ગુજરાત માથે વાવાઝોડાનું સંકટ, ભાવનગરમાં વંટોળ સાથે વરસાદ શરૂ

શેર કરવા અહીં ક્લિક કરો.

અરબ સાગરમાં સર્જાયેલું લૉ-પ્રેસર વાવાઝોડામાં ફેરવાઈ શકે એમ છે અને ગુજરાત તથા મહારાષ્ટ્રના દરિયાકિનારે ત્રીજી જૂને ત્રાટકી શકે છે. ભારતીય હવામાન વિભાગે આ જાણકારી આપી છે. વાવાઝોડાના આગમન પૂર્વે જ ભાવનગરમાં હવામાનમાં પલટો આવ્યો હતો. સોમવારે બપોરે ભાવનગરમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. ભારે પવન ફૂંકાતાં કેટલાંક ઠેકાણે વૃક્ષો જમીનદોસ્ત થઈ ગયાં હતાં. હવામાન વિભાગની આગાહી પ્રમાણે અરબ સાગરમાં બે વાવાઝોડાં સર્જાઈ રહ્યાં છે, જે પૈકી એક ઓમાન અને યમન તરફ વળશે. જ્યારે એક વાવાઝોડું ભારતના પશ્ચિમી કાંઠે ત્રાટકવાની શક્યતા છે. ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ કહ્યું, “વાવાઝોડાની સંભાવનાને જોતાં દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ તથા ભાવનગર અને અમરેલી માટે હાઈઍલર્ટની જાહેરાત કરાઈ છે.” “સંભવિત વાવાઝોડા સાથે વરસાદની પૂરતી સંભાવના છે. સુરત, નવસારી, વલસાડ, ડાંગ, ભરૂચ, ભાવનગર, અમરેલીમાં પવન ફૂંકાય અને સાથે વરસાદ પડે એવી સંભાવના છે.” તેઓ કહે છે કે “વાવાઝોડા સંદર્ભે આજે આ જિલ્લાઓના કલેક્ટરોને સાથે રાખીને હાઈપાવર બેઠક થઈ હતી. સૌરાષ્ટ્ર અને કચ્છના અન્ય જિલ્લાઓને પણ ઍલર્ટ કરવામાં આવ્યા છે.” “માછીમારોને પાછા બોલાવી લેવાયા છે અને અગરિયાઓ, જિંગા ફાર્મમાં કામ કરતા લોકોને ખસેડવાની સૂચના આપી દેવામાં આવી છે. કોરોના વાઇરસની મહામારી સામે આપણે લડી રહ્યા છે ત્યારે આ કુદરતી આપત્તિ આવી છે અને એથી વિશેષ કાળજી લેવામાં આવી રહી છે.બચાવ કામગીરી માટે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને કામે લગાડવામાં આવી છે. “અરબ સાગરમાં લૉ-પ્રેસર સર્જાયેલું છે. વાવાઝોડું સર્જાય તે અગાઉનો એક તબક્કો એ હોય છે કે લૉ-પ્રેસર બને છે. તેથી હાલ દરિયામાં એક લૉ-પ્રેસર બનેલું છે. એ આવતીકાલે ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે અને પરમ દિવસે સાયક્લોનિક સ્ટોર્મમાં ફેરવાશે. એ પછી તે ઉત્તર દીશામાં આગળ વધી શકે છે. ત્રણ જૂને તે ગુજરાતના દરિયાકાંઠે પહોંચી શકે છે. અમે દરિયાકાંઠાના વિસ્તારોમાં ઍલર્ટ આપ્યું છે. ફિશરીઝ-વૉર્નિગ આપી રહ્યા છીએ. ઉપરાંત પૉર્ટ-વૉર્નિગ પણ સતત આપી રહ્યા છીએ. સામાન્ય રીતે અરબ સાગરમાં વાવાઝોડાં સર્જાતાં રહે છે અને ફંટાઈ જતાં હોય છે. જોકે, આ વખતે વાવાઝોડું ગુજરાત પર ત્રાટકે એવું સરકાર માની રહ્યા છે. તેઓ જણાવે છે, “આ વખતે ગુજરાતના દરિયાકાંઠે વાવાઝોડું આવશે એવું અમને લાગે છે. નોંધનીય છે કે ગુજરાત અને મહારાષ્ટ્ર કોરોના વાઇરસની મહામારીને લીધે ભારે મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરી રહ્યાં છે, બંને રાજ્યો દેશમાં કોરોનાથી પ્રભાવિત કેટલાંક ટોચનાં રાજ્યોમાં સામેલ છે. હવામાન વિભાગ દ્વારા તેમના ડેઇલી બુલેટિનમાં વાવાઝોડાની આગાહી કરતાં કહેવાયું હતું કે, “આવનારા 48 કલાકમાં અરબસાગરમાં દક્ષિણપૂર્વ અને મધ્ય વિસ્તારમાં લૉ-પ્રેશર એરિયાનું નિર્માણ થશે. જે સમય સાથે વધુ શક્તિશાળી વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરશે. આ વાવાઝોડું ત્રણ જૂન સુધી અરબ સાગરમાં ઉત્તર-પશ્ચિમ દિશા તરફ આગળ વધી ગુજરાત અને મહારાષ્ટ્રના કાંઠા વિસ્તારો પર ત્રાટકે તેવી શક્યતા છે. નોંધનીય છે કે લૉ-પ્રેશર એરિયા અને ડિપ્રેશન એ હવામાનવિભાગ દ્વારા વાવાઝોડાની તીવ્રતાના ધોરણે વર્ગીકરણ કરવા માટેની આઠ શ્રેણીઓ પૈકી પ્રથમ બે શ્રેણીઓ છે. આ સિવાય હવામાનવિભાગનું કહેવું છે કે અરબસાગરમાં લૉ-પ્રેશરનું નિર્માણ થવાથી ચોમસા પર પણ અસર થશે. એક જૂનથી કેરળમાં ચોમાસાની શરૂઆત માટે લૉ-પ્રેશર સહાયક સાબિત થવાની શક્યતા છે.સ્થાનિક મીડિયાના અહેવાલો પ્રમાણે દરિયામાં કરંટ જોવા મળતાં કેટલાક જિલ્લાઓમાં રવિવારે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.

શેર કરવા અહીં ક્લિક કરો.