ટ્રાન્સ્પોર્ટના ધંધા સાથે સંકળાયેલ જુદા જુદા એસોશીયેશનોએ કલેક્ટરને આવેદન પાઠવ્યું

મોડાસાથી કપડવંજ માર્ગ ઉપર દોડતા ૯૫ ટકા ટ્રકો પરપ્રાંતના અરવલ્લીમાં ટ્રાન્સ્પોર્ટના ધંધા ઉપર માઠી અસર પડવા અંગે રજૂઆત

અરવલ્લી જિલ્લા કલેક્ટરે તાજેતરમાં જાહેરનામુ બહાર પાડ્યું હતું. જેમાં દર્શાવ્યું હતું કે ભારે વાહનોએ સવારના ૬ વાગ્યાથી રાત્રીના ૧૧ વાગ્યા સુધી મોડાસા, ધનસુરા, બાયડ, સાઠંબા, કપડવંજ માર્ગ પર પરિવહન કરવું નહીં. જેના પગલે મોડાસા વિભાગની વિવિધ ટ્રાન્સ્પોર્ટ સંસ્થાઓએ આ જાહેરનામામાં ફેરફાર કરવા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. ધી મોડાસા રોડ ટ્રાન્સપોર્ટ કો.ઓ.સોસાયટી.લી ના ચેરમેન અબ્દુલ રઝાક ટીંટોઇયાએ જીલ્લા કલેક્ટર સમક્ષ જીલ્લામાં ટ્રાન્સપોર્ટના ધંધાર્થીઓને ન્યાય આપવા માંગ કરી હતી

તાજેતરમાં અરવલ્લી જિલ્લા કલેક્ટર એમ.નાગરાજને એક જાહેરનામું બહાર પાડ્યું હતું. આ જાહેરનામુ જિલ્લાની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ, સામાજીક સંસ્થાઓ અને વિવિધ સામાજીક આગેવાનોની રજૂઆતોના પગલે પૂર્ણ અભ્યાસ કર્યા બાદ બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેનામા અનુસાર મોડાસાથી કપડવંજ સુધીના માર્ગ પર દોડતા ભારે વાહનોને સવારે છ વાગ્યાથી રાત્રીના ૧૧ વાગ્યા સુધી પરિવહન કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જાહેરનામુ બહાર પાડવા માટેનું મોટું કારણ જોઈએ તો આ માર્ગ પર છેલ્લા સાત વર્ષમાં થયેલા જીવલેણ અકસ્માતો કહી શકાય. છેલ્લા સાત વર્ષમાં ૪૦૦થી વધુ માનવમૃત્યુ અકસ્માતમાં થયા છે. જ્યારે નાની મોટી ઈજાઓના અસંખ્ય બનાવો સરકારી ચોપડે નોંધાયા છે. ત્યારે જનહિતમાં બહાર પાડવામાં આવેલા જાહેરનામાની કેટલીક અસરો પણ સ્થાનિક ટ્રક માલિકો અને ટ્રાન્સ્પોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલાને પડવાની છે.

જેની સામે મોડાસા વિભાગ મોટર ટ્રાન્સ્પોર્ટ એસોશીયેશન, ધી મોડાસા ડીવીઝન ગોટ્સ ટ્રાન્સ્પોર્ટ ઓનર્સ એસોશીયેશન, ધ ટ્રક ટ્રાન્સ્પોર્ટ કો.ઓ.ઓફ મોડાસા અને ધી મોડાસા રોડ ટ્રાન્સ્પોર્ટ કો.ઓ.સોસાયટી જેવી સંસ્થાઓએ  જાહેરનામામાં ફેરફાર કરવા રજૂઆત કરી છે. તેઓની રજૂઆત અનુસાર મોડાસામાં તેમજ આસપાસના વિસ્તારોમાંથી ટ્રક વ્યવસાય સાથે સંકળાયેલા અનેક લોકો રોજગારી મેળવે છે. અને મોડાસામાં મોટા ધંધાર્થીઓના ત્યાંથી પણ માલની હેરાફેરી ટ્રકો મારફતે જ કરવામાં આવે છે ત્યારે આ જાહેરનામાથી વહેલી સવારથી મોડી રાત સુધી ધંધા ઠપ્પ થઈ જવાની પુરી શક્યતા રહેલી છે ત્યારે આ મામલે જિલ્લા કલેક્ટર ઘટતી તપાસ કરી જાહેરનામામાં ફેરફાર કરે તે માટે ઉપરોક્ત તમામ સંસ્થાઓએ એક આવેદનપત્ર અરવલ્લી જિલ્લા કલેક્ટરને આપ્યું હતું.

તસ્વીર અહેવાલ તરૂણ પુરોહિત અરવલ્લી