મુખ્યમંત્રી રૂપાણીએ વાવાઝોડાની ગંભીરતાને ધ્યાને રાખી તકેદારી રાખવા અપીલ કરી છે.
વાયુ નામની કુદરતી આફત ગુજરાત તરફ આગળ વધી રહી છે, જો કે વાવાઝોડાને પહોંચી વળવા માટે મુખ્યમંત્રીની આગેવાનીમાં ઉચ્ચસ્તરીય બેઠક મળી હતી, જે અંગે માહિતી આપતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે રાજ્યમાં 2.91 લાખ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. તો રાજ્યમાં અત્યારસુધીમાં વીજળી પડવા અને વૃક્ષ ધરાસાયી થવાની ઘટનામાં ચાર લોકોનાં મોત થયા છે.

રાજ્યમાં વાયુ વાવાઝોડાની અસર શરૂ થઇ ગઇ છે, દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડ્યો, તો દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે પવન ફૂંકાઇ રહ્યો છે. અત્યારસુધીમાં વરસાદી વાતાવરણને કારણે ત્રણ લોકોનાં મૃત્યુ થયાનું સામે આવ્યું છે, જેમાં વ્યારામાં વીજળી પડતાં એક મહિલાનું મોત થયું, તો ભાવનગરના મહુવામાં વૃક્ષ ધરાસાયી થતા એક ખેડૂતનું મોત નિપજ્યું છે અને સુરતમાં પણ વૃક્ષ ધરાસાયી થતા એક વ્યક્તિનું મોત થયું છે.આ સિવાય ડાંગસુબિર તાલુકામાં વીજળી પડતાં એકનું મોત નીપજ્યું છે. અહીં શીંગાણા પંચાયતનાના જામનયામાલમાં 50 વર્ષિય મગનભાઇ વાઘમરેનું મોત નીપજ્યું છે.

બેઠકમાં આગોતરી સાવચેતી ઉપરાંત રાહત બચાવની કામગીરીની સજ્જતા વિશે માહિતી આપી હતી. જેમાં સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા નેશનલ ડિઝાસ્ટર રેસ્ક્યુ ફોર્સ(NDRF)ની 15 ટીમ ઉપલબ્ધ છે અને વધારાની 20 ટીમ પૂણે અને ભટીંડાથી રવાના કરાઇ છે. આમ એનડીઆરએફની સૌરાષ્ટ્રના કાંઠાળા વિસ્તારમાં 35 ટીમ ખડેપગે રહેશે. તેની સાથે સાથે લશ્કરની 34 ટીમોને સૌરાષ્ટ્ર-કચ્છ તરફ રવાના કરવામાં આવી છે. આ બેઠકમાં રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ કાંઠાળા વિસ્તારમાં મરિન સિક્યુરિટી ફોર્સના જવાનો ઉપરાંત એસડીઆરએફની 11 ટૂકડી રવાના કરવામાં આવી છે. તેમજ 5 લાખ ફૂડ પેકેટ્સની પણ વ્યવસ્થા કરાઈ છે. તો મુખ્યમંત્રી રૂપાણીએ વાવાઝોડાની ગંભીરતાને ધ્યાને રાખી તકેદારી રાખવા અપીલ કરી છે.

Contribute Your Support by Sharing this News: