એલિસબ્રિજ પર આવેલા માણેકબુર્જ પાસેથી મળેલા મૃતદેહની તસવીર
એલિસબ્રિજ પર આવેલા માણેકબુર્જ પાસેથી મળેલા મૃતદેહની તસવીર

મૃતદેહનો એક ટૂકડો સળગેલી હાલતમાં છે જ્યારે બાકીનો ટૂકડો બ્રિજ પર પડ્યો હતો અત્યંત ગંભીર હત્યાના બનાવની તપાસમાં ચાર પોલીસ સ્ટેશનની ટીમ વચ્ચે હદની બબાલ

ગરવીતાકાત અમદાવાદઃ શહેરના એલિસબ્રિજ પર આવેલા માણેકબુર્જની પાસેથી આજે સવારે 11 વાગ્યાની આસપાસ એક મૃતદેહના સળગેલા અવશેષો મળી આવ્યા હતા.આ અવશેષોને જોતા કોઇ વ્યક્તિની હત્યા કરીને સળગાવીને મૃતદેહ ફેંકી દેવામાં આવ્યો હોવાની શંકાના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. બીજી તરફ આ મૃતદેહના બાકીના અવશેષો શોધવા માટે પોલીસ દ્વારા નદીમાં તેમજ બ્રિજની નીચેના ભાગે તપાસ કરવામાં આવી રહી છે. દર વખતની જેમ આ વખતે પણ પોલીસ તપાસમાંથી હાથ અધ્ધર કરવા એક બીજા પોલીસ સ્ટેશનની હદનો વિવાદ કરવામાં આવી રહ્યો છે. હાલ ચાર પોલીસ સ્ટેશનની પોલીસ અહિં તપાસ કરવા એકઠી થઈ છે.

ચાર પોલીસ સ્ટેશનનો કાફલો ખડકાયો: પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, આજે સવારે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનથી થોડે દૂર એક વ્યકિતની સળગેલા મૃતદેહના અવશેષો મળી આવ્યા હતા. આ મૃતદેહના અવશષો મળતાની સાથે એલિસબ્રિજ પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. પરંતુ મૃતદેહના બે ટૂકડા મળી આવ્યા હતા.જેમાં નદીના ભાગ તરફથી મળેલા મૃતદેહનો ટૂકડો સળગેલો હતો. જ્યારે મૃતદેહનો અન્ય ટૂકડો માણેકબુર્જ પાસેથી મળી આવ્યો હતો. હજી સુધી મૃતદેહના અન્ય ટૂકડા અને અવશેષો ગુમ હોવાની વાત મળતા નજીકના ચાર પોલીસ સ્ટેશનનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે.

ક્રાઈમ બ્રાન્ચ પણ એક્ટિવ: મૃતદેહના અવશેષો શોધવા નદીમાં શોધખોળ કરવામાં આવી રહી છે. બીજી તરફ ઘટનાની ગંભીરતાને જોઇને ક્રાઇમબ્રાંચ પણ ત્યાં પહોંચી છે. હજી સુધી આ હત્યા કઇ રીતે કરવામાં આવી અને આ મૃતદેહ કોનો છે તેની પોલીસને જાણ થઇ નથી. પરંતુ અત્યંત ગંભીર ગણાતી આ ઘટનામાં પોલીસ હાલ આખા મૃતદેહને ભેગો કરવા માટે પ્રયાસ કરી રહી છે. બીજી તરફ ચાર પોલીસ સ્ટેશનની ટીમ હદની બાબતમાં રકઝક કરી રહી છે.