નગર પાલિકાના સદસ્યએ ચીફ ઓફિસર સમક્ષ કરી લેખિત રજૂઆત 
પાલનપુરના માનસરોવર રોડ પર આવેલા કૈલાશ વાટીકા બગીચો છેલ્લા કેટલાક સમયથી વેરાન હાલતમાં જોવા મળી રહ્યો છે. ત્યારે શહેરની શોભા વધારતો આ બગીચો પુનર્જીવિત કરવામાં આવે તેવી માંગ સાથે પાલનપુર નગર પાલિકાના સદસ્ય અમૃત જોષીએ ચીફ ઓફિસર સમક્ષ લેખિત રજૂઆત કરી છે.
રાજ્યમાં વન વિભાગ દ્વારા લાખો રૂપિયાના ખર્ચે બગીચા બનાવી શહેરની સુખાકારી માટે રમત ગમતના સાધનો મુકાવી તેમજ વૃક્ષો અને ફૂલોથી સજ્જ બગીચા બનાવી શહેરની શોભા વધારવા માટેનું આયોજન વર્ષ ૨૦૦૮ મા કરવામાં આવ્યું હતું. તા.૧૯ મી ઓક્ટોબર ૨૦૦૮ ને રવિવારના રોજ રોટરી કલબ પાલનપુર ડાયમંડ સિટી દ્વારા કૈલાસ વાટિકા બગીચાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કૈલાસ વાટીકા બગીચાનું સંચાલન અને નિભાવ છેલ્લા ૧૦ વર્ષથી રોટરી ક્લબ ઓફ ડાયમંડ સિટી દ્વારા સુંદર રીતે કરવામાં આવતું હતું. આ સુંદર મજાના બગીચાનો પ્રજાજનો હોશભેર અને ઉત્સાહ પૂર્વક ઉપયોગ કરતા હતા. પરંતુ છેલ્લા બે વર્ષથી રોટરી ક્લબે તેનો કબજો પાલનપુર નગરપાલિકાને પરત સોપેલ હતો. ત્યારથી બગીચાની કોઇ સાર સંભાળ નગરપાલિકા દ્વારા લેવામાં ન આવતા લાખો રૂપિયાના ખર્ચથી સરકારે પ્રજાજનોની સુખાકારી માટે બનાવેલ બગીચો ખંડેર હાલતમાં હાલતમાં જોવા મળી રહ્યો છે. આ બાબતે નગર પાલિકામાં બગીચામાં બંધ કરાયેલ પાણીનું કનેક્શન પણ ચાલુ કરવા માટે અવાર નવાર રજૂઆત કરવા છતાં આ બાબતે કોઈ પગલાં ભરાયા નથી. ત્યારે પાલનપુર નગરપાલિકાને પ્રજાજનોની સુખાકારી માટે કરોડોની ગ્રાન્ટ ફાળવેલ છતાં પાલિકાના અણઘડ વહીવટને કારણે પ્રજાજનો સુવિધાથી વંચિત રહી જતા હોવાની રાવ સાથે સદસ્ય અમૃતભાઇ જોષીએ નગરપાલિકાના ચીફ ઓફિસર સમક્ષ લેખિત રજૂઆત કરી આ બાબતે ઉપરોક્ત બગીચો પુનર્જીવિત કરવા માંગ કરી છે.
બગીચામાં પાણીની પાઇપલાઇન પણ બંધ કરી દેવાતા છોડ સુકાઈ ગયા 
પાલનપુરના માનસરોવર રોડ પર આવેલ આ બગીચો શહેરની શોભા વધારતો હતો. જો કે તેની સાર સંભાળના અભાવ ઉપરાંત પાણીની પાઇપ લાઇન પણ બંધ કરી દેવામાં આવતાં બગીચામાં ઉગાડેલા વૃક્ષો, છોડ અને ઘાસ સુકાઈ ગયું હતું. જેને પગલે બગીચો હાલમાં વેરાન સ્થિતિમાં જોવા મળી રહ્યો છે.
Contribute Your Support by Sharing this News: