જામનગરથી મળી રહેલા સમાચાર મુજબ પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટ અને હેડ કોન્સ્ટેબલ પ્રવિણસિંહ ઝાલાને કોર્ટે દોષી જાહેર કરતા આજીવન જેલની સજા સંભળાવી દીધી છે. છેલ્લા ઘણા સમયથી આ કેસ પર શું સજા કોર્ટ સંભળાવશે તેના પર સૌ કોઇની નજર હતી. આખરે સમાચાર સામે આવ્યા છે કે, જામનગર કોર્ટે સંજીવ ભટ્ટ સહિત હેડ કોન્સ્ટેબલ પ્રવિણસિંહ ઝાલાને પણ આજીવન જેલની સજા ફટકારી છે. કોર્ટે કલમ 302 હેઠળ બંન્નેને સજા ફટકારી છે. આપને જણાવી દઇએ કે, આ કેસમાં સંજીવ ભટ્ટ સહિત 6 પોલીસ કર્મીઓ દોષી જાહેર કરવામાં આવ્યા હતા. જેમા અન્ય પાંચ આરોપીઓને 2-2 વર્ષની સજા અને રૂપિયા 10 હજારનો દંડ કોર્ટે ફટકાર્યો છે.

શું છે સમગ્ર મામલો?: આ મામલો વર્ષ 1990નો છે, કે જ્યારે સંજીવ ભટ્ટ જામનગરમાં એડિશનલ સુપ્રિટેન્ડન્ટ હતા ત્યારે તેમણે અડવાણીની રથયાત્રા દરમિયાન કોમી રમખાણો પર કાબૂ મેળવવા 30 ઓક્ટોબર 1990નાં રોજ જામખંભાળિયામાંથી 133 લોકોની અટકાયત કરી હતી. ધરપકડ કરી અને બાદમાં મુક્ત કરવામાં આવ્યા બાદ તેમાથી એક પ્રભુદાસ વૈષ્નાની હોસ્પિટલમાં મોત થઇ ગઇ હતી. તેમને ધરપકડ દરમિયાન પોલીસે કથિત રીતે ખૂબ માર માર્યો હતો. મૃતકનાં ભાઇ અમૃત વૈષ્નાનીએ આ મામલે ભટ્ટ સહિત આઠ પોલીસકર્મી પર આરોપ લગાવતા કેસ દાખલ કરાવ્યો હતો.

આ કેસમાં જામનગરની સેસન્સ કોર્ટમાં રાજયના પૂર્વ પોલીસ વડા પી.પી. પાંડેય અને રાજકોટનાં પૂર્વ પોલીસ કમિશનર એચ.પી. સીંગે કોર્ટનાં વિટનેશ તરીકે જુબાની આપી હતી. જે કામમાં મૂળ ફરીયાદી અમૃતલાલ માધવજી વૈષ્નાણીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરતાં આ કેસ ડે ટુ ડે ચલાવવા તેમજ તા. ર૦ જૂન પહેલાં આ કેસ પૂર્ણ કરવા આદેશ કરેલ હતો. જે આદેશનું પાલન કરતાં જામનગર સેશન્સ કોર્ટે આજે આ ચુકાદો સંભળાવ્યો હતો. આપને જણાવી દઇએ કે, આ ચુકાદો જામનગર સેશન્સ કોર્ટનાં ન્યાયાધીશ ડી.એમ.વ્યાસે આપ્યો છે.

Contribute Your Support by Sharing this News: