અવાર નવાર કેનાલોમાં ગાબડાં પડવાનો સિલસિલો યથાવત છતાં અધિકારીઓની ચૂપકીદી
બનાસકાંઠા જિલ્લાના ભાભરના સુથાર નેસડી માઇનોર કેનાલમાં આજે ફરીથી ગાબડું પડતાં ગેરરીતિના આક્ષેપો ઉઠવા પામ્યા છે. જેમાં વારંવાર રજૂઆત છતાં ખેડૂતોને નર્મદા વિભાગના અધિકારીઓ જવાબ પણ આપતા ન હોવાના ખેડૂતો દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે.
બનાસકાંઠા જિલ્લાની કેનાલોમાં ગાબડાં પડવાનો સિલસિલો છેલ્લા ઘણા સમિતિ યથાવત રહેવા પામ્યો છે. જેને કારણે ખેડૂતોને અવાર નવાર ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. અને નુકસાન પણ ભોગવવું પડતું હોય છે. ત્યારે આ બાબતે વારંવાર રજૂઆત કરવા છતાં પણ ખેડૂતોનું નર્મદા વિભાગના અધિકારીઓ સાંભળતા ન હોવાના પણ આક્ષેપો થઈ રહ્યા છે. કરોડો રૂપિયાની ગ્રાન્ટ સફાઈ અને જંગલ કટીંગ કરવા માટે ફાળવવામાં આવતી હોય છે. તેમ છતાં પણ કેનાલોની આસપાસ ઝાડી ઝાખરા અને કેનાલો પણ ન દેખાય તે રીતે સ્વચ્છતાનો પણ અભાવ જોવા મળતો હોય છે. ત્યારે ફરીથી ભાભરના સુથાર નેસડી માઇનોર કેનાલમાં ગાબડુ પડતાં ખેડૂતોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. ઉલ્લેખનીય છે કે એક તરફ કપાસનું વાવેતર ખેડૂતોએ મોટાભાગે કરી દીધું હોય પાક ઊગે તે પહેલાં જ મુરઝાઇ જાય તેવી સ્થિતિ વચ્ચે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો હોય આ બાબતે નોંધ લઇ ખેડૂતોના હિતમાં પગલા લેવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.