જિલ્લામાં કુલ 551 દર્દીઓ પૈકી 309 સ્વસ્થ થયાં, 40નું મોત

મહેસાણા જિલ્લામાં સતત કોરોના કેસ વધી રહ્યા છે, મંગળવારે મહેસાણા શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં નવા ૮, વિસનગર શહેરમાં ૪, કડી શહેર-તાલુકામાં ૫, વિજાપુર તાલુકામાં ૪ મળીને જિલ્લામાં કુલ ૨૧ નવાં કોરોના પોઝિટિવ દર્દીઓ સામે આવ્યાં હતાં.

ઉપરાંત કડીનાં ૬૩ વર્ષિય મહિલા, વિજાપુરના લાડોલના ૭૨ વર્ષિય પુરુષ અને મહેસાણાના આંબલિયાસણના ૬૫ વર્ષિય પુરુષ એમ ત્રણ દર્દીઓનું અમદાવાદ અને ગાંધીનગરની હોસ્પિટલોમાં કોરોનાની સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જે સાથે મહેસાણા જિલ્લામાં કુલ કોરોનાગ્રસ્તોની સંખ્યા ૫૫૧ થઈ છે તો મોતનો આંક પણ ૪૦ થઈ ગયો છે. જો કે, ૩૦૯ દર્દીઓ કોરોનાને હરાવીને સ્વસ્થ થયાં છે.

જિલ્લામાં મંગળવારે નોંધાયેલા કેસની વિગતો જોઈએ તો, મહેસાણા શહેરમાં એરોડ્રામ પાસે ૬૯ વર્ષના પુરુષ, રામોસણા રોડ પર ૪૮ વર્ષિય પુરુષ, નાગલપુર ગાયત્રી મંદિર રોડના ૪૮ વર્ષિય પુરુષ, માલગોડાઉન રોડના ૫૪ વર્ષિય પુરુષ તેમજ મહેસાણા તાલુકાના મેઉં-આનંદપુરાના ૪૫ વર્ષિય પુરુષ, રૂપાલ કુકસના ૪૮ વર્ષિય પુરુષ, આંબલિયાસણના ૬૫ વર્ષિય પુરુષ અને લીંચના ૫૭ વર્ષિય પુરુષ મળીને ૮ જણા, વિસનગર શહેરના ૬૨ વર્ષિય પુરુષ, વિસનગરની મહેસાણા ચોકડી વિસ્તારનાં ૭૫ વર્ષિય મહિલા, ૫૨ વર્ષિય પુરુષ અને ૪૮ વર્ષિય મહિલા એમ ૪ જણા, કડી શહેરના ક્રિષ્ણ સિનેમા સામે ૪૩ વર્ષિય પુરુષ, કડી તાલુકાના વણસોલના ૫૫ વર્ષિય પુરુષ, બુડાસણના ૨૪ વર્ષનો યુવાન અને ૧૮ વર્ષનો યુવાન તેમજ નાનીકડી સંતરામ સિટીના ૪૨ વર્ષિય પુરુષ મળીને કુલ ૫ જણા, વિજાપુર તાલુકાના કુકરવાડાના ૫૭ વર્ષિય પુરુષ, લાડોલ (સીટી ઓજી એરિયા)ના ૭૨ વર્ષિય પુરુષ, વસાઈના ૫૪ વર્ષિય પુરુષ અને ૫૯ વર્ષના પુરુષ મળીને કુલ ૪ જણા કોરોનામાં સપડાયા છે. જિલ્લામાં સતત કોરોના પોઝિટિવ કેસ અને કોરોનાથી મોતની સંખ્યા વધતાં કોરોના વાયરસના પ્રકોપથી લોકોમાં ફફડાટ ફેલાયો છે.

મહેસાણા શહેરમાં 132, ગ્રામ્યમાં 78 કેસ થયા

મહેસાણા જિલ્લામાં અત્યાર સુધી નોંધાયેલા કુલ ૫૫૧ કોરોના પોઝિટિવ કેસમાં સૌથી વધુ દર્દીઓ મહેસાણા તાલુકાનાં ૨૧૦ છે. જેમાં શહેરી વિસ્તારમાં ૧૩૨ તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ૭૮ જણા કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. જ્યારે બીજા નંબરે કડી તાલુકામાં કુલ ૧૯૯ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.

જેમાં કડી શહેરી વિસ્તારમાં ૧૨૬ તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ૭૩ને કોરોનાનો ચેપ અત્યાર સુધી લાગી ચૂક્યો છે. મહેસાણા શહેર અને તાલુકામાં છેલ્લા પંદરેક દિવસમાં જ સતત કોરોના કેસમાં વધારો થઈ રહ્યો હોઈ લોકોમાં ભારે ફફડાટ ફેલાયો છે. તંત્ર દ્વારા કોરોના કહેરને કાબૂમાં લેવા સઘન સર્વેલન્સની કામગીરી હાથ ધરાઈ છે. તો વેપારીઓ પણ બપોરે ૨ વાગ્યા બાદ બજારો બંધ કરી દે છે.

Contribute Your Support by Sharing this News: