તારીખ 25મી ડીસેમ્બરના દિવસને ભારત સરકાર દ્વારા “સુશાસન દિવસ” તરીકે ઉજવવામા આવે છે. જેના ભાગ રૂપે દેશ આખામા યોજાયેલા ખેડૂત કલ્યાણના વિવિધ કાર્યક્રમોના ભાગરૂપે ગુજરાત રાજ્યમા પણ છેક તાલુકા કક્ષા સુધી વિવિધ કાર્યક્રમો આયોજિત કરવામા આવ્યા હતા. જે મુજબ ડાંગ જિલ્લામા પણ ત્રણેય તાલુકાઓમા “સાત પગલા ખેડૂત કલ્યાણના” કાર્યક્રમો યોજાયા હતા. આહવા ખાતે રાજ્યના વન, આદિજાતિ વિકાસ અને મહિલા બાળ કલ્યાણમંત્રી  ગણપતસિંહ વસાવાની ઉપસ્થિતિમા કાર્યક્રમનુ આયોજન કરાયુ હતુ.

આહવાના ડાંગ દરબાર હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમ વેળા મંત્રી ગણપતસિંહ વસાવાના હસ્તે જિલ્લાના ખેડૂત લાભાર્થીઓને જુદી જુદી યોજનાઓના વિવિધ લાભોનુ વિતરણ કરવામાં આવ્યુ હતુ,મંત્રીએ નવા વિવાદિત કૃષિ બીલની જોગવાઈઓ અને તેમા રહેલા ખેડૂત હિતલક્ષી વિવિધ પાસાઓની છણાવટ સાથે ખેડૂતોને ગેરમાર્ગે નહિ દોરાવાની અપીલ કરી હતી.

આહવાના આ કાર્યક્રમ દરમિયાન ડાંગ જિલ્લાના ખેડૂત લાભાર્થીઓ સહીત જુદા જુદા વિભાગોના લાભાર્થીઓને પણ વિવિધ યોજનાકીય લાભોનુ મંત્રી સહિતના મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામા આવ્યુ હતુ. સાથે જિલ્લાના પશુપાલકોની સેવામા ફરતા પશુ દવાખાનાઓને પણ લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવાયુ હતુ.

ડાંગ દરબાર હોલમા આયોજિત આહવાના કાર્યક્રમ દરમિયાન સામાજિક કાર્યકરો સર્વ દશરથભાઈ પવાર, હરિરામ સાવંત સહીત જિલ્લા કલેકટર એન.કે.ડામોર, જિલ્લા વિકાસ અધિકારી  એચ.કે.વઢવાણીયા, જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહજી જાડેજા, નાયબ વન સંરક્ષકો સર્વ અગ્નીશ્વર વ્યાસ અને નીલેશ પંડ્યા, પ્રાયોજના વહીવટદાર  કે.જી.ભગોરા, પ્રાંત અધિકારી સુશ્રી કાજલ ગામીત સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ, લાભાર્થીઓ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Contribute Your Support by Sharing this News: