ગરવીતાકાત,અમદાવાદ: શહેરનાં ગોતા ઓગણજ રોડ પર બેફામ બનેલા પિકઅપ ડાલુ વાહનના ચાલકે ત્રણ વ્યક્તિને અડફેટે લેતા બે વ્યક્તિના મોત નીપજ્યા છે. જ્યારે એક વ્યક્તિને ગંભીર ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પિકઅપ ડાલુ ગાડી ડિવાઈડર કુદાવી સામેના રોડ પર આવી પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં ત્રણ વ્યક્તિ અને વાહનો પણ અડફેટે આવી ગયા હતા. એ ડિવિઝન ટ્રાફિક પોલીસે વાહનચાલક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

આ મામલે મળતી માહિતી પ્રમાણે છારોડી પાસે રહેતા વિરસિંગભાઈ ધાખડ તેમના સંબંધી કલ્યાણસિંહ ધાનુક અને રાજેન્દ્ર કુશવાહ અલગ અલગ જગ્યાએ કલર કામ કરે છે. મંગળવારે સવારે ગોતા ઓગણજ રોડ પર કાશી શંકારા સ્કૂલ પાસે તેઓ ઉભા હતા. ત્યારે બેફામ સ્પીડે ગોતા બ્રિજ તરફથી એક પીકઅપ ડાલુ વાહન આવ્યું હતું. ચાલકે ગાડી પર કાબુ ગુમાવતા ડિવાઈડર કુદાવ્યું હતું.

આ ત્રણેયને અડફેટે લીધા હતા. ત્રણેયને ગંભીર ઇજાઓ થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં કલ્યાણસિંહ અને રાજેન્દ્રનું મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ ડાલુનો ચાલક ફરાર થઇ ગયો હતો.

Contribute Your Support by Sharing this News: