આવતીકાલે નહીં આજે રાતથી ક્યાંય બહાર જવા ન નીકળતા કારણ કે બસો નહીં મળે, સરકારે લીધો આ નિર્ણય

ગમ્યું તો આગળ શેર કરો.

એસ.ટી.નિગમ દ્વારા આગામી તા.૨૨ માર્ચને રવિવારે સવારે ૭ વાગ્યાથી રાતના ૯ વાગ્યા સુધી તેની તમામ બસો બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. કોરોના વાયરસને ફેલાતો રોકવા માટે વડાપ્રધાનના ‘જનતા કરફ્યુ’ ના આહ્વાહનને લઇને જનહિતાર્થે લોકોને એક જગ્યાએ મોટી સંખ્યામાં ભેગા થતા રોકી કોરોના વાયરસ ફેલાવતી ચેન તૂટે તે આશયથી તે દિવસે તમામ ૮,૦૦૦ એસ.ટી.બસોનું સંચાલન બંધ રાખવામાં આવનાર છે. રવિવારે સવારે પાંચ વાગ્યા પહેલા ગંતવ્ય સ્થળે પહોંચી જતી બસોને જ શનિવારે રાત્રે જે તે ડેપોમાંથી રવાના કરાશે. જ્યારે પાંચ વાગ્યા પછી ગંતવ્ય સ્થળે પહોંચતી હોય તેવી તમામ બસોને શનિવારે રાતથી જ બંધ કરી દેવામા આવનાર છે.

કોરોના વાયરસને લઇને રિઝર્વેશન રદ થવા માંડતા તેમજ રૂટીન મુસાફરોની સંખ્યા પણ પચાસ ટકાથી વધુની ઘટી જતા રોજ મુસાફરોથી ધમધમતા રહેતા એસ.ટી.બસ સ્ટેશનો પર સન્નાટો છવાયો હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. અમદાવાદ ગીતા મંદિર એસ.ટી.બસ મથકે ૭૦ ટકા મુસાફરોની સંખ્યા ઘટી જવા પામી છે. સવારથી જ રિઝર્વેશન કાઉન્ટરો ખાલીખમ ભાસી રહ્યા છે. જે મુસાફરો આવે છે તેમાંથી મોટાભાગના લોકો રિઝર્વેશન રદ કરવા માટે આવી રહ્યા છે. બસ મથકે સેનેટાઇઝેશનની વ્યવસ્થા કરાઇ છે. સફાઇ માટે કર્મચારીઓની એક ટીમ ખડેપગે રખાઇ છે. જે સતત સ્ટેશન પર સફાઇ કરી રહ્યા છે.

કર્મચારીઓ માસ્ક પહેરીને ફરજ બજાવી રહ્યા છે. તો બીજી તરફ મોટાભાગના મુસાફરો માસ્ક કે રૂમાલ બાંધીને સ્ટેશન પરિસરમાં જોવા મળ્યા હતા. વેઇટિંગ હોલ અને બસ મથક પરિસરમાં સામાન્ય દિવસોમાં ઉભા રહેવાની જગ્યા નથી મળતી ત્યાં આજે બેસવા માટે મુસાફરો ઓછા પડયા હતા.

રવિવારના જનતા કરફ્યુને લઇને એસ.ટી.નિગમની ૮૦૦૦ બસોનું સંચાલન ખોરવાશે. જેમાં ૪૫ હજાર ટ્રીપો રદ રહેશે. બસમાં દૈનિક ૨૫ લાખ મુસાફરો મુસાફરી કરતા હોય છે. જેમાં અમદાવાદની ૬૭૦ બસોની ૩,૮૫૦ ટ્રીપો રદ રહેશે. જેમાં આશરે ૧ લાખ મુસાફરો મુસાફરી કરતા હોય છે. અમદાવાદ વિભાગમાં સામાન્ય દિવસોમાં ૬૫ લાખની આવક હોય છે. જ્યારે હાલમાં કોરોના વાયરસને પગલે મુસાફરો ઘટી જતા આવર ૪૫ લાખ થઇ ગઇ છે. આમ ૨૦ લાખની આવક ખોટ અમદાવાદ એસ.ટી. વિભાગને પડી રહી છે.

તા.૧૪ થી ૧૯ માર્ચ સુધીના ૬ દિવસમાં એસ.ટી.બસમાં મુસાફરી માટે ૬,૮૦,૭૧૩ ટિકિટોનું ઓનલાઇન રિઝર્વેશન થવા પામ્યું છે. તેમાંથી અત્યાર સુધીમાં ૧૬,૬૮૦ ટિકિટોનું બુકિંગ રદ થવા પામ્યું છે. કોરોના વાયરસના ભયના કારણે લોકો મુસાફરી ટાળી રહ્યા છે. આજે તા.૨૦ માર્ચને શુક્રવારે ૨૨,૨૫૦ ટિકિટો બુક થઇ હતી. તેની સામે ૩,૩૬૫ ટિકિટો રદ થવા પામી હતી. આગામી રવિવારે જનતા કરફ્યું હોવાથી બસનું સંચાલન બંધ રહેનાર છે. રવિવાર માટે ૧૫,૧૨૩ ટિકિટો ઓનલાઇન બુક થઇ હતી. તે તમામ ટિકિટો હવે રદ રહેશે.છેલ્લા ૬ દિવસમાં ૧૬,૬૮૦ ટિકિટોનું બુકિંગ રદ થયું !

ગમ્યું તો આગળ શેર કરો.