ગરવીતાકાત,બનાસકાંઠા(તારીખ:૧૫)

મુસાફરોને ઘેટા બકરાની જેમ ખીચોખીચ ભરી તેમજ લટકાવીને જોખમી મુસાફરી કરાવી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં છેલ્લા ઘણા સમયથી શટલીયા ચાલકો બેફામ બન્યા છે. મુસાફરોને ઘેટા બકરાની જેમ વાહનમાં ખીચોખીચ ભરીને તેમજ વાહનની બહાર પણ લટકાવીને જોખમી મુસાફરી કરાવી રહ્યા છે. તેમ છતાં પણ જાણે પોલીસ મૂક પ્રેક્ષક બની તમાશો જોઇ રહી હોય તેમ આવા વાહન ચાલકો સામે કોઇ જ કાર્યવાહી ન થતાં ટ્રાફિક નિયમોના ધજાગરા ઉડી રહ્યા છે.

રાજ્ય સરકાર દ્વારા ટ્રાફિક નિયમના કડક પાલન માટે નવા કાયદાઓ અમલમાં લાવ્યા બાદ હાલમાં ટ્રાફિક પોલીસ બાઇક ચાલકથી માંડીને મોટા વાહનોના ચાલકોને દિવસભર ટ્રાફિક નિયમો સમજાવી તેમજ દંડ કરી અને કાયદેસરની કાર્યવાહી કરી રહી છે. પરંતુ દાંતા પંથકમાં આ કાર્યવાહી માત્ર ગણ્યા ગાંઠ્યા વાહનો પર જ થતી હોવાનું જણાઇ રહ્યું છે. દાંતા પંથકમાં ચાલતા મુસાફર વાહનોમા પરમિશન કરતાં ત્રણથી ચાર ગણા મુસાફરો ઘેટા બકરાની જેમ ગાડીમાં ભરીને મુસાફરી કરાવવામાં આવી રહી છે. તે ઉપરાંત ગાડી પર લટકાવીને પણ મુસાફરોને જોખમી મુસાફરી કરાવતા આ વાહન ચાલકો સામે જાણે ટ્રાફિક પોલીસની ઢીલી નિતિ સામે અનેક સવાલો ઉઠવા પામે છે.

સામાન્ય રીતે કોઇ બાઇકચાલક હેલ્મેટ પહેરેલું હોય તો અથવા તો ત્રણ સવારી જતો હોય તો ટ્રાફિક પોલીસને નજરે પડી જાય છે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. ત્યારે શું મુસાફર વાહનોમાં ઘેટા બકરાની જેમ ખીચોખીચ મુસાફરોને ભરીને જોખમી મુસાફરી કરાવતા આ વાહન ચાલકો સામે ટ્રાફિક પોલીસની નજર નહીં જતી હોય ? તેવા પણ સવાલો ઉઠવા પામ્યા છે. ઉલ્લેખનીય છે કે તસવીરમાં દૃશ્યમાન થાય છે કે મુસાફર જીપ ગાડીમાં ખીચોખીચ મુસાફરો ભરવા ઉપરાંત પાછળની બાજુએ પણ છ થી વધુ મુસાફરોને લટકાવવામા આવેલા છે. તો શું આ વાહનોને ટ્રાફિક નિયમનનું પાલન ન કરવા માટે પરમિશન મળેલી છે કે કેમ તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે.

ટ્રાફિક પોલીસની કામગીરી દરમિયાન સામાન્ય રીતે હેલ્મેટ વગર જતાં બાઇક ચાલકોને રોકીને તેમની પાસેથી દંડની કાર્યવાહી કરવામાં આવતી હોય છે. પરંતુ ઘેટાંની જેમ મુસાફરો ભરીને જતાં આવા વાહનો પોલીસને કેમ નજરે નહીં પડતાં હોય ?

તસ્વીર અહેવાલ જયંતિમેતીય પાલનપુર 

Contribute Your Support by Sharing this News: