હડતાળ પર ઉતરેલા કર્મચારીઓએ સિવિલ હોસ્પિટલના પરિસરમાં સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો

ગરવીતાકાત,પાલનપુર: પાલનપુર સિવિલ હોસ્પિટલના ખાનગીકરણ બાદ અવનવા વિવાદોમાં સપડાતી જતી સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ૩ દિવસથી ૮૦ જેટલા સફાઇ કામદારો હડતાલ પર ઉતરી ગયા છે. દરમિયાન આજે કર્મચારીઓના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતા આજે ચાર જેટલા કર્મચારીઓએ સિવિલ હોસ્પિટલમાં ઝેરી પદાર્થ ગટગટાવી દેતા હોબાળો મચી ગયો હતો.

બનાસકાંઠા જિલ્લાના મુખ્યમથક પાલનપુર ખાતે આવેલી સિવિલ હોસ્પિટલ ખાનગીકરણ બાદ નવા વિવાદોમાં સપડાઇ રહી છે. સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા કામદારોની હડતાળ છેલ્લા ૩ દિવસથી ચાલુ છે. સિવિલ હોસ્પિટલનું ખાનગીકરણ થયા બાદ ખાનગી મેનેજમેન્ટનાં વહીવટને લઇ સિવિલ હોસ્પિટલ રોજબરોજ વિવાદોમાં સપડાઇ રહી છે. સિવિલ હોસ્પિટલમાં વર્ષોથી ફરજ બજાવતા સફાઇ કામદારોને પૂરતું વેતન ચુકવવામાં ન આવતા તેમજ યેનકેન પ્રકારે હેરાનગતી અને નોકરીમાંથી છૂટા કરી દેવાની ધમકી આપવામાં આવતા ગતરોજ કામદારો હડતાળ પર ઉતરી ગયા હતા અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ન્યાયની ગુહાર લગાવી હતી. હડતાળિયા કામદારોની જગ્યાએ કોન્ટ્રાક્ટર દ્વારા નવા માણસો મુકવા જતાં ગતરોજ સંઘર્ષ થવાની દહેશતને પગલે પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. દરમિયાન આજે ત્રીજા દિવસે હડતાળ પર ઉતરેલા કર્મચારીઓ પૈકી ચાર કર્મચારીઓએ ઝેરી પદાર્થ ગટગટાવતા તબિયત લથડી પડી હતી. જેને પગલે તેઓને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવામાં આવ્યા હતા તે દરમિયાન સિવિલ હોસ્પિટલમાં હડતાળ પર ઉતરેલા અન્ય કર્મચારીઓએ સિવિલ હોસ્પિટલના પરિસરમાં વિરોધ નોંધાવી સૂત્રોચ્ચાર કર્યા હતા. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે સફાઇ કામદારોની હડતાળ અંગે સિવિલ હોસ્પિટલ દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવે છે કે કેમ ?

બોકસ : સિવિલમા દાખલ થયેલા કર્મચારીઓના નામ.

૧.પ્રવિણભાઇ મકવાણા ઉ.વ.૩૦

૨.રામજીભાઇ મકવાણા ઉ.વ.૩૦

૩.મંજુબેન રાઠોડ ઉ.વ.૫૦

૪.રેખાબેન પરમાર ઉ.વ.૪૯