ગુજરાતના દરિયાકાંઠેથી ફંટાઈને ઓમાન તરફ આગળ વધી રહેલું વાયુ વાવાઝોડાએ ફરી એકવાર દિશા બદલી હોવાનું હવામાન વિભાગના અહેવાલમાં સામે આવ્યું છે. જેમાં વાયુ વાવાઝોડુ ૧૭ અને ૧૮ જુનના રોજ કચ્છના દરિયાકાંઠે ત્રાટકે તેવી શકયતા છે. જેના પગલે ગુજરાત સરકારે એનડીઆરએફની ૧૦ ટીમો સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે.

આ પૂર્વે પણ ૧૪ અને ૧૫ જુનના રોજ સૌરાષ્ટ્ર સહિત કચ્છના દરિયાકાંઠે પણ સાવચેતી રાખવામાં આવી હતી. આ ઉપરાંત હાલ હવે સામે આવેલી માહિતીના પગલે કચ્છ ફરી એકવાર તંત્રને એલર્ટ કરી દેવામાં આવ્યું છે. તેમજ કલેકટરે સમગ્ર તંત્રને તાત્કાલિક ધોરણે સતર્ક રહેવા પણ જણાવ્યું છે. વાવાઝોડાનાં પગલે એનડીઆરએફની બે ટીમોમાંથી એક ટીમને અંજાર અને એક ટીમને અબડાસાના કાંઠાળ વિસ્તારમાં તૈનાત કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, આ પૂર્વે ગુજરાતમા વાયુ વાવાઝોડાએ દિશા બદલતા તે ઓમાન તરફ આગળ વધ્યું છે. તેમ છતાં દરિયાકાંઠાના વિસ્તારોમા તેની વ્યાપક અસર જોવા મળી હતી. તેમજ વાવાઝોડુ પોરબંદરથી ૧૨૦ કિલોમીટર દુરથી ફંટાઈ ગયું હતું. જેના લીધે આ વાવાઝોડાની અસર સમગ્ર ગુજરાતના દરિયાકિનારે જોવા મળી હતી. તેમાં ૧૩૦ કિલોમીટરથી વધારેની ગતિએ પવન ફૂંકાયો હતો.

જો કે વાવાઝોડાની અસર દરિયાકિનારે વર્તાતા ગઈકાલ સાંજથી ગીર સોમનાથ, વેરાવળ, જામનગર અને ભાવનગર સહિતના દરિયાકાંઠાના વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ હતી .જે આજ વહેલી સવારથી ભારે વરસાદના તબદીલ થયો છે. જેમાં છેલ્લા ૨૪ કલાકમાં તાલાલા અને સુત્રાપાડામાં ૮ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. તેમજ વેરાવળમાં ૨ કોડીનારમાં ૨, ઉનામાં ૧ અને ગીર ગઢડામાં૧.૫ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.

ભારે વરસાદના પગલે તલાલા પંથકમા પાણી ભરાયા છે. જેમાં હાઈવે નદીમાં ફેરવાઈ ગયા છે. તેના લીધે વાહન વ્યવહારને અસર થઈ છે અને રોડ બ્લોક થઈ ગયા છે. ગીર સોમનાથ પંથકમાં હાલ જોરદાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે ગીર સોમનાથની હિરણ નદીમાં ધોડાપૂર આવ્યું છે.