરવાડાના 4 માલધારીઓએ લાયસન્સ માટે અરજી પણ કરી ન હતી. જેથી તેઓના ઢોરવાડા પણ દૂર કરી દેવામાં આવ્યા છે. અને સીલ મારી દેવામાં આવ્યા છે.

ઢોરવાડા દૂર કરવા જતાં સ્થાનિક લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા: પાલિકા દ્વારા આજે સવારે વાડી વિસ્તારમાં ઢોરવાડા દૂર કરવા જતાં સ્થાનિક લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા. માલધારીઓ પણ પોતાના ઢોરવાડા બચાવવા માટે આવી પહોંચ્યા હતા. અને પાલિકાના અધિકારીઓ સમક્ષ ધારદાર રજૂઆતો કરી હતી. જોકે, પાલિકાના અધિકારીઓએ માલધારીઓને કોઇ દાદ આપી ન હતી. અને ગણતરીના કલાકોમાં 12 ઢોરવાડાને સીલ મારીને તેઓની 17 જેટલી ગાયો ઢોર ડબ્બામાં જમા કરી લઇને કાર્યવાહી કરી હતી.

પાલિકાની જગ્યામાં ઢોરવાડા બાંધવામાં આવ્યા હતા: વડોદરા મહાનગરપાલિકાના દક્ષિણ ઝોનના આસિસન્ટન્ટ કમિશનર જીગ્નેશ ગોહિલે જણાવ્યું હતું કે, કોર્પોરેશનની વહીવટી વોર્ડ નં-3ની કચેરીની હદમાં વાડી શાસ્ત્રીબાગ અને મહાદેવ તળાવ પાસેની પાલિકાની જગ્યામાં બાંધી દેવામાં આવેલા 12 ઢોરવાડાને સીલ મારી દેવામાં આવ્યા છે. અને ઢોર પાર્ટી દ્વારા 17 ગાયોને ઢોર ડબ્બામાં પૂરીને ખાસવાડી, સ્મશાન પાસેના ઢોરવાડામાં મૂકી દેવામાં આવી છે.