ગરવીતાકાત,સુરત: સોમવારથી સુરત સહિત રાજ્યમાં નવા ટ્રાફિક નિયમોને અમલી કરવામાં આવ્યા છે. નવા કાયદામાં ટ્રાફિક નિયમ ભંગ બદલ મોટા દંડની જોગવાઈ કરવામાં આવી છે. ત્યારે સુરતના અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશન પાસે હેલ્મેટ વગરના લોકો પોલીસને જોઈને રસ્તો બદલીને ભાગી રહ્યા હોવાનો એક વીડિયો સામે આવ્યો છે. સોમવારે સુરતમાં ટ્રાફિકના નવા નિયમોનું પાલન કરાવવા માટે ઠેર-ઠેર ટ્રાફિક પોલીસ ઉભી રહી ગઈ છે. મોટા દંડને કારણે લોકોમાં ડર જોવા મળી રહ્યો છે. સુરત શહેરના અઠવાલાઈન્સ પોલીસ સ્ટેશન પાસે ટ્રાફિક નિયમન માટે મોટો પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. જેના પગલે હેલ્મેટ વગર કે અન્ય ડોક્યુમેન્ટ વગર આવતા લોકો દંડના ડરના કારણે રસ્તો બદલી ભાગતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
વાયરલ વીડિયોને લઈને ઘણી કોમેન્ટો પણ કરવામાં આવી છે. લોકોએ એવી પણ કોમેન્ટ કરી હતી કે પોલીસના દંડનો ડર પરંતુ હેલ્મેટ આપણી સુરક્ષા માટે છે. ટ્રાફિકના નિયમો આપણી સુરક્ષા માટે બનાવવામાં આવ્યા છે. હેલ્મેટ અને બધા ડોક્યુમેન્ટ હોય તો પોલીસથી કે દંડથી ડરવાની કોઈ જરૂર નથી. સાથે સાથે લોકોને જાગૃત થવાની પણ અપીલ કરવામાં આવી રહી છે. જોકે, લોકો પોલીસ નહીં પણ નવા નિયમ માં દંડની રકમથી ભાગતો જોવા મળ્યા હતા. આવા દ્રશ્યો ફક્ત સુરતમાં જ નહીં પરંતુ રાજ્યના અનેક શહેરમાં જોવા મળ્યાં હતાં.