પાલનપુરના બાદરગઢ ગામે ફેરિયાને લઇ બે જૂથ વચ્ચે મારામારી : ગામમાં તંગદિલીનો માહોલ

ગમ્યું તો આગળ શેર કરો.
પાલનપુર તાલુકાના બાદરગઢ ગામમાં વેચાણ માટે આવેલા ફેરિયાને લઈ બે જૂથ સામ સામે આવી જતા મારામારી સર્જાઈ હતી. મારામારીમાં એક વ્યક્તિ ને ઈજાઓ થતાં તાત્કાલિક વડગામ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. બનાવને પગલે નાનકડા ગામમાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો. આથી પોલીસે મામલો વધુ ન વણસે તે માટે ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો.
વડગામ પાસે આવેલા પાલનપુરના બાદરગઢ ગામે વેચાણ માટે આવેલા ફેરિયાની ગાડી ઉભી રાખવાની નજીવી બાબતે બે જૂથ વચ્ચે તું.. તું.. મે.. મેં.. બાદ સામ સામે મારામારી થઈ હતી. મારામારી બાદ ગામમાં તંગદિલી જેવો માહોલ બનતા તાત્કાલિક વડગામ પોલીસને જાણ કરવામાં આવી હતી. આથી પોલીસ તાબડતોડ ગામમાં દોડી આવી હતી અને પોલીસે ગામમાં બનેલી ઘટનાં વિશે લોકોના અભિપ્રાય લઈ ઘટનાની તપાસ શરૂ કરી છે. જો કે મારામારીમા અેક વ્યક્તિને ઈજાઓ થતાં વડગામ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયો હતો. ગામમાં વેચાણ માટે આવેલા ફેરિયાને લઈ ગામનું શાંતિપૂર્ણ વાતાવરણ અચાનક ગરમાયુ હતું. જેમા કેટલાક લોકો બહારનો વ્યક્તિ ગામમાં ફ્રૂટ વેચાણ કરવા કેમ આવેલ છે તે બાબતે તકરાર કરતા હોઇ ગામના અન્ય લોકોએ ફેરિયાને સાથ આપતા ગામના બે જૂથો વચ્ચે તકરાર સર્જાઈ હતી. જો કે સમગ્ર ઘટનામા બન્ને પક્ષના લોકો તરફથી સમજાવટના પ્રયાસો પણ હાથ ધરાયા છે બીજી તરફ વડગામ પોલીસે ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી આગળની વધુ તપાસ હાથ ધરી છે. આમ નાનકડા ગામમાં વેચાણ અર્થે આવેલ ફેરિયાને લઈ બે જૂથ આમને સામને આવી જતાં મામલો બિચક્યો હતો. જો કે બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી મામલો થાળે પાડ્યો હતો.
ગમ્યું તો આગળ શેર કરો.