પાવીજેતપુરમાં મધરાત્રે એક સિંચાઇનું તળાવ ફાટતા ત્રણ ગામો બેટમાં ફરેવાયા હતા. જેમાં બે ગાય અને એક વ્યક્તિ ડૂબી ગયા હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે એસડીએમ અને ડીવાયએસપી સહિતના અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચી ગયા હતા
છોટાઉદેપુર: ભારે વરસાદને પગલે પાવીજેતપુરમાં મધરાત્રે સિંચાઇનું તળાવ ફાટતા ત્રણ ગામો બેટમાં ફરેવાયા હતા. જેમાં બે ગાય અને એક વ્યક્તિ ડૂબી ગયા હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે એસડીએમ અને ડીવાયએસપી સહિતના અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને તળાવના પાણીમાં ડૂબી ગયેલા વ્યક્તિનું રેસ્ક્યૂ કરી તેને સારવાર અર્થે નજીકના દવાખાને ખસેડાયા છે.
પાવીજેતપુરના નાની ખાંડી ગામનું સિંચાઇ તળાવ 15થી 20 ફૂટનું ગાબડું પડતા તારાજી સર્જાઇ હતી. મધરાત્રે ફાટેલા તળવાના પાણીમાં ત્રણ ગામો ડૂબ્યા હતા. જેમાં નાની ખાંડી, પાની અને વડદમાં તળાવનું પાણી ફરી વળતા ત્રણેય ગામ બેટમાં ફરેવાયા હતા. તો બીજી તરફ ખાંડી ગામ પાસે આવેલ પેટ્રોલ પંપ પણ પાણીમાં ગરકાવ થઇ ગયો હતો. જોકે વીજ થાંભલા પણ પડી જતા સમગ્ર ચારેકોર અંધારપટ છવાઇ ગયો હતો.

ત્યારે ગામમાં તળાવના પાણી ઘૂસી જતા અનેક લોકો પોતાનો જીવ બચાવવા ઝાડ પર ચઢી ગયા હતા. તો કેટલાક પરિવારને પોતાના પ્રાણીઓ બચાવવા માટે પણ ભારે જહેમત ઉઠાવવી પડી હતી. તળાવના પાણીમાં એક વ્યક્તિ ડૂબી ગયો હતો. આ ઘટનાને પગલે SDM, DYSP સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ડૂબી ગયેલા વ્યક્તિનું રેસ્ક્યૂ કરાયા બાદ નજીકના દવાખાને ખસેડવામાં આવ્યા હતા.

તો છોટાઉદેપુરમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ ક્વાંટમાં 130 મિમી વરસાદ નોંધાયો છે. જ્યારે અન્ય જગ્યાએ 19 મિમીથી લઇને 102 મિમી સુધીનો વરસાદ નોંધાયો છે. જેમાં બોડેલીમાં 19 મિમી, પાવીજેતપુરમાં 35 મિમી, છોટાઉદેપુરમાં 41 મિમી, સંખેડામાં 44 મિમી અને નસવાડીમાં 102 મિમી વરસાદ ખાબક્યો છે.
બીજા સાથે સમાચાર શેર કરો.