ગરવીતાકાત,ગાંધીનગર(તારીખ:૧૫)

ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાં ડેન્ગ્યુ મેલેરિયાનો રોગચાળો વકરી રહયો છે ત્યારે કોર્પોરેશનની આરોગ્ય શાખામાં કર્મચારીઓની ભરતીનો મુદ્દો ગઈકાલે સ્ટેન્ડીંગ કમિટીમાં મુલત્વી રખાયો હતો. પરંતુ જો ફેબુ્રઆરી મહિના પહેલા આ કર્મચારીઓની ભરતી નહીં કરવામાં આવે તો કેન્દ્ર સરકાર દ્વારા અપાતી વાર્ષિક પપ લાખ રૂપિયાની ગ્રાન્ટ લેપ્સ જશે. ભરતી થનારા તમામ કર્મચારીઓના પગાર પેટે કેન્દ્ર સરકાર ગ્રાન્ટ આપવાની છે નહીંતર આ આર્થિક બોજો કોર્પોરેશનના શીરે આવશે તે નક્કી છે.

ગાંધીનગર શહેરમાં ચાલુ વર્ષે ચોમાસા દરમ્યાન ડેન્ગ્યુ, મેલેરીયા સહિતના મચ્છરજન્ય રોગચાળાએ માથુ ઉચક્યુ છે અને ઉનાળા દરમ્યાન પાણીજન્ય રોગચાળો પણ શહેરને બાનમાં લેતો હોય છે ત્યારે આવી સ્થિતીમાં ગાંધીનગર કોર્પોરેશનની આરોગ્ય શાખામાં કર્મચારીઓના અભાવે રોગચાળો ત્વરિત કાબુમાં આવી શકતો નથી. કેન્દ્ર સરકારે તમામ મહાનગરપાલિકા વિસ્તારમાં આરોગ્ય શાખામાં કર્મચારીઓની ભરતી માટે વિશેષ ગ્રાન્ટ તૈયાર કરી છે અને ગાંધીનગરના વિસ્તાર પ્રમાણે અહીં ૩૦ કર્મચારી મળી શકે તેમ છે જે પેટે વાર્ષિક પપ લાખ રૂપિયા જેટલી ગ્રાન્ટ કોર્પોરેશનને મળનારી છે.

જો કે ગઈકાલે આરોગ્ય શાખાના આ કર્મચારીઓની ભરતી મામલે કમિશનર દ્વારા સ્થાયી સમિતિમાં દરખાસ્ત મુકવામાં આવી હતી પરંતુ તે હાલ પુરતી મુલત્વી રાખવામાં આવી છે પરંતુ ફેબ્રુઆરી મહિના પહેલા જો કોર્પોરેશન વિધિવત રીતે કર્મચારીઓની ભરતી નહીં કરે તો કેન્દ્ર સરકાર દ્વારા મળનારી આ ગ્રાન્ટ લેપ્સ જશે અને ત્યારબાદ કર્મચારીઓની ભરતીનું આર્થિક ભારણ કોર્પોરેશનના શીરે આવશે તે નક્કી છે. પ્રજાહીતની વાતો કરનારા સ્થાયી સમિતિને આટલી સામાન્ય બાબત કેમ નહીં સમજાઈ હોય તે ચર્ચાનો વિષય બની ગયો છે.

બીજા સાથે સમાચાર શેર કરો.