સાબરકાંઠા : હિજરત કરી ગયેલા દલિતો કેમ્પમાં રહેવા મજબૂર, ગામમાં પરત જવાનો ઇન્કાર

ગમ્યું તો આગળ શેર કરો.
21મી સદીમાં પહોચી ગયા પછી પણ 18મી સદીના નાત-જાતના ભેદભાવ દૂર નથી થયા. સાબરકાંઠા જીલ્લામાં છેલ્લા 5 દિવસથી હિજરત કરી ગયેલા અનુસુચિત જાતિનાં પરિવારોએ હાલમાં પ્રાંતિજ ખાતે કેમ્પ નાંખ્યો છે. હિજરત કરેલા પરિવારો હાલમાં એક કેમ્પમાં સાથે મળીને નિરાશ્રિત જીવી રહ્યાં છે. તો બીજી તરફ ઝાલાની મુવાડીમાં દલિત પરિવાર ગામ છોડી જતા રહ્યા બાદ અધિકારી દ્વારા ત્રણ પરિવારોને પૂરતું પોલીસ પ્રોટેક્શનનું આશ્વાસન સહિત ગામનાં અગ્રણીઓ સાથે સમજાવટના પ્રયાસ હાથ ધરાયા છે. પોલીસે આ અંગેની ફરિયાદ નોંધીને 22 પુરષ અને 6 મહિલાઓની અટકાયત કરી છે.

 કેમ્પમાં નિરાશ્રીતો જેવું જીવન ગાળતા આ લોકો પ્રાંતિજ તાલુકાનાં ઝાલાની મુવાડી ગામનાં અનૂસુચિતજાતિનાં પરિવારો છે. ઝાલાની મુવાડી ગામે ડી.જે વગાડવાનાં મુદ્દે તેમનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો. જે બાદ ભય પામેલા આ પરિવારોએ હિજરત કરી ગયા. હાલમાં તેઓને પ્રાંતિજનાં કેટલાક દલિત પરિવારોએ મદદ કરી અને એક ટેન્ટ બનાવી આપ્યો છે. ગઈકાલનાં તેઓ નિરાશ્રિત હાલતમાં વતન છોડી આ ટેન્ટમાં વસી રહ્યા છે. હિજરત કર્યા બાદ પોલીસની હાજરી હોવા છતાં આ લોકોનાં ઘરની પાછળનાં ભાગે લાકડામાં આગ લગાવાઇ હતી. ત્યારે હવે વારંવારની આ ઘટનાઓથી તમામ અનૂસુચિત જાતિનાં લોકો ડરી ગયા છે. હવે પોતે એ ગામમાં જવા જ માંગતા નથી તો સરકારને તેઓ વિનવી રહ્યાં છે કે, તેઓ સ્વમાનથી જીવી શકે એવી અન્ય જગ્યા તેમને ફાળવવામાં આવે. આ અંગે નટવરલાલ ગૌતમે અવાજ ઉઠાવતા જણાવ્યું કે, ‘અમારા લોકો ઝાલાની મુવાડી ગામમાંથી હિજરત કરીને આવ્યાં છે. અમે સુરક્ષિત નથી. પોલીસની હાજરીમાં અમારી પર આવા બનાવો થાય. તો આ હિજરત કરેલા પરિવારનું દુખ છે કે, જો અમે પાછા જઇએ તો ફરીથી આવું જ થવાનું છે. તો સરકારને અમારી વિનંતી છે કે, તેઓ અમારા માટે કંઇ કરે, અમારા બાળકોનો અભ્યાસ બગડી રહ્યો છે. અમને સમાજનાં લોકો મદદ કરી રહ્યાં છે પરંતુ જો સરકાર અમને મદદ નહીં કરે તો અમારું શું થશે? અમારા અસ્તિત્વનો સવાલ છે. અમારી આઝાદીનાં 70 વર્ષ પછી આવી હાલત હશે તો તે સરકાર માટે લાંછનની વાત છે. શેડ્યુલકાસ્ટનાં લોકો વરઘોડો પણ ન કાઢી શકે? અને આટલા વર્ષો પછી પણ જાતિવાચક શબ્દો બોલીને પરેશાન કરવામાં આવે છે.’ જીજ્ઞા રાઠોડ, હિજરત કરનાર મહિલાએ પોતાની વ્યથા જણાવતા કહ્યું કે, ‘અમે ભલે નીચી જાતનાં હોઇશું પરંતુ અમારા વિચાર તેમના કરતા ઉપર છે. એમનાથી અમારા પરિવારને ઘણી જ મુશ્કેલી પડી રહી છે. અમારા લગ્નને હજી બે જ મહિના થયા છે ત્યારે આવી રીતે રહેવાનો વારો આવ્યો છે. સરકાર એવું કંઇ કરે કે અમને પણ ગૌરવ થાય કે અમે પણ ગુજરાતી છીએ.’ હિજરત કરેલા પરિવારોએ જણાવ્યું કે, અમને દિવસ ચાલુ થાય અને પરેશાનીઓ થાય છે. અમારે નાહવાનું ક્યાં, કપડા ક્યાં ધોવાનાં?
ગમ્યું તો આગળ શેર કરો.