ગરવીતાકાત,તારીખ:૦૭)

શું ગુજરાત એક બીમાર રાજ્ય છે? જ્યારે તમે નેશનલ હેલ્થ પ્રોફાઇલ, 2019નો અહેવાલ વાંચશો ત્યારે કોઈ પણ ગુજરાતીના મનમાં આ સવાલ જરૂર ઊઠશે.નેશનલ હેલ્થ પ્રોફાઇલના વર્ષ 2019ના રિપોર્ટ અનુસાર વર્ષ 2018માં ગુજરાતમાં સૌથી વધારે કૉમન કૅન્સરના કેસો નોંધાયા છે.

આ રિપોર્ટ પ્રમાણે 2018માં ગુજરાતમાં કૉમન કૅન્સરના 72,169 કેસો નોંધાયા છે.ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ગુજરાતમાં કૉમન કૅન્સરના દર્દીઓની સંખ્યામાં 68,230નો ચિંતાજનક વધારો જોવા મળ્યો છે.આ રિપોર્ટ અનુસાર ગુજરાતનું પ્રદર્શન આરોગ્ય ક્ષેત્રે સંતોષકારક ન હોવાનું નિષ્ણાતો જણાવે છે.

ગુજરાત ખાનગી અને જાહેર ક્ષેત્રે શ્રેષ્ઠ સ્વાસ્થ્ય વ્યવસ્થા ધરાવતાં રાજ્યો પૈકી એક હોવાનો ગર્વ અનુભવતી ગુજરાત સરકાર માટે આ રિપોર્ટ નિરાશાજનક હોવાની ચર્ચા થઈ રહી છે.અહીં નોંધનીય છે કે ગુજરાતમાં કેટલાક ચેપી-બિનચેપી રોગોની સંખ્યામાં ઘટાડો થયો હોવાનું પણ માલૂમ પડે છે.

પરંતુ આ રિપોર્ટના સંપૂર્ણ અભ્યાસ બાદ માલૂમ પડે છે કે ચેપી અને બિનચેપી બંને પ્રકારના રોગોથી પીડિત દર્દીઓની સંખ્યામાં ગુજરાતમાં એકંદરે વધારો થયો છે.હવે અહીં સવાલ એ થાય છે કે દેશભરમાં વિકાસના મૉડેલ તરીકેની નામના ધરાવતું ગુજરાત રાજ્ય શું ખરેખર એક બીમાર રાજ્ય છે?

ચેપી રોગોમાં ગુજરાત સપડાયું

નેશનલ હેલ્થ પ્રોફાઇલ, 2019ના રિપોર્ટ અનુસાર ગુજરાતમાં ચિકનગુનિયાના કેસોમાં 2014ની સરખામણીએ 2018માં લગભગ 20 ગણો વધારો જોવા મળે છે.નોંધનીય છે કે 2014માં ગુજરાતમાં ચિકનગુનિયાના 574 કેસો નોંધાયા હતા, પરંતુ ત્યાર બાદથી તેમાં ઝડપી વધારો જોવા મળે છે. 2018માં ચિકનગુનિયાના કુલ 10,601 કેસો જોવા મળ્યા હતા.આ સિવાય ગુજરાતમાં ડેન્ગ્યુના કેસોમાં 2014ની સરખામણીએ 2018માં લગભગ 3 ગણો વધારો જોવા મળ્યો છે.

વર્ષ 2014માં ગુજરાતમાં ડેન્ગ્યુના 2,320 કેસો નોંધાયા હતા, જ્યારે 2018માં ડેન્ગ્યુના 7,579 કેસો નોંધાયા હતા.આ સિવાય રિપોર્ટ અનુસાર ગુજરાતમાં કૉલેરાના કારણે થયેલાં મૃત્યુમાં પણ વધારો થયેલો જોવા મળ્યો છે.વર્ષ 2017માં ગુજરાતમાં કૉલેરાના કારણે 85 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. જ્યારે વર્ષ 2018માં કૉલેરાના કારણે કુલ 106 મૃત્યુ થયાં હોવાનું માલૂમ પડ્યું છે.રિપોર્ટ અનુસાર વર્ષ 2017માં ગુજરાતમાં કુલ 6,19,174 ડાયરિયાના કેસો નોંધાયા હતા, જ્યારે વર્ષ 2018માં ગુજરાતમાં 7,29,132 ડાયરિયાના કેસો નોંધાયા હોવાનું માલૂમ પડે છે.

આ સિવાય 2017માં ટાઇફૉઇડના 41,794 કેસો જોવા મળ્યા હતા. જ્યારે વર્ષ 2018માં ગુજરાતમાં ટાઇફૉઇડના દર્દીઓની સંખ્યા વધીને 56,390 થઈ ગઈ હતી.રિપોર્ટ પ્રમાણે શ્વાસોચ્છવાસથી પીડાતા દર્દીઓની સંખ્યામાં પણ વધારો થયો છે.વર્ષ 2017માં શ્વાસોચ્છવાસથી પીડાતા દર્દીઓની સંખ્યા 19,64,767 હતી. જ્યારે વર્ષ 2018માં આ સંખ્યા વધીને 22,10,656 થઈ જવા પામી હતી.અહેવાલ પ્રમાણે ગુજરાતમાં વર્ષ 2017માં વાઇરલ હિપેટાઇટિસના કુલ 3,838 કેસો નોંધાયા હતા.

જ્યારે વર્ષ 2018માં આ સંખ્યામાં લગભગ બમણો વધારો નોંધાયો હતો. આ સમયગાળા દરમિયાન વાઇરલ હિપેટાઇટિસના કુલ 7,325 કેસો નોંધાયા હતા.વર્ષ 2017ની માહિતી પ્રમાણે ગુજરાતમાં ન્યૂમોનિયાના 1,484 કેસો નોંધાયા હતા. જ્યારે વર્ષ 2018માં રાજ્યમાં ન્યૂમોનિયાના કેસો વધીને 5,159 થઈ ગયા હતા.વર્ષ 2017માં આ રોગના કારણે રાજ્યમાં 4 લોકોનાં મૃત્યુ થયાં હતાં જ્યારે વર્ષ 2018માં તેના કારણે 3 લોકોનાં મૃત્યુ થયા હોવાનું જાણવા મળ્યું છે.

આ સિવાય વર્ષ 2017માં ગુજરાતમાં ટી.બી.ના દર્દીઓની સંખ્યા 97,202 હતી, જ્યારે 2018માં ટી.બી.ના કુલ દર્દીઓની સંખ્યા 1,15,802 નોંધાઈ હતી.ગુજરાતમાં વર્ષ 2012ની સરખામણીએ 2018માં સ્વાઇન ફ્લૂના કેસો અને મૃત્યુમાં વધારો નોંધાયો છે. આંકડા અનુસાર વર્ષ 2012માં સ્વાઇન ફ્લૂના માત્ર 101 દર્દીઓ નોંધાયા હતા.જ્યારે સ્વાઇન ફ્લૂથી 30 લોકોનાં મૃત્યુ થયાં હોવાનું સામે આવ્યું હતું, પરંતુ વર્ષ 2018માં સ્વાઇન ફ્લૂના 2,164 કેસો નોંધાયા હતા.જ્યારે કુલ 97 લોકોએ સ્વાઇન ફ્લૂના કારણે પોતાના જીવ ગુમાવવા પડ્યા હતા.

બિનચેપી રોગોમાં ચિંતાજનક વધારો

અહેવાલ અનુસાર વર્ષ 2017માં હૃદય રોગના દર્દીઓની સંખ્યા 7,094 હતી.જ્યારે વર્ષ 2018માં આ આંકડો વધીને 10,107 થઈ ગયો હતો. જ્યારે વર્ષ 2017માં સ્ટ્રોકના દર્દીઓની સંખ્યા 3,793 હતી, જ્યારે વર્ષ 2018માં સ્ટ્રોકના દર્દીઓની સંખ્યા 6,097 થઈ જવા પામી હતી.

આ સિવાય સૌથી ચિંતાજનક બાબત છે કૉમન કૅન્સરના કેસોમાં થયેલો અસાધારણ વધારો.નોંધનીય છે કે ગુજરાતમાં વર્ષ 2017માં કૉમન કૅન્સરના 3,939 દર્દીઓ હતા, પરંતુ 2018માં ગુજરાતમાં કૉમન કૅન્સરના કેસોમાં તોતિંગ વધારો થયેલો જોવા મળે છે. વર્ષ 2018માં કૉમન કૅન્સરના 72,169 કેસો નોંધાયા હતા.

સ્વાસ્થ્ય સેવામાં ગુજરાતનું નબળું પ્રદર્શન

ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશનના એક રિપોર્ટ પ્રમાણે નેશનલ ફેમિલી હેલ્થ સર્વે (NFHS)ના આંકડા અનુસાર ગુજરાતમાં સંસ્થાગત પ્રસૂતિઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો હોવા છતાં ડાંગ, રાજકોટ, પંચમહાલ, વડોદરા, નર્મદા અને વલસાડ જેવા જિલ્લાઓમાં સંસ્થાગત પ્રસૂતિઓની સંખ્યાનું પ્રમાણ અન્ય જિલ્લા કરતાં ઓછું જોવા મળ્યું છે.

બ્રુકિંગ્સ ઇન્ડિયાના વિશ્લેષણ અનુસાર ગુજરાતમાં મોટા ભાગના લોકો ખાનગી સ્વાસ્થ્ય સેવા તરફ આકર્ષાય છે.વિશ્લેષણ પ્રમાણે આઉટ-પેશન્ટ કેસમાં કુલ દર્દીઓના 84.9% દર્દીઓ ખાનગી સ્વાસ્થ્ય સેવાનો લાભ લે છે.જ્યારે ઇન-પેશન્ટ કેસમાં કુલ દર્દીઓના 73.8% દર્દીઓ ખાનગી સ્વાસ્થ્ય સેવાઓ લે છે.

રસીકરણમાં ઘટાડો

સરકારી આંકડા પ્રમાણે NFHS-2 બાદ રસીકરણનો લાભ મેળવનાર લોકોની સંખ્યામાં સતત ઘટાડો નોંધાયો હતો.આ બાબતે ગુજરાત નબળાં રાજ્યોની યાદીમાં સામેલ હતું. નોંધનીય છે કે NFHS-2 પ્રમાણે કુલ 53% રસીકરણ નોંધાયું હતું.જે NFHS-3માં 45% જેટલું ઓછું નોંધાયું હતું. જોકે, NFHS-4માં આ પ્રમાણ 50.4% સુધી પહોંચ્યું હતું.

વર્ષ 2005-06 પ્રમાણે ગુજરાત 12-23 મહિનાનાં બાળકોના સંપૂર્ણ રસીકરણ મામલે નબળું પ્રદર્શન કરનાર તળીયાનાં 10 રાજ્યોની યાદીમાં સામેલ હતું.જ્યારે વર્ષ 2015-16ના આંકડા પ્રમાણે ગુજરાત 12-23 માસનાં બાળકોના સંપૂર્ણ રસીકરણની યાદીમાં ગુજરાતનું સ્થાન છેલ્લેથી પાંચમું હતું.આ બાબતે ગુજરાતનું પ્રદર્શન ભારતની સરેરાશ કરતાં પણ ખરાબ હતું.

ટીબીના કેસોમાં વધારો

ઓબ્ઝર્સવર રિસર્ચ ફાઉન્ડેશનના અહેવાલ અનુસાર છેલ્લા દાયકામાં માત્ર ગુજરાત અને ઉત્તરપ્રદેશ જ બે એવાં રાજ્યો હતાં જ્યાં ટી.બી.ના કેસોમાં વધારો નોંધાયો હતો.જો રસીકરણ પર વધુ ભાર નહીં મૂકવામાં આવે તો આવા પ્રકારના રોગો સમયાંતરે ફેલાયા જ કરશે તેવો ભય છે.હવે એવો સમય પાકી ગયો છે કે ગુજરાતે રસીકરણ ક્ષેત્રે વધુ ગંભીરતા દાખવવી જોઈએ, જો આવું નહીં થાય તો ગુજરાતની આર્થિક પ્રગતિ પર પણ તેની માઠી અસરો પડી શકે છે.

ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR)ના આંકડા અનુસાર રાજ્યમાં બીમારીના કારણે થતાં મૃત્યુની યાદીમાં ટી.બી.ના કારણે થતાં મૃત્યુ ત્રીજા ક્રમાંકે છે.NFHS-4ના આંકડાઓ અનુસાર રાજ્યના અન્ય જિલ્લાઓની સરખામણીમાં પંચમહાલ, પાટણ, દાહોદ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર અને ખેડા ખાતે 40% કરતાં ઓછું રસીકરણ જોવા મળ્યું હતું.

પોષણની સમસ્યા અને ગુજરાત

ઓબ્ઝર્વેશન રિસર્ચ ફાઉન્ડેશનના અહેવાલ પ્રમાણે અને ICMRના આંકડા પ્રમાણે પોષણક્ષમ ભોજનને લગતા પડકારો અને કુપોષણની સમસ્યાએ મૃત્યુ અને વિકલાંગતાનાં મુખ્ય કારણો છે.NHFSની માહિતી અનુસાર ગુજરાતમાં કુપોષણના આંકડાઓમાં ધીમો સુધારો નોંધાયો હોવા છતાં પરિસ્થિતિ હજુ ચિંતાજનક છે.

અહેવાલ પ્રમાણે એક આર્થિક વિકસિત રાજ્ય તરીકેની છાપ ધરાવતા ગુજરાતમાં બાળ કુપોષણની સમસ્યા વિકટ છે.આ સિવાય NFHS-4ના આંકડાઓ પ્રમાણે ગુજરાતના પુરુષો અને સ્ત્રીઓ વધતા જતા વજનની સમસ્યાનો પણ સામનો કરી રહ્યા છે.

ડૉક્ટરોની ઓછી સંખ્યા

વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેનશનના દિશાનિર્દેશ પ્રમાણે દર હજારની વસતિએ 1 ડૉક્ટર હોય એ સ્વાસ્થ્ય સેવા ક્ષેત્રે ઇચ્છનીય છે, પરંતુ ભારતનાં મોટા ભાગનાં રાજ્યોની જેમ જ ગુજરાતમાં પણ માપદંડ જળવાતો નથી.ડાઉન ટુ અર્થ મેગેઝિનના આંકડા પ્રમાણે ગુજરાતમાં 11,475 લોકો સામે 1 સરકારી એલોપેથિક ડૉક્ટર છે.

ગુજરાત આ યાદીમાં 28મા ક્રમે છે. નોંધનીય છે કે આ બાબતે રાષ્ટ્રીય સરેરાશ દર 11,097 લોકોની સામે 1 સરકારી એલોપેથિક ડૉક્ટરનો છે.અમદાવાદ મિરરમાં પ્રસિદ્ધ થયેલ એક અહેવાલ પ્રમાણે દેશના કુલ ડૉક્ટરોની સંખ્યામાંથી માત્ર 5.77% ડૉક્ટરો જ ગુજરાતમાં છે.

આ અહેવાલ મુજબ દેશમાં કુલ 11 લાખ નોંધાયેલા ડૉક્ટરો પ્રેક્ટિસ કરી રહ્યા છે. જે પૈકી ગુજરાતમાં માત્ર 66,994 ડૉક્ટરો જ છે.વ્યક્તિના સ્વાસ્થ્ય માટે સરકારના પ્રતિ વ્યક્તિ ખર્ચના આંકડા અનુસાર 20 રાજ્યોની યાદીમાં ગુજરાત પ્રતિ વ્યક્તિ 1239 રૂ.ના ખર્ચ સાથે 7મા ક્રમે છે.

જ્યારે હિમાચલપ્રદેશ 2316 રૂ.ના ખર્ચ સાથે પ્રથમ ક્રમાંકે છે. અહેવાલ પ્રમાણે ગુજરાત સરકારે ડૉક્ટરોની ઓછી સંખ્યા માટે અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં ઓછી મેડિકલ કૉલેજો હોવાની વાત ટાંકી હતી.ઇન્ડિયાસ્પેન્ડ ડૉટ કોમના એક અહેવાલમાં જણાવ્યા મુજબ રૂરલ હેલ્થ સ્ટેટિટિક્સ, 2016-17 પ્રમાણે ગુજરાતમાં 93.2% સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરોની અછત છે.

અહેવાલ મુજબ 1,452 ડૉક્ટરોની જરૂરિયાત સામે માત્ર 92 નિષ્ણાત ડૉક્ટરો ઉપલબ્ધ છે.આ સિવાય ડીએનએ ઇન્ડિયાના એક અહેવાલ પ્રમાણે માર્ચ, 2017ના આંકડા અનુસાર ગુજરાતમાં કૉમ્યુનિટી હેલ્થ સેન્ટર માટે 425 નિષ્ણાત ડૉક્ટરોની મંજૂર થયેલી જગ્યાની સામે 27 ડૉક્ટરોની જ નિમણૂક થઈ શકી છે.

જેનો અર્થ એ થયો કે કુલ 93.5% નિષ્ણાતોની જગ્યા હજુ ખાલી પડી હતી.આ સિવાય ગુજરાતના ગ્રામીણ વિસ્તારોના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મંજૂર થયેલી 1769 જગ્યાઓ પૈકી માત્ર 540 ડૉક્ટરોની જ નિમણૂક થઈ શકી છે.અહેવાલ પ્રમાણે માત્ર ગુજરાતમાં માત્ર ડૉક્ટરોની જ અછત છે એવું નથી, પરંતુ રાજ્યમાં હેલ્થ વર્કર અને હેલ્થ આસિસ્ટન્ટની સંખ્યા પણ ઘણી ઓછી છે.રેડિયોગ્રાફર, ફાર્માસિસ્ટ, લેબ ટેક્નિશિયન અને નર્સિંગ સ્ટાફની પણ ઘણી જગ્યાઓ ખાલી છે.

સરકારી આરોગ્યતંત્રને વધુ પીઠબળની જરૂર

ઇન્ડિયન ઍસોસિએશન ઑફ પ્રિવેન્ટિવ ઍન્ડ સોશિયલ મેડિસિન, અમદાવાદના સેક્રેટરી જનરલ ડૉ. એ. એમ. કાદરી ગુજરાતની આરોગ્ય વ્યવસ્થા વિશે વાત કરતાં જણાવે છે, “ગુજરાતમાં ખાનગી અને જાહેર ક્ષેત્રની આરોગ્ય વ્યવસ્થાનો વિકાસ તો થયો છે, પરંતુ ગુજરાતની પ્રજાનું માનસ ખાનગી ક્ષેત્રની સ્વાસ્થ્ય વ્યવસ્થાઓ તરફ વધારે ઢળેલું છે.”

નેશનલ હેલ્થ પ્રોફાઇલ અનુસાર રાજ્યમાં ચેપી અને બિનચેપી રોગોના વધારો વિશે વાત કરતાં તેઓ જણાવે છે કે, “ગુજરાતની ભૌગોલિક પરિસ્થિતિને પરિણામે પાણીજન્ય રોગો અને મચ્છરજન્ય રોગોનો ઉપદ્રવ રહે છે.”

“તેમજ શહેરીકરણ અને સરકારના પ્રયત્નોના કારણે આ રોગોના દર્દીઓની નોંધણી વધવાના કારણે પણ આ આંકડા વધારે દેખાય છે.””જ્યારે ગુજરાતના લોકોની સરેરાશ વય વધવાના કારણે ગુજરાતમાં કૅન્સર જેવા ઘસારાના કારણે થતા રોગોમાં વધારો જોવા મળે છે.””તેમજ ગુજરાત એક સમૃદ્ધ રાજ્ય હોવાના કારણે લાઇફસ્ટાઇલ સાથે સંકળાયેલા રોગો જેમ કે, હૃદયરોગ અને ડાયાબિટીસ વગેરેમાં પણ વધારો જોવા મળે છે.”

અમદાવાદની એમ. કે. શાહ મેડિકલ કૉલેજના પ્રાધ્યાપક ડૉ. પ્રદીપ કુમાર આ ગુજરાતમાં વધી રહેલા રોગચાળા વિશે વાત કરતાં જણાવે છે કે, “રોગચાળા પર અંકુશ મૂકવાનું કામ માત્ર સરકારનું કે ડૉક્ટરોનું ન રહેતાં સમગ્ર સમાજનું હોય છે.”

“શહેરીકરણને કારણે વધી રહેલી હાઉસિંગ પ્રોજેક્ટને કારણે ગુજરાતમાં ઠેરઠેર બાંધકામ ચાલતું દેખાય છે. આ સાઇટો પર મચ્છરોના બ્રીડિંગ રોકવા માટે યોગ્ય પગલાં લેવાતાં નથી. જે મચ્છરજન્ય રોગોનું કારણ બને છે.””આ સિવાય લાઇફસ્ટાઇલ સાથે જોડાયેલા રોગો માટે પણ લોકોએ પોતાની ખાણીપીણીની આદતો સુધારવી પડશે.” “તેમજ આ અંગે યોગ્ય કાઉન્સેલિંગ દ્વારા શાળા સ્તરેથી સુધારાની શરૂઆત કરવામાં આવે એ પણ જરૂરી છે.”

“ગુજરાતમાં ઘણા સરકારનું રિપોર્ટિંગ સિસ્ટમ ભારતનાં અન્ય રાજ્યોની સરખામણીમાં ઘણું સારું હોવાના કારણે આ તમામ કેસોમાં વધારો જોવા મળે છે.””આ સિવાય ગુજરાતમાં ખાનગી સ્વાસ્થ્ય સેવાઓનો વિકાસ તો થયો છે, પરંતુ સમાંતરપણે જાહેર સ્વાસ્થ્ય સેવાઓની સ્થિતિ કથળતી ગઈ છે.”જો આપણે ખરેખર રોગોના કેસોમાં વધારો અટકાવવા માગતા હોઈએ તો આપણે જાહેર ક્ષેત્રની સ્વાસ્થ્ય સેવાઓ સુધારવા તરફ પણ નજર કરવી પડશે.”

ડૉક્ટરો અને સહાયક સ્ટાફને લગતી સમસ્યા

રાજ્યમાં ડૉક્ટરો અને સહાયક સ્ટાફની અછતની સમસ્યા વિશે વાત કરતાં તેઓ જણાવે છે કે, “ગુજરાતમાં છેલ્લાં 10 વર્ષોમાં મેડિકલ કૉલેજોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે.””તેથી હવે પછીનાં થોડાક વર્ષો બાદ મોટી સંખ્યામાં નવા ડૉક્ટરો માર્કેટમાં ઉપલબ્ધ બનશે. જેથી આ સમસ્યા થોડી હળવી બની શકશે.”

“તેમ છતાં ગુજરાતમાં સહાયક સ્ટાફની અછત જોવા મળે છે, કારણ કે આ ક્ષેત્રના વિકાસને પ્રાથમિકતા નથી અપાતી. તેના માટે પણ સરકારે પ્રયત્નો કર્યા છે.””મેડિકલ સહાયકોની સંખ્યા વધારવા માટે તેમના માટે યોગ્ય તાલીમની વ્યવસ્થા થાય એ જરૂરી છે.”

“તેમજ જેટલું મહત્ત્વ ડૉક્ટરને અપાય છે એટલું જ મહત્ત્વ લોકો, સંસ્થાઓ અને સરકાર મેડિકલ સહાયકોને પણ આપે એ જરૂરી છે.”ગુજરાતનાં ગામડાં અને શહેરો બંને ડૉક્ટરની અછતની સમસ્યાથી પીડાય છે. આ અંગે વાત કરતાં ડૉ. પ્રદીપ કુમાર જણાવે છે કે, “ગુજરાતમાં સરકારને એવું લાગે છે કે વધારે કૉલેજો બનાવી દેવાથી વધારે ડૉક્ટર મળી જશે, પરંતુ આ ધારણા ખોટી છે.””કારણ કે જ્યાં સુધી ડૉક્ટરોને સરકાર દ્વારા વધારે વળતર આપવાની શરૂઆત નહીં કરવામાં આવે ત્યાં સુધી તેઓ પોતાનું ક્લિનિક શરૂ કરવાની વાતને પ્રાધાન્ય આપશે.”

“ગામડાંઓમાં નિષ્ણાત ડૉક્ટરોની ભયાનક અછતને પહોંચી વળવા માટે સરકારે જિલ્લા સ્તરે નિષ્ણાત ડૉક્ટરોની ટીમ મૂકવી જોઈએ.””દરેક ગામડામાં નિષ્ણાત ડૉક્ટરો મૂકવાની વાત શક્ય નથી. તેમજ જે ડૉક્ટરોને ગામડાંમાં પોસ્ટિંગ અપાય છે, તેમને સમયાંતરે શહેરમાં પોસ્ટિંગ અપાવી જોઈએ.”ગુજરાત રાજ્યના પરિવાર કલ્યાણ વિભાગનાં નિવૃત્ત એડિશનલ ડાયરેક્ટર વિકાસબહેન દેસાઈ ડૉક્ટરોની ઓછી સંખ્યા વિશે વાત કરતાં કહે છે કે, “બાળકોનાં માતાપિતા પોતાનાં બાળકો ગામડાંમાં જઈને સેવા આપે એ માટે તેમને ડૉક્ટર બનાવતાં નથી.”

“ગુજરાતમાં આ ચલણ વધુ જોવા મળે છે. તેમજ નવા તૈયાર થયેલા ડૉક્ટરો પોતાની પ્રાઇવેટ પ્રેક્ટિસ કરવાનું પોતાની લાયકાતને અનુકૂળ લાગે છે. જ્યારે નોકરી કરવી મોટા ભાગના ડૉક્ટરોને ગમતી નથી.”

વ્યવસ્થામાં સુધારાની જરૂર

ગુજરાત સરકાર લોકો જાહેર અને ખાનગી આરોગ્ય સેવાઓનો છૂટથી લાભ ઉઠાવી શકે એ માટે સુધારા સૂચવતાં ડૉ. એ. એમ. કાદરી જણાવે છે કે, “સરકારે જાહેર ક્ષેત્રે પોતાના સેવાઓ આપવા માટે ડૉક્ટરોને પ્રોત્સાહિત કરવા માટે આકર્ષક વળતર ચૂકવવાની શરૂઆત કરવી જોઈએ. જેથી આ સેવાઓનો લાભ તમામ લોકો સુધી પહોંચી શકે.”

“હાલમાં ગુજરાત સરકારે ગામડાંમાં સેવા ન આપવા માટે ફરજિયાત બોન્ડની રકમ વધારી દીધી છે અને ગામડામાં ફરજિયાત પોસ્ટિંગનો સમયગાળો ઘટાડી દીધો છે.””જેથી ગામડાંમાં પણ નવા ડૉક્ટરો ફરજ બજાવવા માટે ઉત્સુકતાપૂર્વક જતા રહે છે. એવું ચલણ જોવા મળી રહ્યું છે.”

“આ સિવાય સરકારી દવાખાનાઓમાં ડૉક્ટરોની સંખ્યા વધારવી જોઈએ.””તેમજ સરકારી દવાખાનાઓમાં તમામ જરૂરી દવાઓ સસ્તા દરે ઉપલબ્ધ હોય તેવી વ્યવસ્થા કરવી જોઈએ. જેથી લોકોને નિરંતર સારી સેવા મળતી રહે.”

“સરકારની ‘મા’ અને ‘મા અમૃતમ વાત્સલ્ય’ આ બંને યોજનાઓ ગુજરાતના જાહેર ક્ષેત્રની સમસ્યાનું કાયમી નિરાકરણ નથી પૂરું પાડતી, ગુજરાતમાં તમામ ગરીબો માટે સ્વાસ્થ્ય સુવિધાઓ ત્યારે સુલભ બનશે જ્યારે સરકાર જાહેર ક્ષેત્રના સુધારા પર ધ્યાન કેન્દ્રીત કરશે. “”જોકે, આ બંને યોજનાઓ હાલ તો સારું જ કામ કરી રહી છે. તેના કારણે ગરીબોને લાભ પણ મળી રહ્યો છે.”

“તેમ છતાં ઘણા લોકો જેઓ આ યોજનાના લાભ લેવા માટેની યોગ્યતા ધરાવતા નથી તેઓ પણ આ યોજનાનો લાભ ઉઠાવી જાય છે. સરકારે આ અંગે પણ યોગ્ય પગલાં ભરવા જોઈએ.”ડૉ. પ્રદીપ કુમાર ગુજરાત સરકારની સ્વાસ્થ્ય સેવાઓની ગુણવત્તા સુધારવા માટે પોતાનો મત રજૂ કરતાં કહે છે કે, “ગુજરાતમાં લોકો ખાનગી સેવાઓ મેળવી શકે એ માટે યોજનાઓ ચલાવાઈ રહી છે. આવું જ ચલણ આખા ભારતમાં પણ જોવા મળી રહ્યું છે.”

“જો કે, ગુજરાતમાં જાહેર ક્ષેત્રની સ્વાસ્થ્ય વ્યવસ્થાઓના ભોગે આ યોજનાઓ ચલાવાઈ રહી છે. સરકારે સરકારી દવાખાનાઓનું માળખું સુદૃઢ બનાવવા માટે પ્રયત્નો કરવા જોઈએ.”એના સ્થાને લોકોને ઇન્સ્ટન્ટ લાભ આપવા માટે યોજનાઓ ચાલુ કરી દેવાઈ છે.””યોજનાઓ ટૂંકા ગાળામાં ફાયદાકારક હોવ છતાં લાંબા ગાળે તો સરકારનું સ્વાસ્થ્ય તંત્ર સુદૃઢ બને એ જ ગુજરાત અને ગુજરાતીઓના હિતમાં છે.”

આ રોગોના દર્દીઓની સંખ્યામાં થયો ઘટાડો

વર્ષ 2014ની સરખામણીએ વર્ષ 2018માં ગુજરાતમાં મલેરિયાના કેસોમાં ઘટાડો જોવા મળ્યો છે. 2014માં ગુજરાતમાં મલેરિયાના 41,608 કેસો નોંધાયા હતા. જ્યારે 2018ના અહેવાલ પ્રમાણે ગુજરાતમાં મલેરિયાના 21,327 કેસો નોંધાયા હોવાનું જાણવા મળ્યું છે.

તેમજ 2017માં ગુજરાતમાં ડિપ્થેરિયાના કુલ 28 કેસો નોંધાયા હતા. જ્યારે 2017માં તેની સંખ્યા ઘટીને માત્ર 5 થઈ ગઈ હતી.વર્ષ 2017માં ગુજરાતમાં ઉટાંટિયાના કુલ 7 કેસો નોંધાયા હતા, જ્યારે વર્ષ 2018માં તેના 4 કેસો નોંધાયા હતા.2017માં ગુજરાતમાં ઓરીના કુલ 1,312 કેસો નોંધાયા હતા જ્યારે 2018માં તેની સંખ્યા ઘટીને 869 થઈ ગઈ હતી.વર્ષ 2017માં રાજ્યમાં સીફિલિસના કુલ 865 કેસો નોંધાયા હતા. જ્યારે 2018માં તેના 144 કેસો નોંધાયા હોવાનું જાણવા મળ્યું છે.

રિપોર્ટ અનુસાર રાજ્યમાં વર્ષ 2017માં ગોનોકોકલ ચેપના 1,757 કેસો નોંધાયા હતા જ્યારે વર્ષ 2018માં આ ચેપના કેસોની સંખ્યા ઘટીને 978 થઈ જવા પામી હતી.રિપોર્ટ પ્રમાણે વર્ષ 2017માં ગુજરાતમાં અછબડાના કુલ 3,095 મામલા જોવા મળ્યા હતા. જ્યારે વર્ષ 2018માં આ મામલાઓની સંખ્યા ઘટીને 1,854 થઈ ગઈ હતી.

Contribute Your Support by Sharing this News: