ગરવીતાકાત,અરવલ્લી : ભારે વરસાદની આગાહી વચ્ચે અરવલ્લી જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદના શ્રીગણેશ થયા છે. સવારે છ વાગ્યાથી આઠ વાગ્યા દરમિયાન જિલ્લાના ભિલોડા તાલુકામાં બે ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે ધનસુરા તાલુકામાં એક ઇંચ વરસાદ નોંધાયો હતો. મોડાસા અને મેઘરજમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે. સોમવારે સવારથી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે.

જિલ્લાના માલપુર તાલુકામાં સવારે ધોધમાર વરસાદ પડ્યો હતો, જેમાં ઉભરાણ પંથકમાં અડધા કલાકમાં અડધો ઇંચ વરસાદ પડ્યો હતો. વરસાદને કારણે માલપુરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. શામળાજી અને ભિલોડામાં વહેલી સવારે છ વાગ્યાથી જ વરસાદ શરૂ થયો હતો. વરસાદને કારણે શામળાજી દર્શન માટે આવતા લોકોને થોડી હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.  બીજી તરફ બે જ કલાકમાં બે ઇંચ જેટલો વરસાદ પડી જતાં નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ હતી.અરવલ્લી : ભિલોડામાં સવારે બે કલાકમાં બે ઇંચ, ધનસુરામાં એક ઇંચ વરસાદસારા વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે. મળતી માહિતી પ્રમાણે જિલ્લાના અનેક તળાવો હજી ખાલી છે. ત્યારે સારા વરસાદને કારણે આ તળાવોમાં પાણી ભરાશે તેવી આશા વ્યક્ત કરવામાંઆવી રહી છે.

સોમવારે સવારે 6થી 8 વાગ્યા સુધી ક્યાં કેટલો વરસાદ
ભિલોડા (અરવલ્લી)——–43
વિજયનગર (સાબરકાંઠા)—-30
ધનસુરા (અરવલ્લી)——–25
મોડાસા (અરવલ્લી)——–15
મેઘરજ (અરવલ્લી)———14
કડાણા (મહિસાગર)——–14
મરવા હડફ (પંચમહાલ)—–10

26થી 28 ઓગસ્ટ સુધી સામાન્યથી ભારે વરસાદની આગાહી: ઓડિશા પર લૉ પ્રૅશર સક્રિય થતાં ગુજરાતમાં 26થી 28 ઑગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જેમાં 26મી ઑગસ્ટના રોજ વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચમાં અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. ખેડા, આણંદ, સુરત, ડાંગ, નવસારી, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

27 ઑગસ્ટના રોજ પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુરમાંમાં અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે, જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, મહિસાગર, આણંદ, વડોદરા, અમદાવાદ, ગાંધીનગર, અમરેલી, ભાવનગર, બોટાદમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. 28 ઓગસ્ટના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા,સાબરકાંઠા, રાજકોટ,જામનગર, મોરબી, કચ્છમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

તસ્વીર અહેવાલ તરુણ પુરોહિત અરવલ્લી 

Contribute Your Support by Sharing this News: