ગઈ કાલે ગુજરાત કોન્ગ્રેસ સમીતીના અધ્યક્ષ અમીત ચાવડાની ઉપસ્થિતીમાં ભાજપના આઈ. સેલના 200 થી વધુ કાર્યકર્તાઓ કોન્ગ્રેસમાં જોડાયા હતા. જેમાં બીજેપી આઈ.ટી. સેલના કાર્યકર્તાઓએ ભાજપ છોડતા આક્ષેપો કર્યા હતા કે ભાજપના નેતાઓ અમને માત્ર ચુંટણી ટાણે જ યાદ કરે છે. ભાજપને પડેલા આ મોટા ફટકાને કાઉન્ટર કરવા જ આજે ભાજપના મીડીયા વિભાગના કન્વીનર પ્રશાંત વાળાએ મીડીયા સમક્ષ તેમના પક્ષ તરફથી સંબોધન કર્યુ હતુ.

જેમાં તેઓએ જણાવ્યુ હતુ કે કોંગ્રેસ પાસે કોઈ મુદ્દાઓ નથી તેથી નીત નવા જુઠ્ઠાણાઓ ફેલાવી કોંગ્રેસ જનતાને ગેરમાર્ગે દોરવાના નિષ્ફળ પ્રયાસો કરી રહી છે. ગઈકાલે કોંગ્રેસે ભાજપાના ૨૦૦ જેટલા આઈ. ટી. સેલના કાર્યકર્તાઓ કોંગ્રેસમાં  જોડાયા તેવું કહ્યું, પરંતુ આ વાત તદ્દન ખોટી છે, કોંગ્રેસ પોતાના જ કાર્યકર્તાઓને એક પછી એક ખેસ પહેરાવીને ફક્ત ખોટો દેખાડો કરી રહી છે, ભાજપાના આઇ. ટી. સેલના કોઈપણ જવાબદાર કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા નથી.


વધુમાં તેમને જણાવ્યુ હતુ કે આવનારી પેટા ચુંટણીમાં દરેક વિધાનસભા બેઠક પર ભાજપાને જનતાનો જબરદસ્ત જનપ્રતિસાદ મળી રહ્યો છે. ગુજરાતની જનતાના આશીર્વાદ ભાજપા સાથે છે ત્યારે હાર ભાળી ગયેલી કોંગ્રેસ એક જવાબદાર રાજકીય પાર્ટીને શોભે નહીં તેવી નિમ્ન કક્ષાની હરકતો પર ઉતરી આવી છે. ગઈકાલે સુરત ખાતે ઈંડા ફેંકવાની જે ઘટના બની છે તે શરમજનક છે. ભાજપા સાથેની સીધી લડાઈમાં પહોંચી ન શકતી કોંગ્રેસને ચૂંટણીમાં તેનો પરાજય દેખાઈ રહ્યો છે, તેથી લુખ્ખા તત્વો દ્વારા આ પ્રકારના હીન કક્ષાના દુષ્કૃત્યો કરી કોંગ્રેસ વાતાવરણને બગાડવાના કુપ્રયાસો કરી રહી છે.

આ પણ વાંચો – જમીન માપણીની કામગીરી કરનાર પ્રાઈવેટ એજન્સીઓને બચાવવા સરકારી તંત્ર ખડે પગે !!

પ્રશાંત વાળાએ જણાવ્યું હતું કે, ભૂતકાળમાં પણ કોંગ્રેસે ગુજરાતમાં જ્ઞાતિ-જાતિ વચ્ચે ઝઘડાઓ કરાવી, વેરઝેર ફેલાવી, પૈસાના પાવરથી ગુજરાતની શાંતિ ડહોળવાના હીન પ્રયાસો કર્યા હતા પરંતુ ગુજરાતની શાણી અને સમજુ જનતા કોંગ્રેસના આવાં બદ ઇરાદાઓને સારી રીતે સમજે છે, જનતા કોંગ્રેસનો કાળો પંજો ક્યારેય ગુજરાતની તિજોરી પર પડવા નહિં દે.

પ્રશાંત વાળાએ જણાવ્યું હતું કે, ઉમરેઠના ભાજપાના ધારાસભ્ય ગોવિંદભાઇ પરમારને ભાજપાથી કોઈ નારાજગી નથી, તેથી કોંગ્રેસને આ બાબતે રાજી થવાની કોઈ જરૂર નથી. આજે  ગોવિંદભાઇ પરમારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી  સાથે મુલાકાત કરી છે. કેન્દ્રીય સ્તરેથી લઈને વિવિધ રાજ્યોમાં કોંગ્રેસમાં સંગઠનના અને ચુંટાયેલા જનપ્રતિનિધિઓ કોંગ્રેસના દિશાહીન નેતૃત્વ તેમજ આંતરિક તીવ્ર જુથબંધીના કારણે નારાજગી વ્યક્ત કરી રહયા છે, અને કોંગ્રેસ સાથે પોતાનો છેડો ફાડી રહ્યા છે, કોંગ્રેસના ટોચના કહેવાતા ૨૩ જેટલા સિનિયર નેતાઓએ મોવડીમંડળ સામે નારાજગી વ્યક્ત કરી છે, જનતાની સાથે સાથે હવે કોંગ્રેસના નેતાઓને પણ હવે કોંગ્રેસ પર વિશ્વાસ રહ્યો નથી.

Contribute Your Support by Sharing this News: