સમગ્ર દુનિયાની સાથે સાથે હવે ભારતમાં પણ કોરોનાનો ફેલાવો કૂદકે ને ભૂસકે વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રેકોર્ડબ્રેક 7466 કેસ સામે આવ્યાં છે. જ્યારે એક જ દિવસમાં 175 લોકોના મૃત્યુ થયા છે. આ સાથે જ દેશમાં કોરોનાના કુલ કન્ફર્મ કેસનો આંકડો 1,65,799 થયો છે. જેમાંથી 89,987 એક્ટિવ કેસ છે. જ્યારે 71,105 લોકો ડિસ્ચાર્જ થઈને ઘરે ગયા છે. દેશમાં કોરોનાના કારણે કુલ 4706 લોકોએ જીવ ગુમાવ્યાં છે.સંક્રમિત લોકોની સંખ્યાને ધ્યાનમાં રાખતા ભારત હવે દુનિયામાં કોરોનાના કેસની યાદીમાં નવમા નંબરે પહોંચી ગયુ છે. જ્યારે એશિયામાં પ્રથમ સ્થાને છે. આ અગાઉ સૌથી વધુ કેસ એશિયામાં તુર્કીમાં 1,59,797 હતાં. ભારતની વાત કરીએ તો કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ દેશમાં સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં છે જ્યાં 59,546 કેસ નોંધાયા છે અને કુલ 1982 લોકોએ જીવ ગુમાવ્યાં છે. જ્યારે 18616 લોકો સાજા થયા છે. ત્યારબાદ બીજા નંબરે તામિલનાડુ આવે છે જ્યાં કોરોનાના 19,372 કેસ નોંધાયા છે. જ્યારે 145 લોકોના મૃત્યુ થયા છે અને 10548 લોકો રિકવર થયા છે. કોરોનાના પ્રકોપમાં ત્રીજા નંબરે દિલ્હી આવે છે જ્યાં 16281 કેસ નોંધાયા છે જ્યારે 316 લોકોના જીવ ગયા છે અને 7495 લોકો સાજા થયા છે.ગુજરાત કોરોનાના કેસમાં દેશમાં ચોથા નંબરે આવે છે. મહાનગર અમદાવાદમાં કોરોનાનો સૌથી વધુ પ્રકોપ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં કોરોનાના કુલ 15,562 કેસ નોંધાયા છે. જ્યાં 960 લોકોએ જીવ ગુમાવ્યાં છે અને 8003 લોકો કોરોનાને માત આપવામાં સફળ રહ્યાં છે. પ્રવાસી મજૂરોની વતન વાપસી થઈ રહી હોવાના કારણે અનેક રાજ્યોમાં કોરોનાના કેસમાં ઉછાળો આવી રહ્યો છે. જેમ કે બિહારમાં અચાનક કેસ વધીને 3296 થઈ ગયા છે.

Contribute Your Support by Sharing this News: