ગરવીતાકાત,મહેસાણા(તારીખ:૧૮)

સમસ્ત કડવા પાટીદાર સમાજનાં કુળદેવી મા ઉમિયાના જ્યાં બિરાજમાન છે તે ઊંઝા ખાતે આગામી ૧૮થી ૨૨ ડિસેમ્બર દરમિયાન લક્ષચંડી મહાયજ્ઞ યોજાનાર છે. ન ભૂતો ન ભવિષ્યતિ એવા આ લક્ષચંડી મહાયજ્ઞમાં ૧૦૮ યજ્ઞકુંડ તેમજ ૧૧૦૦ દૈનિક પાટલાના યજમાન બિરાજમાન થશે. લક્ષચંડી મહાયજ્ઞ પહેલાં ઉમિયાબાગમાં ૧લી ડિસેમ્બરથી સળંગ ૧૬ દિવસ સુધી ૧૧૦૦ પ્રકાંડ પંડિત બ્રાહ્મણો દ્વારા દુર્ગા સપ્તશતીના ૭૦૦ શ્લોકોથી એક લાખ ચંડીપાઠના પઠનનો શાસ્ત્રોક્ત વિધિ સાથે પ્રારંભ થશે ત્યારબાદ લક્ષચંડી મહાયજ્ઞ નો પ્રારંભ થશે, જેમાં એક લાખ ચંડીપાઠના દસમા ભાગના ૧૦,૦૦૦ પાઠની શાસ્ત્રોક્ત વિધિથી આહુતિ અપાશે. આ લક્ષચંડી મહાયજ્ઞને લઇ ઉમિયાબાગ ખાતે ૨૪ વીઘા જમીનમાં ૫૧ શક્તિપીઠના પ્રતીક મંદિર સાથે ૮૧ ફૂટ ઊંચી યજ્ઞશાળાનું નિર્માણકાર્ય હાલ પુરજોશમાં ચાલી રહ્યું છે.

ઊંઝામાં ૧૮થી ૨૨ ડિસેમ્બર પાંચ દિવસ યોજાનાર લક્ષચંડી મહાયજ્ઞમાં રોજ બપોરે ૩ લાખ દર્શનાર્થીઓ માટે ભોજન-પ્રસાદ માટે અન્નપૂર્ણા કમિટી કટિબદ્ધ બની છે. આ કમિટીના ચેરમેન અમરતભાઈ પટેલે જણાવ્યું કે, અન્નપૂર્ણા વિભાગમાં ૧૦૦ કારોબારી સભ્યો, ૩ હજાર સ્વયંસેવક તેમજ ૨૫૦ રાજપુરોહિત જવાબદારી સંભાળશે. ૬૩ વીઘા જમીન પૈકી ૪ વીઘામાં ૫૦ ચૂલા ઉપર ધરોઈના ફિલ્ટર પાણીથી રસોઈ બનાવી ૭ બ્લોકમાં પહોંચાડાશે. પ્રત્યેક બ્લોકમાં ૩૫૦૦થી ૪૦૦૦ દર્શનાર્થીઓ ભોજન લઇ શકશે.

દર્શનાર્થીઓ માટે ૧૨ ડિસેમ્બરથી લાડુ બનાવવાની પ્રક્રિયા હાથ ધરાશે. જેમાં ૨૫ હજાર મણ ખાંડના લાડુ માઇભક્તોને પીરસાશે. રસોઈમાં શુદ્ધ ઘીના ૩૫૦૦ ડબ્બા, શુદ્ધ તેલના ૨૫૦૦ ડબ્બા, ચોખા ૭૦ હજાર કિલો, દાળ ૩૫ હજાર કિલો, શાક ૬૦ હજાર કિલો, કઠોળ ૩૫ હજાર કિલો અને ૧૨ હજાર મણ લાકડું વપરાશે. એક તપેલામાં ૧૫ હજાર માણસની રસોઈ બને તેવા વાસણનો ઉપયોગ કરાશે.