ગાંધીનગરઃ ગુજરાતમાં IAS અધિકારીઓ જ શાસન ચલાવી રહ્યાં છે, અને કેટલાક અધિકારીઓ ગુજરાતમાંથી ભ્રષ્ટાચાર કરીને કરોડો રૂપિયા બહાર લઇ જઇ રહ્યાં છે, તેવા આક્ષેપો અનેક વખતે લાગ્યા છે, હાલમાં જ આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ તેમના પતિની આઇટી કંપનીને ટેન્ડર વગર જ કામ આપીને ફાયદો કરાવ્યો હોવાની ચર્ચાઓ હતી, હવે આવો જ એક નવો વિવાદ ઉભો થયો છે, દિલ્હીમાં રહેતા પાટીદાર આરક્ષણ સમિતિના ફાઉન્ડર અશ્વિન સાંકડાસરિયા સામે ગાંધીનગરના પાલજ પાસે આવેલી સંસ્થા(IIPHG) ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થના સંચાલક ડોક્ટર લતા નાયરે આઇપીસી 505(2) હેઠળ ચિલોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, તેમને સંસ્થાને બદનામ કરવાના આરોપ લગાવ્યાં છે.
શું હતો મામલો….?

અશ્વિન સાંકડાસરિયાએ ફેસબુક પર લાઇવ કરીને આરોપ લગાવ્યાં હતા કે PHFI સંસ્થા સરકારી જમીન પર બની છે અને અહી આરોગ્યનો કાળો કારોબાર ચાલી રહ્યો છે, આ સંસ્થા પર બિન ગુજરાતી IAS અધિકારીઓએ કબ્જો કરેલો છે અને સરકારી રૂપિયે અહી ખાનગી શિક્ષણનો ધંધો થઇ રહ્યો છે. 15 થી 20 કરોડો રૂપિયાના સરકારી ખર્ચે 70 જેટલા ડોક્ટરોને ટ્રેનિંગના નામે વિદેશમાં મોકલવામાં આવતા હોવાનો અને સરકારી રૂપિયાનો ખોટો ઉપયોગ થતો હોવાનો આરોપ લાગ્યો છે.

અશ્વિન સાંકડાસરિયાએ આરોપ લગાવ્યો છે કે આ સંસ્થાની દિલ્હીમાં આવેલી ઉપરી સંસ્થા(PHFI) પબ્લિક હેલ્થ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયાના એમડી રજત ગુપ્તા અમેરિકામાં ફાઇનાન્સિયલ ફ્રોડમાં જેલની હવા ખાઇ ચુક્યાં છે, સંસ્થા સાથે સંકળાયેલા અન્ય અધિકારીઓ પણ પોતાના પાવરનો ખોટો ઉપયોગ કરીને ભ્રષ્ટાચાર કરી રહ્યાં હોવાના આરોપ છે, ગાંધીનગર પાસે આવેલી PHFI પાસે મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અને યુજીસીની પણ માન્યતા ન હોવાનું અશ્વિને જણાવ્યું છે.આ સંસ્થાના અધિકારીઓએ લોબીંગ કરીને સરકાર પાસેથી 50 એકર જેટલી જમીન લઇને બાંધકામ માટે પણ સરકારની મદદ લીધી હોવાનું કહીને અશ્વિને દાવો કર્યો છે કે આ સંસ્થાએ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો છે. અને તેઓ તેના પુરાવા પણ રજૂ કરશે.

કયા અધિકારીઓનાં નામ આપ્યાં….?

અશ્વિન સાંકડાસરિયાએ પરપ્રાંતિય હાલના IAS અધિકારીઓ અને કેટલાક નિવૃત IAS અધિકારીઓ પર આરોપ લગાવ્યાં છે, આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિ, સુધીર માંકડ, જયપ્રકાશ શીવહરે, કે શ્રીનાથ રેડ્ડી, સંજય જોડપે અને ડી.પ્રભાકરન જેવા અધિકારીઓ સામે તપાસની માંગ કરી કરી છે, સાથે જ PHFI કેમ્પસને અધિકારીઓએ આરામનો અડ્ડો બનાવી દીધો હોવાનું અશ્વિને જણાવ્યું છે.

અશ્વિન સાંકડાસરિયાએ માંગ કરી છે કે આરોગ્ય સેવાઓના નામે મળેલી 1200 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ક્યાં વાપરી છે ? તેનો હિસાબ આપવામા આવે, જો સંસ્થા સાચી હોય તો ઓડિટ રિપોર્ટસ, સંસ્થાના માન્યતાના દસ્તાવેજો અને તમામ હિસાબો સાથે સામે આવે, અશ્વિને જે તે સમયે 1200 કરોડ રૂપિયાનો વહીવટ કરનારા IAS અધિકારી ગૌરવ દહિયા પર પણ સવાલ ઉઠાવ્યાં છે, દહિયા એ અધિકારી છે જેમના પર દિલ્હીની એક મહિલાએ તેમની પત્ની હોવાનો દાવો કરીને પોલીસ કેસ કર્યો હતો અને દહિયાને સસ્પેન્ડ કરાયા હતા.

Contribute Your Support by Sharing this News: