તસ્વીર,અહેવાલ - જંયતી મેતીયા

૪ લાખની ગ્રાન્ટમાંથી બનાવેલ રોડ માત્ર મેટલ પાથરી સંતોષ માની લેવામાં આવ્યો

પાલનપુર તાલુકાના વાધણા ગામે મનરેગાના કામમાં કૌભાંડ થયું હોવાનો ખુદ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ દ્વારા આક્ષેપ કરાયો છે. ડેપ્યુટી સરપંચ દ્વારા છેલ્લા ૮ વર્ષથી કામ બંધ હોવા છતાં પણ કામદારોના ખાતાઓમાં પૈસા આવતા હોવાના અને તે બારોબાર ઉપડી જતા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે.
બનાસકાંઠા જિલ્લામાં મનરેગાના કામોમાં વ્યાપક પ્રમાણમાં કૌભાંડો સામે આવ્યા છે. તેમાં વધુ એક પાલનપુર તાલુકાના વાધણા ગામમાં પણ મનરેગાના કામમાં કૌભાંડ આચરવામાં આવ્યું હોવાના આક્ષેપ ખુદ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ ભરતજી વાધણીયા દ્વારા કરવામાં આવ્યા છે. ડેપ્યુટી સરપંચે આક્ષેપ કર્યા છે કે વાધણા ગામમાં છેલ્લા ૮ વર્ષથી મનરેગામાં કોઈ કામ થયું જ નથી. માત્ર એક રોડ બનાવવામાં આવ્યો હતો. આટલા વર્ષથી મનરેગામાં કામ થયું ન હોવા છતાં મનરેગાના કામદારોના ખાતાઓમાં પૈસા આવે છે અને જોબકાર્ડ સરપંચ પાસે છે કે તલાટી પાસેથી તેની પણ કામદારોને ખબર નથી અને પૈસા પણ બારોબાર ઉપડી જતાં હોવાના અને ગ્રામ પંચાયતના સભ્યોના પણ જોબકાર્ડ બનેલા હોવાના ડેપ્યુટી સરપંચે આક્ષેપ કર્યો છે. મનરેગામાં માત્ર એક રોડ બનાવવામાં આવ્યો છે. વાધણાથી રામસીડા જતા બનાવવામાં આવેલા આ રોડમાં પણ વ્યાપક પ્રમાણમાં ગેરરિતીના આક્ષેપો કરાયા છે. આમ પાલનપુર તાલુકાના આ ગામમાં પણ મનરેગાના કામમાં ગેરરિતીના આક્ષેપ થતાં હવે સમગ્ર મામલો તપાસનો વિષય બન્યો છે.

મનરેગામાં બનાવેલ રોડ પર માત્ર મેટલ કામ કરી સંતોષ માન્યો 

પાલનપુર તાલુકાના વાધણા ગામે વાધણાથી રામસીડા તરફ જવા મનરેગા હેઠળ રોડ બનાવવામાં આવ્યો છે તેમાં માત્ર મેટલ કામ કરીને સંતોષ માનવામા આવ્યો છે. ત્યારે આ બાબતે વાધણા તલાટી સંગીતાબેને જણાવ્યુ હતુ કે મેટલ કામ પૂરતી જ ગ્રાન્ટ આવેલ હોઇ રોડની કામગીરી તે પ્રમાણે કરેલી છે. આ રોડ માટે ૪ કે ૫ લાખ જેટલી ગ્રાન્ટ આવી હતી તેમ જણાવ્યું હતુ.
Contribute Your Support by Sharing this News:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here