રાજય સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ અંતર્ગતના નિયામક સમાજ સુરક્ષા ખાતા હસ્તકની પાલક માતા- પિતા યોજના અંતર્ગત 0 થી 18 વર્ષના જે બાળકના માતા- પિતા મૃત્યુ પામ્યા હોય અને બાળક અનાથ થઇ ગયું હોય તેવા બાળકને અથવા બાળકના પિતાશ્રી મૃત્યુ પામ્યા હોય અને બાળકની માતાએ બીજે પુન : લગ્ન કર્યા હોય અને બાળક અનાથ થઇ ગયું હોય ત્યારે આવુ બાળક તેના નજીકના સગા સબંધી પાસે રહીને અભ્યાસ કરતુ હોય તો આવા બાળકને પાલક માતા પિતા યોજના અંતર્ગત દર મહિને રૂ.3000/-ની આર્થિક સહાય આપવામાં આવે છે.

બનાસકાંઠા જિલ્લામાં પાલક માતા પિતા યોજનામાં કુલ- 1409 અનાથ બાળકો પાલક માતા-પિતા યોજનાનો લાભ લઇ રહ્યા છે. પાલક માતા-પિતા યોજનાના અમલીકરણમાં બનાસકાંઠા જિલ્લો સમગ્ર રાજયમાં પ્રથમ સ્થાને છે.

આ યોજનાનો અસરકારક અમલ થાય અને અનાથ બાળકોના જીવનમાં ઉજાસ પાથરવાના આશયથી બનાસકાંઠા કલેકટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને તા. 8 ઓક્ટોબર-2020ના રોજ એક બેઠક યોજાઇ હતી. જેમાં અનાથ બાળકોને પાલક માતા-પિતા યોજનાનો લાભ સરળતાથી મળી રહે તે માટે ઝુંબેશ ચલાવવા જણાવાયું હતું. આ ઝુંબેશના ફળ સ્વરૂપે આજે જિલ્લાના 102 અનાથ બાળકોને પાલક માતા-પિતા યોજનાનો લાભ મળ્યો છે. પાલનપુર ચિલ્ડ્રન હોમ ખાતે કલેકટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલ કાર્યક્રમમાં અનાથ બાળકોને ફટાકડા અને મીઠાઇ તથા પાલક માતા-પિતા યોજનાના હુકમોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે કલેકટર આનંદ પટેલે જણાવ્યું હતુ કે, જિલ્લામાં વિવિધ જગ્યાએ 102 અનાથ બાળકોને પાલક માતા-પિતા યોજનાનો લાભ આપવામાં આવ્યો છે.  અનાથ બાળકોને ઉછેરી તેમનામાં સંસ્કાર અને શિક્ષણનું સિંચન કરનાર પાલક માતા-પિતાને હું નમન કરું છું. તેમણે કહ્યું કે, આ ઝુંબેશમાં શિક્ષણ વિભાગના અધિકારીઓ, જિલ્લાના પ્રાથમિક, માધ્યમિક શિક્ષકો અને આંગણવાડી કાર્યકર તેમજ શિક્ષણના હોદ્દેદારો તથા જિલ્લા બાળ સુરક્ષા અધિકારીની સમગ્ર ટીમ અને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી આ ઝુંબેશમાં જોડાઇ માનવતાના આ મહાકાર્યને મહેકાવા માટે ફાળો આપ્યો છે તેમને અભિનંદન પાઠવું છું. આ યોજનાનો લાભ મેળવનાર બાળકો સારું શિક્ષણ મેળવી ભવિષ્‍યમાં સમાજમાં મોભાદાર સ્થાન પ્રાપ્‍ત કરી શક્તિશાળી રાષ્‍ટ્ર નિર્માણના સહભાગી બને તેવી શુભેચ્છા તેમણે વ્યક્ત કરી હતી.  

 આ કાર્યક્રમમાં બાળ કલ્યાણ સમિતિના ચેરમેનશ્રી સુભાષભાઇ સોનેરી તથા તમામ સભ્યો, જિલ્લા શિક્ષણાધિકારી નરેન્દ્રસિંગ ચાવડા, નાયબ જિ. પ્રાથમિક શિક્ષણાધિકારી મુકેશભાઇ ચાવડા, મામલતદાર કમલભાઇ ચૌધરી અને એલ. ડી. પરમાર, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી એમ. કે. જોષી, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી  ર્ડા. એન. વી. મેણાત, સંવેદના ટ્રસ્ટના પ્રમુખ શ્રીમતી શિલ્પાબેન વૈષ્ણવ સહિત સંબંધિત અધિકારીઓ- કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

 

બીજા સાથે સમાચાર શેર કરો.