ગુજરાતમાં પ્રજાના પ્રતિનિધિઓ અને પોલીસની જોહુકમી વધી કસ્ટોડીયલ ડેથથી લઈ મહિલાને માર મારવા સુધીની ઘટનાઓ બની

ગરવીતાકાત અમદાવાદઃ ગુજરાતમાં રૂપાણી સરકારના શાસન દરમિયાન પોલીસ અને પ્રજાના પ્રતિનિધિઓ બેફામ બનીને પ્રજા પર દાદાગીરી કરતા હોવાની ઘટનાઓ દિનપ્રતિદિન વધી રહી છે. જેમાં સૌથી ગંભીર બાબત તો એ છે કે, માત્ર એક જ અઠવાડીયામાં પ્રજાના પ્રતિનિધિ અને પોલીસની જોહુકમીના ભોગની 7 ઘટનાઓ બની છે. જેમાં સત્તાધારી પક્ષ ભાજપના ધારાસભ્ય અને કોર્પોરેટરથી માંડીને ઉચ્ચ પોલીસ અધિકારીઓની સંડોવણીની સાથે તેમની સામે પોલીસ ફરિયાદો પણ નોંધાઈ છે. આમ છતાં પણ રાજ્યનું પોલીસ તંત્ર હજુ પણ ઘોર નિંદ્રામાં છે.

1-સ્ટેટ મોનિટરિંગની ટીમે દારૂ ઝડપ્યો, અમદાવાદના બે પીઆઈ સસ્પેન્ડ થયા: ડીજીપીના સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે થોડા દિવસ પહેલા અમદાવાદના સોલામાંથી દારૂ ઝડપી પાડ્યો હતો. ત્યાર બાદ 3 જૂનના રોજ પણ ઓગણજ રોડ પરના બંગલોમાંથી દારૂ ઝડપાયો હતો. જેથી સોલા પીઆઈ પરાગ ચૌહાણને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જ્યારે સેટેલાઇટ વિસ્તારમાં પણ અગાઉ સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા પડ્યા હતા, જેમાં બેદરકારી બદલ સેટેલાઇટ પીઆઈ એમ.બી.ઝાલાને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

2-સુરત કસ્ટોડીયલ ડેથઃ PI સહિત 8 આરોપી ફરાર: ખટોદરા પોલીસ મથકની ટીમે 1 જૂનના

રોજ ચોરીના બનાવમાં ત્રણ યુવાનોને પૂછપરછ માટે બોલાવી ગેરકાયદે અટકાયત કરી ઢોર માર મારતા એકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ત્યાર બાદ આ મામલે ખટોદરાના તત્કાલીન પીઆઈ એમ.બી. ખિલેરી, પીએસઆઈ સી.પી. ચૌધરી અને ડી સ્ટાફના છ કર્મચારી મળી કુલ 8 સામે હત્યાનો ગુનો નોંધાયો હતો. ત્યાર બાદ આ તમામ આરોપીઓ ફરાર થઈ ગયા હતા.

3-દારૂના કેસમાં પણ પોલીસ સામે સવાલ: રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાના સીધા માર્ગદર્શન હેઠળ ચાલતી સ્ટેટ વિજિલન્સની ટીમ 28 મેના રોજ રાજસ્થાનથી દારુ ભરેલી ટ્રક લઇ પોણા સાત વાગ્યે ગુજરાતમાં આવી પહોંચી હતી, આ દરમિયાન તેનો પીછો કરતા રાજસ્થાન પોલીસે વિજિલન્સની ટીમને પકડી પાડી હતી. જોકે આખરે આ ટ્રકને ખોરજ પોલીસ સ્ટેશનમાં એન્ટ્રી કરી છોડી દેવાયો હતો. છેલ્લા કેટલાય સમયથી વિજિલન્સની ભૂમિકા શંકાસ્પદ હોવાનું ચર્ચાઇ રહ્યું છે. રાજસ્થાન પોલીસે આક્ષેપો કર્યા હતા કે, દારુનો કેસ કરીને સારી કામગીરી બતાવવા સ્ટેટ વિજિલન્સની ટીમ રાજસ્થાનથી દારુનો ટ્રક ગુજરાતમાં લેતી આવી હતી. રાજસ્થાન પોલીસે તો લૂંટનો ગુનો દાખલ કરવાની પણ ચીમકી આપી હતી. આ મામલે ભીનું સંકેલવા માટે ગુજરાત પોલીસે તપાસના તરકટ બાદ વિજલન્સના પીઆઇ અને પીએસઆઇની સીઆઇડી ક્રાઇમમાં બદલી કરી હતી. જ્યારે સામાન્ય કિસ્સામાં ડીજી દ્વારા કડક પગલાં લઇ અધિકારીઓ સહિત કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવે છે, ત્યારે આ કિસ્સામાં વિજિલન્સ હોવાથી ભીનું સંકેલી દેવામાં આવ્યું હોવાની ચર્ચા છે.

4-વડોદરામાં PSIએ યુવક પર ફાયરિંગ કર્યું: વડોદરાના તરસાલીમાં આવેલા રવિપાર્ક ચાર રસ્તા પાસે સોમવારે રાત્રે પીએસઆઇ શક્તિસિંહ ચૂડાસમાએ સિમિત પ્રજાપતિ નામના યુવક પર 4 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. સ્થાનિકો મુજબ, પીએસઆઇ ચૂડાસમાએ ઝપાઝપી કરી પિસ્તોલ સિમિત સામે તાકી દીધી હતી. ત્યાર બાદ ફાયરિંગ કરતાં સિમિતને પેટ અને જાંઘ પર ગોળી વાગી હતી. ત્યારબાદ ઘાયલ સિમિત કણસતો હતો ત્યારે ચૂડાસમાએ ચાલ લુખ્ખા ઉભો થા, ભાગ હવે…કહી તેને દોડાવવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન આસપાસના લોકો આવી જતાં પીએસઆઈ બૂલેટ મૂકી ભાગી ગયા હતા.

5-પાંચ-પાંચ મહિનાથી PSIની પત્ની પતિના મોતનો ન્યાય માગે છે: 31 ડિસેમ્બર 2018ના રોજ પીએસઆઈ દેવેન્દ્રસિંહ રાઠોડે આત્મહત્યા કરી લીધી હતી. ત્યાર બાદ મૃતક પીએસઆઈ દેવેન્દ્રસિંહ સત્યેન્દ્રસિંહ રાઠોડેની સ્યૂસાઈડ નોટ મળી આવી હતી. આ સ્યૂસાઈડ નોટમાં કરાઈ એકેડેમીના તાલીમાર્થી ડીવાય

એસપી એન.પી.પટેલના ત્રાસથી આત્મહત્યા કરી હોવાનો ઉલ્લેખ કર્યો હતો. આમ છતાં પોલીસે હજુ સુધી મામલે કોઈ નક્કર કાર્યવાહી કરી નથી. છેલ્લા 5 મહિનાથી મૃતકની પત્ની ન્યાય માગવા માટે મુખ્યમંત્રી, ગૃહરાજ્યમંત્રી અને રાજ્ય પોલીસ વડા પાસે ધક્કાઓ ખાઈ રહી છે. 4 જૂનના રોજ એન.પી.પટેલની ધરપકડ અને પોતાને સરકારી નોકરી આપવાની માગણી સાથે દેવેન્દ્રસિંહના પત્ની ડિમ્પલ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાને મળવા ગાંધીનગર ગયાં હતાં. ડિમ્પલે કહ્યું હતું કે, પ્રદીપસિંહે તેમને મળવા બોલાવ્યાં હતા પરંતુ તેઓ ઓફિસે આવ્યા જ ન હોવાથી આખો દિવસ બેસી રહીને તેઓ પાછા ફર્યાં હતાં. ડિમ્પલે બંને માગણી નહીં સંતોષાય તો આગામી દિવસોમાં આમરણ ઉપવાસની ચીમકી ઉચ્ચારી છે.

6-ભાજપના ધારાસભ્ય બલરામે મહિલાને બેરહેમીથી ફટકારી: 2 જૂનની રાત્રે નરોડાના ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણીએ નીતુ તેજવાણી નામની મહિલા સાથે લુખ્ખાગીરી કરી માર માર્યો હતો. ત્યાર બાદ આ ઘટનાને લઈ સમગ્ર રાજ્યમાં બલરામ પર ફિટકાર વરસ્યો હતો, તેમજ મહિલા આયોગે પણ આ મામલે નોટિસ ફટકારી હતી. જો કે ઘટનાના 24 કલાકમાં જ રાજકીય દબાણને વશ થઈ મહિલાએ બલરામ થાવાણી સાથે સમાધાન કર્યું હતું. આ મામલે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ આવી લુખ્ખાગીરી કરતા ધારાસભ્ય સામે કડક કાર્યવાહી કરવાને બદલે માત્ર ઠપકો આપીને માફી માગવાનું કહેતા ભાજપના આગેવાનો અને કાર્યકરોમાં પણ પ્રમુખની આ પ્રકારની નીતિ સામે નારાજગી જોવા મળી હતી.

7-અમદાવાદના કોર્પોરેટરની દાદાગીરી: 31 મેના રોજ ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણીના ભાઈ અને AMCના કોર્પોરેટર કિશોર થાવાણીએ પાણી મુદ્દે જબરજસ્તીથી પાણીના કનેક્શન કપાવી અને વીડિયો ઉતારનારને થપ્પડ મારતા જોવા મળ્યા હતાં. આ સમયે પણ કિશોર થાવાણીનો માર મારતો વીડિયો વાયરલ થયો હતો.

બીજા સાથે સમાચાર શેર કરો.