શહેરના અસલાલી સર્કલ નજીકથી બે પ્લા‌સ્ટિકની થેલીમાં માથા વગરની કટકા કરેલી લાશ મળી આવવાના ચકચારી કિસ્સાનો ભેદ પોલીસે માત્ર પાંચ દિવસમાં ઉકેલી એક હત્યારાોની ધરપકડ કરી છે. હત્યારાએ ૧ર લાખ રૂપિયાની લેતી-દેતી મામલે તેના ભાગીદારનું ગોમતીપુરમાં ગળું દબાવીને હત્યા કર્યા બાદ ત્રણ કલાક સુધી લાશના કટકા કરીને બે કોથળીમાં પેક કર્યા હતા. પોલીસે ૧૦૦ કરતાં વધુ સીસીટીવી સર્વેલન્સ કર્યા બાદ હત્યારા સુધી પહોંચીને સમગ્ર ઘટનાનો પર્દાફાશ કર્યો છે….

૧૦૦ કરતાં વધુ સીસીટીવી ફૂટેજ પોલીસે તપાસ્યા: હત્યારાએ અત્યંત ચતુરાઇ અને ક્રૂરતાપૂર્વક આ હત્યાની ઘટનાને અંજામ આપ્યો હતો. પોલીસ માટે લાશ કોની છે અને હત્યારો કોણ છે તે શોધવું અત્યંત મુશ્કેલ હતું. ઘટનાસ્થળથી આસપાસના લગભગ ૧૦૦ કરતાં વધુ સીસીટીવી ફૂટેજ પોલીસે તપાસ્યા, જેમાં તેમને એક શંકાસ્પદ એ‌િક્ટવા અને ‌રિક્ષા ઘટનાસ્થળ નજીક દેખાયાં હતાં. અસલાલીથી ઇસનપુર સુધીના સીસીટીવી કેમેરા ચેક કર્યા, જેમાં ઇસનપુર સર્કલ પાસેના સીસીટીવી કેમેરાના ફૂટેજમાં બે પ્લા‌સ્ટિકની થેલીઓ લઇને ‌રિક્ષાચાલક જતો હોવાનું સામે આવ્યું હતું.

રિક્ષા નંબરના આધારે પોલીસે ‌રિક્ષાચાલકની અટકાયત કરી: રિક્ષા નંબરના આધારે પોલીસે ‌રિક્ષાચાલકની અટકાયત કરી હતી, જેમાં તેણે કબૂલાત કરી હતી કે ગોમતીપુરના મતબુલ ફારુક શેખે ૩૦૦ રૂપિયા આપ્યા હતા. પોલીસ મતબુલના ઘરે ધરપકડ કરવા માટે પહોંચી ત્યારે તે ઉતરપ્રદેશ જતો રહ્યો હતો. પોલીસે મતબુલને પકડવા માટે એક ટીમ યુપી રવાના કરી હતી, જ્યારે બીજી ટીમે મતબુલે કોની હત્યા કરી છે તે મામલે તપાસ શરૂ કરતાં જાણવા મળ્યું હતું કે ર‌વિવારથી ગોમતીપુરમાં રહેતો અને મતબુલનો ભાગીદાર શાકીર મલેક શેખ ગુમ છે. પોલીસને શંકા ગઇ હતી કે મતબુલે શાકીરની કોઇ કારણસર હત્યા કરી છે, પરંતુ હત્યા કેમ કરી તે રહસ્ય હતું. યુપી પહોંચેલી અસલાલી પોલીસને જાણ થઇ કે મતબુલ પ્લેન મારફતે અમદાવાદ આવી રહ્યો છે.

કાપડનો ધંધો સાથે ભાગીદારીમાં કરતા હતા: મતબુલ અમદાવાદ આવ્યો ત્યારે અસલાલી પોલીસે તેની ધરપકડ કરીને આકરી પૂછપરછ કરી હતી. અમદાવાદ ‌જિલ્લાના ડીવાયએસપી કે.ટી. કામ‌િરયાએ જણાવ્યું છે કે મતબુલ અને શાકીર બંને જણા મૂળ યુપીના છે અને ઘણા વર્ષથી અમદાવાદના ગોમતીપુરમાં રહે છે અને કાપડનો ધંધો સાથે ભાગીદારીમાં કરતા હતા. શાકીરે મતબુલનો ધંધો પડાવી લીધો હતો, જેમાં તેને ૧ર લાખ રૂપિયાનું નુકસાન થયું હતું.

શાકીરને મળવા માટે ઘરે બોલાવ્યો હતો: મતબુલના એક મિત્રએ તેને જણાવ્યું હતું કે શાકીર તારી હત્યા કરવાની સોપારી આપવા માટે ફરી રહ્યો છે અને તારો ફોટોગ્રાફ્સ એક વ્યક્તિ પાસે પણ જોયો છે. મતબુલે મિત્રની વાત પર વિશ્વાસ કરી લીધો હતો અને શાકીરને મળવા માટે ઘરે બોલાવ્યો હતો. મતબુલ પાણી લેવા માટે રસોડામાં ગયો ત્યારે શાકીરના મોબાઇલ પર ફોન વાત કરી રહ્યો હતો. મતબુલ પાણી લઇને બહાર આવ્યો ત્યારે શાકીરના મોઢે તેણે સાંભળ્યું હતું કે હજુ કેમ જીવે છે. મતબુલને વિશ્વાસ આવી ગયો હતો કે મારી હત્યા માટે શાકીરે સોપારી આપી છે.

મતબુલે તે જ સમયે શાકીરની ગળું દબાવીને હત્યા કરી: મતબુલે તે જ સમયે શાકીરની ગળું દબાવીને હત્યા કરી દીધી હતી. મતબુલે રાતના આઠ વાગ્યાથી અગિયાર વાગ્યા સુધી કાપડ કાપવાની કટરથી શાકીરના કટકા કર્યા હતા અને તેને પ્લાસ્ટિકની થેલીમાં પેક કરી દીધા હતા. જમીન પર પડેલા લોહીના ડાઘને સાફ કરવા માટે ફિનાઇલથી આખું ઘર ધોઇ નાખ્યું હતું.