ગરવીતાકાત,અરવલ્લી: બાયડ તાલુકા પંચાયત કચેરીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છતા અભિયાનનું બાળમરણ થયું હોય તેવો ઘાટ સર્જાયો છે બાયડ તાલુકા પંચાયતમાં ભાજપના સત્તાધીશો જ સ્વચ્છતા અભિયાનના લીરે લિરા ઉડાડતા હોય તેમ ઠેર ઠેર ગંદકી અને વરસાદી પાણીનો ભરાવો થતા તાલુકા પંચાયત કચેરીમાં કામકાજ અર્થે આવતા અરજદારો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તાલુકા પંચાયત કચેરીની દીવાલ નજીક પાણી ભરાઈ રહેતા મચ્છરોના ઉપદ્રવથી આજુબાજુના રહેણાંક વિસ્તારોના પ્રજાજનો મચ્છરજન્ય રોગચાળામાં સપડાઈ રહેતા તાલુકા પંચાયત કચેરીમાં અને આજુબાજુમાં ભરાયેલ વરસાદી પાણીનો નિકાલ કરવા પ્રજાજનોમાં માંગ પ્રબળ બની છે.

બાયડ શહેરમાં મચ્છરજન્ય રોગચાળાએ માથું ઉંચક્યું છે. ૨૦ થી વધુ લોકો શંકાસ્પદ ડેન્ગ્યૂનો ભોગ બન્યા છે બાયડ તાલુકા પંચાયત કચેરીના પ્રવેશદ્વાર આગળ અને કમ્પાઉન્ડ વોલ ની બાજુમાં વરસાદી પાણી ભરાઈ રહેતા બંધિયાર પાણી માંથી અસહ્ય દુર્ગંધ સાથે ગંદકીમાં ફેરવતા મચ્છરોનો ઉપદ્રવ વધતા મચ્છરજન્ય રોગચાળામાં તાલુકા પંચાયત કચેરીની નજીક આવેલી પંજાબી સોસાયટી સહીત રહેણાંક વિસ્તારમાં લોકો પટકાઈ રહ્યા છે.

મચ્છરજન્ય રોગચાળાઓ વધુ ફાટી નીકળે તે પહેલા તાલુકા પંચાયત કચેરી અને આજુબાજુમાં ભરાયેલા વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવે તેવું લોકો ઈચ્છી રહ્યા છે.બાયડ તાલુકા પંચાયતના સત્તાધીશો અને તાલુકા વિકાસ અધિકારી અને તંત્ર તાલુકા પંચાયત કચેરીમાં અને આજુબાજુ ભરાયેલ વરસાદી પાણીના નિકાલ માટે આંખ આડે કાન કરી રહી હોય તેવો અહેસાસ પ્રજાજનો અનુભવી રહ્યા છે.

તસ્વીર અહેવાલ તરૂણ પુરોહિત અરવલ્લી