• હજુ દસ દિવસ આકરી ગરમી પડે તેવી હવામાન વિભાગની આગાહી

ગરવીતાકાત ગાંધીનગર: આકાશમાંથી અગન વર્ષા વરસી રહી હોવાથી બાળકો સનસ્ટ્રોકનો ભોગ બને નહી તે માટે ઉનાળું વેકેશન લંબાવવામાં આવે તેવી માંગણી ગાંધીનગરના વાલીઓમાં ઉઠવા પામી છે. તેની સામે અમદાવાદમાં વેકેશન લંબાવવા સામે વિરોધાભાસ જોવા મળી રહ્યો છે અને વેકેશન ન લંબાવવા શાળા સંચાલક મંડળ તેનો વિરોધ કરી રહ્યું છે. આગામી દસેક દિવસ સુધી આકરી ગરમીમાંથી છુટકારો મળશે નહી તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી તારીખ 10મી, જૂનથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થનાર છે.

વેકેશન લંબાવવા મુદ્દે મહામંડળના સ્કૂલ સંચાલકોમાં જ વિરોધ
ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળે સરકારને સ્કૂલોમાં વેકેશન લંબાવવા માટે અરજી કરી હતી, પરંતુ વેકેશન લંબાવવા મુદ્દે મહામંડળ‌ સાથે જોડાયેલા સ્કૂલ સંચાલકોમાં જ વિરોધ જોવા મળી રહ્યો છે. ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળના મહામંત્રી અલકેશ પટેલે જણાવ્યું હતું કે, વેકેશન લંબાવવાનું કારણ શેડ તૂટવાનું બતાવવું એ શાળા સંચાલકોને યોગ્ય ન લાગ્યું. સાથે જ કારોબારી મિટિંગ ક્યારે મળી તેની પણ કોઇ જાણ સભ્યોને નથી. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને મેં પ્રમુખને રાજીનામું આપ્યું છે. આ અંગે ગુજરાત શાળા સંચાલક મહામંડળના ભાસ્કર પટેલે જણાવ્યું છે કે, મને કોઇ રાજીનામું મળ્યું નથી. વેકેશન લંબાવવાની માંગ કારોબારીની મિટિંગમાં કરવાનો નિર્ણય લેવાયો હતો. તેમ છતાં જો મહામંત્રીને કોઇ સમસ્યા હશે તો તેનું નિરાકરણ લાવવામાં આવશે.

કાળઝાળ ગરમીથી બાળકોના સ્વાસ્થ્ય ઉપર માઠી અસર પડવાની શક્યતા
ઉનાળું વેકેશન પૂર્ણ થવાને હવે માંડ એક સપ્તાહનો સમય બાકી રહ્યો છે. 10મી, જૂનથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થનાર છે. તન દઝાડતી ગરમી આગામી દસેક દિવસ સુધી પડશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. જોકે ગુજરાત સહિત દેશભરના ઉત્તરના અનેક દેશો હાલમાં કાળઝાળ ગરમીનો સામનો કરી રહ્યા છે. સુકા અને ગરમ પવનોને પગલે આગામી સમયમાં જ ગરમીનો આકરો મિજાજનો લોકો અનુભવ કરશે. હાલમાં પડી રહેલી ગરમી આગામી દિવસો પણ ચાલુ રહેવાની હોવાથી ઉનાળું વેકેશન લંબાવવામાં આવે તેવી માંગણી વાલીઓમાં અને સંચાલક મંડળોમાં ઉઠવા પામી છે. આકરી ગરમીને ધ્યાનમાં રાખીને ઉનાળું વેકેશન દેસક દિવસ લંબાવવામાં આવે તેવી માંગણી શિક્ષણમંત્રી સમક્ષ કરાઈ છે.

નવરાત્રી વેકેશન કેન્સલ કરી ઉનાળુ વેકેશન લંબાવો
રાજ્યમાં ઉનાળામાં આકરી ગરમી પડતી હોય ત્યારે બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી ઉનાળું વેકેશન દસેક દિવસ લંબાવાય અને નવરાત્રી વેકેશન કેન્સલ કરવામાં આવે તેવી માંગણી શિક્ષણવિદ્દ જંયતિભાઇ પટેલે જણાવ્યું છે.

બા‌ળકો સનસ્ટ્રોકનો ભોગ બને તેવી શક્યતા
હાલમાં 44 થી 45 ડીગ્રી ગરમીમાં જિલ્લો સહિત રાજ્યભરના મોટાભાગના શહેરો શેકાઇ રહ્યા છે. ત્યારે આકરી ગરમી શાળાએ જતા બાળકો સનસ્ટ્રોકનો ભોગ ઝડપથી બનવાની શક્યતા રહેલી છે. આથી ઉનાળું વેકેશન વધુ દસ દિવસ લંબાવવામાં આવે તેમ વાલીઓએ માંગણી કરી છે.

Contribute Your Support by Sharing this News: