ગરવીતાકાત,ભરૂચ: ભરૂચના કાંઠે છેલ્લા છ વર્ષથી નર્મદા નદીમાં વધેલી ખારાશના કારણે માછીમારીનો વ્યવસાય ઠપ થઇ જતાં માછીમારો દેવાના ડુંગર તળે દબાઇ ગયાં હતાં. આ વર્ષે ડેમમાંથી પાણી છોડાતાં નદી બે કાંઠે વહેતી થતાં દરિયામાંથી નદીમાં પ્રજનન માટે આવતી હિલ્સા માછલીઓની સંખ્યા વધતાં માછીમારોના ચહેરા પર રોનક પાછી ફરી છે. આ વર્ષે માછીમારીની સીઝન સારી રહેવાથી છેલ્લા 6 વર્ષથી માછીમારો બેકારીના ખપ્પરમાં હોમાય ગયાં હતાં.

નર્મદા ડેમમાંથી પાણી નહિ છોડાતાં કેવડીયાથી ભાડભુત સુધીના 161 કીમીના વિસ્તારમાં નદી સુકીભઠ બની હતી. ડેમમાંથી પાણી નહિ આવતાં નર્મદા નદીમાં દરિયો સવાર થઇ ગયો હતો. નદીમાં ખારાશ વધી જતાં દરિયામાંથી મીઠા પાણીમાં પ્રજનન માટે આવતી હિલ્સા માછલીની સંખ્યા ઘટી ગઇ હતી. જિલ્લામાં હિલ્સાની માછીમારી પર નભતા હજારો પરિવારો બેકારીના ખપ્પરમાં હોમાય ગયાં હતાં.

આજીવિકાનું સાધન નહિ રહેતાં તેમણે પરિવારનું ગુજરાન ચલાવવા માટે દેવું કરવાની ફરજ પડી હતી. આ વર્ષે નર્મદા ડેમ 133 મીટરની સપાટી વટાવી જતાં દરવાજા ખોલી લાખો કયુસેક પાણી છોડાતા ડાઉનસ્ટ્રીમમાં નર્મદા બે કાંઠે વહેતી જોવા મળી રહી છે. નદીના પાણીમાંથી ખારાશ દુર થતાં દરિયામાંથી નદીમાં પ્રજનન માટે આવતી હિલ્સા માછલીની સંખ્યા વધી જતાં માછીમારોની સીઝન સારી રહી છે.

છ વર્ષ બાદ જુવાળ સારો રહેતાં માછીમારોને દેવામાંથી બહાર આવવાની આશા બંધાઇ છે. સરકાર કાયમ માટે ડેમમાંથી પુરતા પ્રમાણમાં પાણી છોડે તેવી માંગ માછીમાર સમાજ કરી રહયો છે.