ગરવીતાકાત,ભુજ: (ભુજ) ગઈકાલે મોડી રાત્રે ભુજની અદાણી જીકે જનરલ હોસ્પિટલના રેસિડેન્ટ તબીબોની હડતાલ સતત બીજે દિવસે પણ ચાલુ રહેતા દેકારો મચી ગયો છે.

પોતાને સામાજિક કાર્યકર કહેવડાવતા હસન સુમરા નામના શખ્સે ગઈકાલે રાત્રે સારવારના મુદ્દે રેસિડેન્ટ તબીબ ઉપર કરેલા હુમલાને પગલે ગઈ કાલની રાતથી રેસિડેન્ટ તબીબો હડતાલ ઉપર ઉતરી ગયા છે. દરમ્યાન બી ડીવીઝન પોલીસે અદાણી હોસ્પિટલના સિક્યુરિટી અધિકારીની ફરિયાદ બાદ હસન સુમરાની હુમલા બાબતે ધરપકડ કરી છે. પોલીસે આજે અદાણી જીકે હોસ્પિટલની મુલાકાત લઈને આખોયે મામલો જાણ્યો હતો. જોકે, રેસિડેન્ટ ડોકટરોએ આજે સતત બીજે દિવસે પણ હડતાલ ચાલુ રાખી છે.

અદાણી મેનેજમેન્ટ સમક્ષ રેસિડેન્ટ ડોકટરોએ પોતાના રક્ષણ માટે માંગણી કરીને હાલના તબક્કે અચોક્કસ મુદ્દતની હડતાલના એંધાણ આપ્યા છે. દરમ્યાન અદાણી ગેઇમ્સ વતી ડો. શાર્દુલ ચોરસિયાએ જણાવ્યું હતું કે, ૨૦૦ જેટલા રેસિડેન્ટ ડોકટરો હડતાલ માં જોડાયા છે, તેમણે મેનેજમેન્ટ સમક્ષ સ્વરક્ષણ માટે સુરક્ષાની વાત કરી છે. જોકે, રેસિડેન્ટ ડોકટરોને કારણે અદાણી જીકે માં કામને અસર પહોંચી હતી. પણ ડો. શાર્દુલે હોસ્પિટલનું કામ બરાબર ચાલી રહયું હોવાનો ખુલાસો કર્યો હતો.

Contribute Your Support by Sharing this News: