ઇંગ્લેન્ડે શુક્રવારે આઈસીસી વર્લ્ડ કપ ૨૦૧૯ માં ધ રોઝ બાઉલ સ્ટેડીયમમાં રમાયેલી મેચમાં વેસ્ટ ઇન્ડીઝને આઠ વિકેટથી હરાવી દીધું હતું. ઇંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી વેસ્ટ ઇન્ડીઝને ૪૪.૪ ઓવરમાં ૨૧૨ રનમાં ઓલ આઉટ કરી દીધું અને આ સરળ ટાર્ગેટને યજમાન ટીમ ઇંગ્લેન્ડે ૩૩.૧ ઓવરમાં બે વિકેટ ગુમાવી પ્રાપ્ત કરી લીધો હતો.

ઇંગ્લેન્ડ માટે જો રૂટે ૯૪ બોલમાં ૧૧ ચોગ્ગાની મદદથી અણનમ ૧૦૦ રનની ઇનિંગ રમી હતી. જોની બેયરસ્ટોએ ૪૫ અને ક્રીસ વોક્સે ૪૦ રનનું યોગદાન આપ્યું હતું. આ અગાઉ વેસ્ટ ઇન્ડીઝ માટે માત્ર નિકોલસ પૂરન જ અડધી સદી ફટકારી શક્યા હતા. નિકોલસ પૂરને ૭૮ બોલની ઇનિંગમાં ત્રણ ચોગ્ગા અને એક સિક્સર ફટકારી ૭૩ રન બનાવ્યા હતા. તેના સિવાય શિમરોન હેટમાયરે ૩૯, ક્રીસ ગેલે ૩૬ અને આન્દ્રે રસેલે ૨૧ રનનું યોગદાન આપ્યું હતું.

ઇંગ્લેન્ડ માટે જોફ્રા આર્ચર અને માર્ક વુડે ત્રણ-ત્રણ વિકેટ પોતાના નામે કરી હતી. જો રૂટે બે અને ક્રીસ વોક્સ તથા લીયામ પ્લાનકેંટે એક-એક વિકેટ પોતાની નામે કરી હતી. આ જીત સાથે જ ઇંગ્લેન્ડના હવે ચાર મેચમાં ૬ પોઈન્ટ થઈ ગયા છે અને તે ન્યુઝીલેન્ડના બાદ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાન પર આવી ગયા છે. ન્યુઝીલેન્ડની ટીમ ૭ પોઈન્ટ્સ સાથે હજુ પણ પ્રથમ સ્થાન પર છે. જયારે ભારતના ત્રણ મેચમાં પાંચ પોઈન્ટ છે અને જો તે આગામી મેચમાં પાકિસ્તાન સામે જીતશે તો તે પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન પર આવી શકે છે.