ગરવીતાકાત પાટણ : સુરત અગ્નિકાંડને પગલે રાજયભરના પાલિકા વિસ્તારોમાં વહીવટીતંત્રના દરોડા શરૂ થઇ ગયા છે. આ ગતિવિધિમાં પાટણ શહેરમાં બે અલગ-અલગ ટીમો ઘ્‌વારા ફાયર સેફટી મામલે તપાસ તેજ બની છે. પાટણ પાલિકા અને કલેકટરે સુચના આપી કલાસીસ, ખાનગી સંસ્થાઓ અને કોમ્પલેક્ષ સહિતના સ્થળોએ જોગવાઇઓની ખાત્રી કરવામાં આવી રહી છે.

પાટણ શહેરમાં શનિવારે સવારથી જ જીલ્લા કલેકટર અને પાલિકાની ટીમ ઘ્‌વારા ફાયર સેફટી મામલે અલગ-અલગ સ્થળોએ તપાસ શરૂ કરવામાં આવી છે. ખાનગી ટયુશન કલાસીસ, ખાનગી શાળાઓ અને કોલેજો, ખાનગી કોમ્પલેક્ષ, હોસ્ટેલ, મોલ, મલ્ટીપ્લેક્ષ થિયેટર સહિતના સ્થળોએ ફાયર સેફટી સાથે-સાથે વિવિધ પરવાનગી અને કાયદેસરતાને લઇ તપાસ કરવામાં આવી રહી છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, સુરત અગ્નિકાંડની ઘટના બાદ રાજય સરકારે આપેલી સુચના મુજબ આગામી બે થી ત્રણ દિવસ સુરક્ષા અને જોગવાઇઓને લઇ તંત્ર દોડધામ કરશે. જોકે, હાલ ચાલી રહેલી તપાસ બાદ આરંભે શુરા જેવી પરિસ્થિતિ ઉભી ન થાય તેને લઇ જાગૃત નાગરિકો મુંજવણમાં મુકાયા છે.પાટણ શહેરમાં તક્ષશીલા, સદ્દવિદ્યા અને ગણેશ ટયુશન કલાસીસ સહિતના કલાસીસ છેલ્લા કેટલાય વર્ષોથી ધમધમે છે ત્યારે પાલિકા ઘ્‌વારા થઇ રહેલી તપાસને અંતે અનેક સ્થળોએ જોગવાઇઓનો ભંગ સામે આવે તેવી પ્રબળ સંભાવના છે.