ગરવીતાકાત,અમદાવાદઃ અમદાવાદના સુઘડ ગામે અગોરા મોલ નજીક એટલાન્ટીક સોસાયટીના ફ્લેટ નંબર આઈ બ્લ્યુ 202માંથી એક બોગસ કોલ સેન્ટર ઝડપાયું છે. આ બોગસ કોલ સેન્ટર ચલાવતા 3 ઈસમોની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસે ત્રણેયની ધરપકડ કરી 1,28,100 રોડા રૂપિયા તથા 63000ની કિંમતના 7 નંગ મોબાઈલ મળી કુલ 1,91,100નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપીઓ લોકોને ફોસલાવી તેમને લાલચમાં લાવી રૂપિયા પડાવતા હતા.

જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાએ સૂચના આપી હતી જે અનુસંધાને ક્રાઈમ બ્રાન્ચની ટીમના પોલીસ સબ ઈન્સપેક્ટર એમ જે શિંદે તથા તેમની ટીમે જિલ્લા વિસ્તારમાં બાતમીદારોથી માહિતી મેળવી સઘન કાર્યવાહી હાથ ધરી હતી. બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી ત્રણેય શખ્સોની ધરપકડ કરી લીધી.

એલસીબીના પોલીસ સબ ઈન્સપેક્ટર એમ જે શિંદે, હેડ કોન્સ્ટેબલ લતીફ ખાન મહેમુદખાન, હેડ કોન્સ્ટેબલ યુજવેન્દ્રસિંહ અજીતસિંહ, વિજયસિંહ નવલસિંહ, દિગ્વિજય સિંહ, રાજવીરસિંહ અત્તરસિંહ સહિતની ટીમે વિજય ચૌહાણ (રહે. ચાંદખેડા), જગદિશ ધીરુબાઈ આહિર (રહે. ભાવનગર) અને કલ્પેશ ખીમજી ગોહીલ (રહે. હડમતીયા)ની ધરપકડ કરી છે.

આરોપીઓની પૂછપરછ દરમિયાન મુખ્ય સુત્રધાર વિજય મનોજ ચૌહાણ હોવાનું જાણવા મળ્યું. જેમણે દિલ્હી ખાતે પોતાના મિત્રો રાહુલ તથા રોની નામના ઈસમો પાસેથી લવલી રાની ડૉટ કોમ તથા સ્કેક્કા ડૉટ કોમ નામની વેબસાઈટ માસિક ભાડે રાખી તેમાં પોતાના નંબર એડ કરાવ્યા હતા. નંબર પર ગ્રાહકોના ફોન આવતા તેમને વોટ્સએપમાં છોકરીઓના ફોટા મોકલી તેઓને લલચાવી ફોસલાવી કોલગર્લ્સ સર્વિસ પૂરી પાડવાની લોભામણી વાતચીત કરી કોલગર્લ્સ માટેની આગળની પ્રોસેસ માટે વિવિધ ચાર્જ પેટે રૂપિયા પડાવીને ગ્રાહકોના નંબરને બ્લેક લીસ્ટમાં નાખી દેતા હતા. આ તમામ આરોપીઓ પર ઈન્ડિયન પિનલ કોડની કલમ 406, 420, 120(બી), અને આઈટી એક્ટની કલમ 66(સી), 66(ડી) અંતર્ગત ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

બીજા સાથે સમાચાર શેર કરો.