ગુરૂવારે રાત્રે ૧૦ વાગ્યાના સુમારનો બનાવ, કાર ચાલકને સામાન્ય ઇજા
પાલનપુરથી માલણ જવાના માર્ગમાં ફજલે માસૂમ પાસેથી પસાર થઇ રહેલી એક કાર ઉપર ગુરુવારે રાત્રે દસેક વાગ્યાના સુમારે એકાએક બાવળનું તોતિંગ વૃક્ષ ધરાશાયી થતાં કારનો ખુડદો બોલી ગયો હતો. જો કે કાર ચાલકનો જીવ બચી જતાં જાનહાની ટળી ગઇ હતી.

ગરવીતાકાત,બનાસકાંઠા: પાલનપુર-માલણ રોડ પર અનેક વૃક્ષો એવા છે કે જે ગમે ત્યારે ધરાશાયી થઇ જાય તેમ છે. વરસાદની ઋતુમાં દર વર્ષે આવા એકાદ બે વૃક્ષો ધરાશાયી થાય છે. પરંતુ આ વૃક્ષોને ખસેડ્યા બાદ જે વૃક્ષો ભવિષ્યમાં જાનહાની સર્જી શકે તેવા છે તેને ઉતારી લેવાની કામગીરીમાં ઢીલી નીતિ અપનાવવામાં આવી રહી હોવાને કારણે આજે ફરી એકવાર આ માર્ગ પર જાનહાનિ થતાં રહી ગઇ હતી. પાલનપુર રામપુરા ચાર રસ્તાથી માલણ તરફ જવાના માર્ગમાં ફઝલે માસૂમ પાસેથી ગુરુવારે રાત્રીના દસેક વાગ્યાના સુમારે કાર ચાલક પસાર થઈ રહ્યો હતો તે વખતે બાવળનું તોતિંગ વૃક્ષ કાર પર ધરાશાયી થતાં કારનો ખુડદો બોલી ગયો હતો જો કે કાર ચાલકને માત્ર સામાન્ય ઇજાઓ થઇ હતી. તેથી તે કાર મૂકી ત્યાંથી નીકળી ગયો હતો તેમ આસપાસના ખેતરોમાં રહેતા લોકોએ જણાવ્યું હતું.ઉલ્લેખનીય છે કે આ માર્ગ પર અવારનવાર વૃક્ષો ધરાશાયી થતા હોવાને કારણે મોટી જાનહાનીની ઘટના સર્જાય તેવી સંભાવના છે. ત્યારે આ બાબતની  ગંભીર નોંધ લઈ તોતિંગ વૃક્ષો ઉતારી લેવાની કામગીરી સત્વરે શરૂ કરવામાં આવે તેવી આ વિસ્તારના લોકોની માંગ ઉઠવા પામી છે.

બીજા સાથે સમાચાર શેર કરો.