હેલ્મેટમાંથી મુકિત મળતા કોંગ્રેસે મનાવ્યો વિજયોત્સવ

શેર કરવા અહીં ક્લિક કરો.

ગરવીતાકાત,તારીખ:૦૪ 

ગુજરાત સરકાર દ્વારા રાજયનાં નગરપાલિકા અને મહાનગરપાલિકા વિસ્તારમાં વાહન ચાલકો માટે હેલ્મેટ પહેરવી ફરજીયાત નહીં પરંતુ મરજીયાત કરવાનો નિર્ણય આજે જાહેર કરવામાં આવ્યો છે. શહેરી વિસ્તારમાં વાહનચાલકોને હેલ્મેટમાંથી મુકિત આપવાની માંગણી સાથે છેલ્લા ઘણા દિવસથી આંદોલન ચલાવી રહેલી કોંગ્રેસનું આંદોલન આજે સફળ રહ્યું છે. નાગરિકોને હેલ્મેટમાંથી મુકિત મળતા આજે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા શહેરનાં ત્રિકોણબાગ વિસ્તારમાં વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો અને ફટાકડા ફોડી કાર્યકરોએ એકાબીજાનાં મોં મીઠા કરાવ્યા હતા.

હેલ્મેટનાં કાળા કાયદામાંથી નાગરિકોને મુકિત આપવા માટે કોંગ્રેસ દ્વારા રાજયવ્યાપી સહી ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી જેમાં લાખો લોકો સ્વયંભુ જોડાયા હતા. અનેક લોકોએ પોતાની હેલ્મેટ પર તો એવા સ્ટીકર લગાવી દીધા હતા કે મારો મત હવે કોંગ્રેસને. નવા મોટર વ્હીકલ એકટની ગુજરાતમાં અમલવારી બાદ લોકોમાં રાજય સરકાર સામે વારંવાર રોષ ફાટી નિકળ્યો છે. લોકોનાં રોષને પારખી આજે મુખયમંત્રી વિજયભાઈ રૂપાણીએ કેબિનેટમાં એવો મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો કે નગરપાલિકા અને મહાનગરપાલિકા વિસ્તારમાં વાહનચાલકો માટે હેલ્મેટ ફરજીયાત નહીં પરંતુ મરજીયાત રહેશે. આ નિર્ણયથી રાજયભરમાં ખુશાલી વ્યાપી જવા પામી છે.

શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગરની આગેવાનીમાં આજે ત્રિકોણબાગ ખાતે કોંગ્રેસનાં કાર્યકરોએ હેલ્મેટ પહેરવાનું મરજીયાત કરવામાં આવતા વિજયોત્સવની ઉજવણી કરી હતી અને ફટાકડા ફોડયા હતા. શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગરે જણાવ્યું હતું કે, આ કોંગ્રેસ અને ગુજરાતની જનતાનો નૈતિક વિજય છે. હવે અમારી માંગણી એવી છે કે, સરકાર દ્વારા નવા મોટર વ્હીકલ એકટની અમલવારી બાદ જે લોકોને ઈ-મેમા મોકલવામાં આવ્યા છે તે તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે અને જે લોકોએ ઈ-મેમો મળ્યા બાદ દંડ ભરપાઈ કર્યો છે તે દંડની રકમ લોકોને પરત કરવામાં આવે.

શેર કરવા અહીં ક્લિક કરો.