પાલનપુર પંથકની સગીરાને ભગાડી જવા મામલે ફરિયાદ: પાલનપુર તાલુકાના એક ગામની સગીર બાળાને અમીરગઢ તાલુકાના કિડોતર ગામના બે ઇસમો ભગાડીને લઇ જતાં ફરિયાદ નોંધાવા પામી છે. આ બનાવમાં નરેશભાઇ માજીરાણા અને ભીખાભાઇ માજીરાણા નામના કીડોતર ગામના બે શખસો સામે પાલનપુર તાલુકા પોલીસ મથકે સગીરાને ભગાડી જવા મુદ્દે પોલીસ ફરિયાદ નોંધાવા પામી છે.

પાલનપુરમાં પુરપાટ ઝડપે વાહન ચલાવતાં ઇસમ સામે કાર્યવાહી: પાલનપુરમાં બેફિકરા વાહનચાલકો સામે પોલીસે લાલ આંખ કરી છે. જેમાં પાલનપુર એરોમા સર્કલ પાસે પોલીસે ચેકિંગ દરમિયાન પાલનપુર તાલુકાના ભરોડ ગામના દશરથકુમાર પરમારને પોલીસે પુરપાટ ઝડપે વાહન હંકારતા ઝડપી લઇ તેમની સામે પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તે ઉપરાંત ચંડીસર હાઈવે પરથી પણ પોલીસે એક ઈસમને પૂર ઝડપે વાહન હંકારતા ઝડપી લીધો છે.

પાલનપુરમાં જુગાર રમતા બે ઝડપાયા: પાલનપુરમાં શ્રાવણ માસના પ્રારંભમાં જ જુગારીયાઓ પણ ઝડપવા લાગ્યા છે. જેમાં જનતાનગર પાસે જાહેર રોડ પર જુગાર રમતો હોવાની માહિતી આધારે પાલનપુર પૂર્વ પોલીસની ટીમે રેડ કરતા આસિફખાન મકરાણી અને હુસેનભાઇ મકરાણી નામના બે ઇસમો વરલી મટકાનો આંક ફરકનો જુગાર રમતા ઝડપાઇ ગયા હતા.

પાલનપુરમાં યુવકે ગળે ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું: પાલનપુરના ઢુંઢીયાવાડી વિસ્તારમાં રહેતા એક યુવકે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવતાં આ બાબતે પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે અ.મોત ફરિયાદ નોંધાવા પામી છે. આ યુવક ઘરે હતો તે સમયે કોઇ કારણસર ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા આ બાબતે હવે તપાસ શરૂ કરાઇ છે.

વડગામના કોટડી પાસે રેલવે ટ્રેક પર કપાઈ જતાં આધેડનુ મોત: વડગામ તાલુકાના કોટડી ગામ નજીકથી પસાર થતી રેલવે ટ્રેકને ઓલવવા જતાં આધેડનું મોત નીપજ્યું હતું. આ બનાવમાં સરદારભાઇ હરીભાઇ નામના ૫૨ વર્ષીય કોટડી ગામના આધેડ અસ્થિર મગજના હોય રેલવે ઓળંગતી વખતે તેમનું મોત નીપજ્યું હોવા અંગે છાપી પોલીસ મથકે અ.મોત ફરિયાદ નોંધાઇ છે.

મુડેઠામાં અપશબ્દ બોલવાની ના પાડતા માર માર્યો: ભીલડી પોલીસ મથક વિસ્તારમાં આવેલા ડીસા તાલુકાના મુડેઠા ગામે રહેતા અમરતભાઇ વાલ્મિકીએ ભીલડી પોલીસ મથકે રમેશભાઇ વાલ્મીકી સામે ફરિયાદ નોંધાવી છે કે આ ઇસમને અપશબ્દો નહીં બોલવા બાબતે સમજાવવા જતાં ઉશ્કેરાઈ જઈ અમરતભાઇ તથા રમીલાબેન અને તેમના દીકરા રાહુલને ધોકા વડે તથા ગડદાપાટુથી આડેધડ માર મારી ઇજાઓ કરી હોવાની ફરિયાદ ભીલડી પોલીસ મથકે નોંધાવા પામી છે.

સાતસણ પાસેથી દારૂ પીધેલી હાલતમાં વાહનચાલક ઝડપાયો: દાંતીવાડા તાલુકાના સાતસણ ગામની સીમમાં પોલીસના ચેકિંગ દરમિયાન ધાનેરા તાલુકાના સામરવાડા ગામના દશરથભાઇ ભીલને પોલીસે દારૂ પીધેલી હાલતમાં વાહન હંકારતા ઝડપી લઇ તેમની સામે પાંથાવાડા પોલીસ મથકે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ખોડા ગામે જુગાર રમતાં ત્રણ જુગારીયા ઝડપાયા: કાંકરેજ તાલુકાના ખોડા ગામે જુગાર રમાતો હોવાની માહિતી આધારે શિહોરી પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલ જગુભા રણછોડજી સ્ટાફ સાથે રેડ કરવા પહોંચ્યા હતા. જેમાં કાળાજી ઠાકોર, સેંધાજી ઠાકોર અને વાલજીજી ખોડેચા નામના ઇસમોને જુગાર રમતા ઝડપી લીધા હતા.

ધાનેરામાં રૂ.૨૦૦ ની બનાવટી ચલણી નોટો સાથે શખ્સ ઝડપાયો: બનાસકાંઠા જિલ્લાના ધાનેરા ખાતે આવેલા વોર વાસમાં પોલીસે બાતમી આધારે તપાસ કરતા જીજ્ઞેશકુમાર છગનલાલ ઠક્કર નામનો ઇસમ રૂ.૨૦૦ ના દરની ત્રણ સિરિઝની કુલ ૧૬ નોટો બનાવટી હોવાનું જાણતો હોવા છતાં રાખી તેને ખરા તરીકે ચલણમાં મુકવા સારું લઇ ફરતો હોય પકડાઇ જતા તેની સામે ધાનેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.