દાંતીવાડાના ભાખર ગામે દીપડો ખેતરમાં ઘુસી આવી ચાર લોકોને ઘાયલ કર્યા 

ગરવીતાકાત,બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના ભાખર ગામે દીપડાએ હાહાકાર મચાવી મૂક્યો છે. ભાખર ગામની સીમમાં આવેલા ખેતરમાં ઘુસી આવેલા દીપડાએ ચારથી વધુ લોકોને ઘાયલ કર્યા છે. જેને પગલે લોકો ઘરની ઉપર ચડીને દિપડાથી બચવા પ્રયાસો કરતા નજરે પડી રહ્યા છે. બીજી તરફ વન વિભાગની ટીમ પણ દીપડાને પકડવા માટે રાત દિવસ અેક કરી રહી છે.

બનાસકાંઠા જિલ્લામાં લીલા લાકડાનો કાળો કારોબાર બે હિંચક ચાલી રહ્યો છે. ગુજરાત સરકાર એક તરફ વૃક્ષો વાવો અને વરસાદ લાવો ના સૂત્ર સાથે લોકોને વૃક્ષારોપણ કાર્યક્રમો કરાવીને ગ્લોબલ વોર્મિંગની સમસ્યાને નિવારવા માટે પ્રયત્નો કરી રહી છે. અને રાજ્યમાં વૃક્ષોની કાપણી ન થાય અને જંગલનું જતન થાય તે માટે ફોરેસ્ટ વિભાગને કામગીરી સોંપવામાં આવેલી છે. પરંતુ વાડ જ ચીભડાં ગળે તો કોને કહેવાનું તેવી પરિસ્થિતિ બનાસકાંઠા જિલ્લામાં જોવા મળી રહી છે. એક ચર્ચા અનુસાર જિલ્લામાં ફોરેસ્ટ વિભાગના જ કેટલાક અધિકારીઓની મિલીભગતથી જ દિવસ રાત લીલા લાકડાનો કાળો કારોબાર ચાલતો હોવાનું કહેવાય છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લામાં તપાસ કરવામાં આવે તો ફોરેસ્ટ વિભાગનું મસ મોટું કૌભાંડ ઝડપાય તેમ છે.

જંગલોમાં વસવાટ કરતાં પ્રાણીઓની રક્ષામાં પણ વન વિભાગ ઉણુ ઉતર્યું છે. જંગલમાં વૃક્ષોની કાપડીને લીધે જંગલોનો નાશ થઇ રહ્યો છે. જેને પગલે જંગલોમાં વસતા હિંસક પ્રાણીઓ પણ હવે માનવ વસવાટ તરફ આવી જતા હોય છે. આવી ઘટનાઓ બનાસકાંઠા જિલ્લામાં છાશવારે જોવા મળતી હોય છે. થોડા સમય અગાઉ દાંતા તાલુકામાં રીંછે આતંક મચાવી ત્રણથી વધુ વ્યક્તિઓને ફાડી ખાધા હતા. તે ઉપરાંત અમીરગઢ તાલુકા સહિત અન્ય વિસ્તારોમાં પણ આવા બનાવો જોવા મળ્યા છે. જેમાં જંગલોમાં વસતા હિંસક પ્રાણીઓ રહેણાક વિસ્તારોમાં ઘુસી આવી લોકોને જાનહાની કરી રહ્યા છે. તેને વન વિભાગ માત્ર તમાશો જોતું હોય તેમ લાગી રહ્યું છે. બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકામાં હિંસક પ્રાણી માનવ વસવાટ તરફ આવી પહોંચવાની વધુ એક ઘટના સામે આવી છે.

દાંતીવાડા તાલુકાના ભાખર ગામે રહેતા અને ખેતીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા રામાજી નરસુગજી રામસણા નામના ખેડૂતના ખેતરમાં ગતરોજ દીપડો ઘૂસી આવ્યો હતો.

જેને પગલે આખા ગામમાં ફફડાટ પ્રસરી જવા પામ્યો હતો. ખેતરમાંથી ગામમાં અને ગામમાંથી ખેતરો તરફ દોડતો આ દીપડાને જોઈ લોકો તેનાથી બચવા માટે ઘરોના માળીયા પર ચડી ગયા હતા. અને આ દોડધામ દરમિયાન એક મહિલા તથા અન્ય ત્રણ લોકો સહિત ચાર જેટલા લોકોને આ દિપડાએ ગંભીર રીતે ઘાયલ પણ કરી દીધા છે. આ બાબતની જાણ કરવામાં આવતા વન વિભાગની ટીમ પણ ત્યાં આવી પહોંચી હતી અને દીપડાને પકડવા માટેના પ્રયત્નો શરૂ ચાલી રહ્યા છે.

બીજા સાથે સમાચાર શેર કરો.