સમગ્ર ગુજરાતમાં કાતિલ ઠંડીનો માહોલ સર્જાયેલો છે. દિવસ દરમિયાન મહત્તમ નીચું તાપમાન અને લઘુત્તમ તાપમાનનો પારો પણ ગગડતાં લોકો કાશ્મીરમાં રહેતા હોય તેવો અનુભવ કરી રહ્યાં છે. ઉત્તરાયણ બાદ ગુજરાતમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. જોકે આગામી દિવસોમાં પણ ઠંડીનો ચમકારો જોવા મળશે તેવું હવામાન વિભાગે જણાવ્યું હતું. મહત્વની વાત એ છે કે, ગુજરાતના 17 શહેરોમાં ઠંડીનો પારો 10 ડિગ્રીથી પણ નીચે જોવા મળ્યો હતો. ઉત્તર પ્રદેશ પર છવાયેલા સાયક્લોનિક સરક્યુલેશન દક્ષિણ ગુજરાત અને મધ્ય પ્રદેશ સુધી ફેલાયું હોવાથી તેની સીધી અસરના કારણે હવામાન વિભાગે કોલ્ડ વેવની સાથે સૌરાષ્ટ્ર-કચ્છમાં અતિશય ઠંડા દિવસની પણ આગાહી કરવામાં આવી છે. આગામી ત્રણ દિવસ સુધી ઠંડીમાં કોઈ મોટો ફેરફાર જોવા મળશે નહીં. રાજ્યમાં સૌથી વધુ ઠંડી નલિયામાં 3.4 ડિગ્રી નોંધાઈ હતી.

નોંધનીય છે કે, છેલ્લા એક અઠવાડિયાથી ઠંડીનો પારો 10 ડિગ્રીની આસપાસ રહેતો હોય તેવું જોવા મળી રહ્યું છે. તેના કારણે સતત ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. સવારે ગાઢ ધૂમ્મસ છવાયું હતું તેના કારણે સવારે હાઈવે પરનો વાહનવ્યવહાર ધીમી ગતિએ જોવા મળતો હતો.હવામાન ખાતાએ આગાહી કરતા જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતમાં વાતાવરણ સુક્કું રહેશે. દિવસનું તાપમાન વધુ નીચું જવાના કારણે લોકો વધુ ઠંડીનો અનુભવ કરશે. તેના કારણે ઠંડીથી બચવા સલાહ પણ આપવામાં આવી છે. પાંચ દિવસની ચેતવણીમાં આગામી બે દિવસ સુધી કોલ્ડ વેવ રહેશે પરંતુ તેની સાથે સાથે બનાસકાંઠામાં કોલ્ડ ડે રહેવાની આગાહી કરી છે.

 

Contribute Your Support by Sharing this News: