ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા યુવા નીતિ 2060 અંગે નડિયાદમાં કાર્યશાળા યોજાઇ

ગમ્યું તો આગળ શેર કરો.

ગરવીતાકાત,નડિયાદ(તારીખ:૧૦)

નડિયાદ ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા યુવા નીતિ 2060 અંગે નડિયાદમાં કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. નડિયાદમાં યોજાયેલ આ વર્કશોપમાં  સાંસદ શ્રી દેવુસિંહ ચૌહાણ, નિવાસી અધિક કલેકટર શ્રી રમેશ મેરજાં, પ્રદેશ પ્રોજેક્ટ મેનેજર શુભમજી, ઝોન ત્રણના સંયોજક શ્રી મનોજભાઈ, ખેડા જિલ્લાના જિલ્લા સંયોજક શ્રી પ્રણવ સાગર, જિલ્લા વાલી શ્રી ચિરાગ પટેલ, જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી અક્ષયભાઈ મકવાણા તથા સરદાર પટેલ યુનિવર્સિટીના સિન્ડીકેટ સભ્ય શ્રી વિકાસ શાહ દ્વારા ચર્ચામાં ભાગ લઈ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ગુજરાતનો યુવાન માનસિક, શારીરિક, આર્થિક તથા શૈક્ષણિક રીતે સક્ષમ થાય તેવા ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના વિચારો અને સંકલ્પોને પૂર્ણ કરતી યુવાનોના ઉદ્ધાર માટેની નીતિ એટલે ગુજરાતની યુવા નીતિ.  ગુજરાતનો યુવા કેવો હોવો જોઈએ આવનારી યુવા નીતિ માં કયા કયા મુદ્દાઓનો સમાવેશ થવો જોઇએ, યુવાનો આર્થિક રીતે, શૈક્ષણિક રીતે, કૃષિક્ષેત્રે સક્ષમ થાય તેવી ગુજરાતની એક યુવા નીતિ  હોવી જોઈએ તેવા ઉમદા આશયથી આ વર્કશોપમાં ખેડા જિલ્લાના આગેવાન અને બુદ્ધિજીવી યુવાનોએ ભાગ લીધો હતો. વર્ષ  2060 ની સાલમાં જ્યારે ગુજરાતના ૧૦૦ વર્ષ પૂરા થાય ત્યારે પણ આ યુવા નીતિ યુવાન જ હોવી જોઈએ એવી  કલ્પના સાથે ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા  ગુજરાતના ૩૩ જિલ્લાઓમાં આવા વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે.

તસ્વીર અહેવાલ જયદીપ દરજી ખેડા 

ગમ્યું તો આગળ શેર કરો.