લક્ષચંડી હવનમાં હાજરી આપવાનું હાર્દિક પટેલનું સપનું આ કારણે રહી શકે છે અધુરૂ

ગમ્યું તો આગળ શેર કરો.

ગરવીતાકાત,મહેસાણા(તારીખ:૧૭)

ઉંઝા ખાતે લક્ષચંડી હવનમાં હાજરી આપવાનું હાર્દિક પટેલનું સપનું રોળાતુ દેખાઈ રહ્યું છે. હાર્દિકના વકીલે જવાબ રજૂ કરવા કોર્ટ પાસે સમય માંગ્યો છે. ઉમિયા ધામમાં હાર્દિક પટેલને લક્ષચંડી હવનમાં હાજરી આપવી છે. સરકાર તરફે આજે કોર્ટમાં એડિશનલ એફિડેવિટ રજુ કરાયું હતું. હાર્દિકની મહેસાણામાં પ્રવેશ મામલે વધુ સુનાવણી 19 મી ડિસેમ્બરે હાથ ધરાશે. ગુજરાત હાઇકોર્ટમાં મહેસાણામાં પ્રવેશ કરવા માટે હાર્દિકે કોર્ટ પાસે પરવાનગી માંગી છે. હાર્દિકે 15 ડિસે.થી 24 ડિસે.સુધી હાજર રહેવા પરવાનગી માંગી હતી. વિસનગરમાં થયેલા કેસમાં મહેસાણા જિલ્લામાં પ્રવેશબંધી હટાવવા હાર્દિકે અગાઉ પણ પ્રયાસો કર્યા છે. જેમાં તેને સફળતા મળી નથી. હાલમાં પાટીદાર સમાજનો સૌથી મોટો ઉત્સવ ચાલી રહ્યો છે. હાર્દિક પટેલ પણ કડવા પાટીદાર છે. વિશ્વભરમાંથી કડવા પાટીદારો ઉમટી પડવાના હોવાથી હાર્દિક પટેલને આ મહોત્સવમાં હાજરી આપવી છે પણ કોર્ટનો આદેશ નડી રહ્યો છે. 18મીથી આ કાર્યક્રમ ચાલું થઈ જશે પણ આ કેસની સુનાવણી 19મીએ થવાની છે. જેથી કોર્ટ મંજૂરી આપે તો પણ પ્રથમ દિવસ તો હાર્દિક ગુમાવશે એ ફાયનલ છે.

વિસનગરના કેસમાં હાઇકોર્ટે હાર્દિકને શરતી જામીન આપ્યા હતા. તેવી જ રીતે રાજદ્રોહના કેસમાં પણ તેને શરતી જામીન મળ્યા છે. વિસનગર કેસની મહેસાણામાં પ્રવેશ પર પ્રતિબંધની શરત ચાલુ છે. તેથી ગુજરાતમાં હોવા છતાંય હાર્દિક પોતાના વતન, માતાજીના સ્થાનક અને પાટીદારની બહોળી સંખ્યા ધરાવતા મહેસાણામાં જઇ શકતો નથી. સામાજિક, ધાર્મિક પ્રસંગમાં પણ તે મહેસાણા ખાતે જોડાઇ શકતો નથી. વિસનગરમાં ઋષિકેશ પટેલની ઓફિસમાં તોડફોડના મામલે હાઇકોર્ટે હાર્દિકને જામીન આપતી વખતે મહેસાણામાં નહીં પ્રવેશવાની શરત મૂકેલી છે.

આંદોલન નડ્યું: હાર્દિકને લગ્નવિધિમાં કાયદો નડ્યો હોવાનો ઘાટ ઘડાયો છે. મહેસાણા જિલ્લાથી પાટીદાર આંદોલનનું રણશિંગું ફૂંક્યું હતું ત્યાં ઊંઝાના ઉમિયાધામમાં લગ્ન કરવાનું નક્કી કરાયું હતું પરંતુ તેના પિતા ભરતભાઈ પટેલે એ સમયે પણ કહયું હતું કે, મહેસાણા જિલ્લામાં 3 વર્ષથી હાર્દિક માટે પ્રવેશબંધી હોવાથી વતન દિગસરમાં લગ્ન કરાવવાની ફરજ પડી છે.

ગમ્યું તો આગળ શેર કરો.