બનાસકાંઠા જિલ્લામાં ઠેર ઠેર હોળી ધુળેટી પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરાઇ 

શેર કરવા અહીં ક્લિક કરો.

ગરવીતાકાત,પાલનપુર

રંગબેરંગી રંગોથી લોકો એકબીજાને રંગીને કરી તહેવારની ઉજવણી : દાંતા તાલુકાના ગામડાઓમાં ઢોલ નગારા સાથે લોકો ઝૂમી ઉઠ્યા બનાસકાંઠા જિલ્લામાં હોળી ધુળેટી પર્વ નિમિત્તે ઠેર ઠેર એકબીજાને રંગબેરંગી રંગોથી રંગીને હોળીના તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જિલ્લાના દાંતા સહિતના આદિવાસી વિસ્તારોમાં ધુળેટીનો તહેવાર વિવિધ રીતે મનાવવામાં આવે છે જેમાં ઢોલ નગારા સાથે લોકોએ નાચગાન સાથે તહેવારની ઉજવણી કરી હતી.

એકબીજાને રંગબેરંગી રંગોથી રંગી દેવાના આ તહેવારને માત્ર રંગથી રંગવાનો નહીં પણ એકબીજાને પ્રેમથી રંગી લેવાનો તહેવાર તરીકે પણ ઉજવવામાં આવે છે. જેમાં બનાસકાંઠા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં હોળી ધુળેટી પર્વને લઇ હર્ષોલ્લાસભેર લોકોએ ઉજવણી કરી હતી. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ઢોલ નગારા સાથે ડાન્સ કરીને લોકોએ તહેવારને ઉજવ્યો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં મહિલાઓ અગાઉ જૂના જમાનામાં જે પ્રકારે નાચગાન કરતી હતી તે પ્રકારે તહેવારને લઇ હર્ષોલ્લાસ સાથે નાચગાન કરીને તહેવારની ઉજવણી કરી હતી. જેમાં દાંતા તાલુકાના વિવિધ ગામડાઓમાં આવી અનેક તસવીરો જોવા મળી હતી ત્યારે કોર અબીલ ગુલાલ અને ધૂળેટીનાં રંગોથી ફૂલ ધમાલ મસ્તી સાથે લોકોએ તહેવારની ઉજવણી કરી હતી. જેમાં ધુળેટીના તહેવારને લઇ એકબીજાના મનમાં પણ કોઇ ખટાસ રહી ગઈ હતી તે ગતરોજ તહેવારના દિવસે ભૂલાવીને લોકોએ હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી હતી. તે ઉપરાંત પાલનપુર શહેર સહિત કેટલાક ગામડાઓમાં સવારથી જ નાના ભૂલકાઅો અને લોકો એકબીજાને રંગોથી રંગવા માટે નીકળી પડ્યા હતા અને ખુશીઓના તહેવાર પર ઝૂમી ઉઠ્યા હતા.

તસ્વીર અહેવાલ જયંતિ મેતિયા પાલનપુર 

શેર કરવા અહીં ક્લિક કરો.