ગરવીતાકાત,થરાદ: બનાસકાંઠા જિલ્લાના સરહદી થરાદ-વાવ પંથકમાં ખેડુતોને સિંચાઇની સગવડો મળી શકે તે માટે સરકાર દ્વારા લાખો કરોડો રૂપિયાના ખર્ચથી નાની-મોટી નહેરો બનાવવામાં આવી છે. પરંતુ જવાબદાર તંત્ર દ્વારા તેની સાફ-સફાઈ કરવાની દરકાર પણ લેવામાં આવતી નથી. ત્યારે તેમાં પાણી ક્યારે પહોંચ્યું હશે? સરકાર દ્વારા ખર્ચ કરવાનો અર્થ શું સહિતના અનેક સવાલ પણ નર્મદા વિભાગની ઉદાસીનતા અંગે ઘણું બધું કહી જાય છે.

થરાદ વાવ તાલુકાની સીમમાંથી પસાર થતી માડકા બ્રાન્ચ કેનાલમાંથી થરાદના જાંદલાની સીમમાંથી એક નાની નહેર નીકળે છે. જે જાંદલા, નાગલા અને ડોડગામની સીમમાં અંદાજીત 500 હેક્ટર જેટલા વિસ્તારને આવરી લેતી હોઈ ૧૦ થી ૧૫ કી.મી.ની લંબાઈ પણ ધરાવે છે. ખેડુતોના જણાવ્યા પ્રમાણે આ કેનાલ બનાવ્યા ને આઠ વર્ષ થયાં છે. પરંતુ તેમાં ટેસ્ટિંગ કરવા માટે ય પાણી છોડવામાં આવ્યું નથી. જેનું પરિણામ એ છે કે આજે એ નહેરમાં આકડા, બાવળ સહિતનું ઘાસ ઉગી નીકળ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે થરાદ વાવ તાલુકાની અનેક આવી નાની નહેરો પાણીના છોડ્યા બાદ તુટતી હોય છે. પરંતુ આ નહેર તો વારંવાર વરસાદી પાણીના વ્હોળાના કારણે ય તૂટી જાય છે.જેમાં  ૯૫ ટકા રેત અને માત્ર પાંચ ટકા જ સિમેન્ટ વપરાઈ હોવાનો આક્ષેપ કરતાં ખેડુતોએ જણાવ્યું હતું કે નર્મદા વિભાગની મિલીભગતથી કોન્ટ્રાકટરો દ્વારા બેફામ ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે. જેના કારણે કામગીરી હલકી ગુણવત્તાની થઈ રહી છે. અને તેમાં પાણી આવતા પહેલાં જ તિરાડો પડે છે.

તેમજ કેનાલો કાગળની માફક ચીરાઈ જાય છે. ખેડૂત પ્રકાશભાઈ એ જણાવ્યું હતું કે આ નહેરમાં પાણી છોડવા માટે નર્મદા વિભાગને વારંવાર રજુઆત કરવામાં આવી છે. પરંતુ તેમના જવાબદાર અધિકારીઓ દ્વારા જાતે સાફ સફાઈ કરી લેવા સહિતના બેજવાબદારીભર્યા જવાબો આપવાના કારણે ફરિયાદ કરવી તો કરવી કોને જેવો પ્રશ્ન પણ થઇ પડ્યો છે.આથી આ ગામોના ખેડુતોમાં ભારે રોષ અને આક્રોશની લાગણી પણ ફેલાવા પામી છે.

Contribute Your Support by Sharing this News: