પાટણમાં ૩૦૦ની લાંચ લેતા કોન્સ્ટેબલ ઝબ્બે, પેટ્રોલ ખર્ચની માંગ મોંઘી પડી

ગમ્યું તો આગળ શેર કરો.

પાટણ પોલીસ ટીમનો કોન્સ્ટેબલ ૩૦૦ની લાંચ લેતા ઝડપાઇ જતાં ચોંકાવનારી સ્થિતિ સામે આવી છે. વોરંટ બજવણી પેટે પેટ્રોલ ખર્ચની માંગ કરતાં અરજદારે એસીબીને ફરિયાદ કરી હતી. જેના આધારે ગોઠવેલ છટકામાં પાટણ- ચાણસ્મા હાઇવે પર ટ્રેપ સફળ બની છે. ટૂંકાગાળામાં વર્ગ ૩નો બીજો કર્મચારી એસીબીએ ઝડપી લીધો છે.પાટણ પોલીસની એક તપાસમાં પંચ તરીકે એક સ્થાનિક વ્યક્તિ રહ્યા હતા. જેમાં તેમનું જામીન લાયક વોરંટ નિકળ્યું હોઇ પાટણ બી ડિવિઝનના પોલીસ કોન્સ્ટેબલ બાબુભાઈ કે.રામાનંદીએ કાર્યવાહી કરી હતી. આ દરમ્યાન જામીન લાયક વોરંટની બજવણીમાં હેરાન નહિ કરવા અને પેટ્રોલ ખર્ચ પેટે રકમની માંગણી કરી હતી. કોન્સ્ટેબલ બાબુભાઈએ ૩૦૦ની માંગણી કરતાં વોરંટ મેળવનાર વ્યક્તિએ પાટણ એસીબીને ફરિયાદ કરી હતી.સૂત્રોએ જણાવ્યું હતું કે, ફરીયાદી લાંચની રકમ આપવા માંગતા ના હોવાથી એસીબીમાં ફરીયાદ કર્યા બાદ છટકું ગોઠવાયું હતું. જેમાં આરોપી બાબુભાઈ કેસના ફરીયાદી પાસેથી લાંચની રકમ રૂપિયા ૩૦૦ સ્વીકારી પકડાઇ ગયા હતા. પાટણ એસીબીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જે.ચૌધરી સહિતની ટીમે ચાણસ્મા હાઇવે પરથી આરોપી કોન્સ્ટેબલને ઝડપી લીધો હતો.

ગમ્યું તો આગળ શેર કરો.