પાલનપુરની ટ્રાફિક સમસ્યાના નિવારણ બાબતે જિલ્લા કલેક્ટરને વધુ એક આવેદનપત્ર

શેર કરવા અહીં ક્લિક કરો.

ગરવીતાકાત,પાલનપુર(તારીખ:૧૧)

રજૂઆતોને પગલે એરોમા સર્કલ પર ટ્રાફિક સમસ્યા હળવી બની 

બનાસકાંઠા જિલ્લાના મુખ્યમથક પાલનપુર શહેરમાં એરોમા સર્કલ પાસે પેચીદી બનતી જતી ટ્રાફિક સમસ્યાને નિવારવા બાબતે છેલ્લા બે દિવસથી જિલ્લા કલેક્ટરને લેખિતમાં આવેદનપત્ર મળતા આજે પોલીસની ટીમ તેમજ નિવાસી અધિક કલેકટર સહિત આ બાબતે અંગત રસ દાખવી પગલાં લેવામાં આવતાં હાઇવે પર આજે ટ્રાફિક સમસ્યા હળવી બની હોય તેમ જોવા મળ્યું હતું.

પાલનપુર શહેરમાં વધતી જતી ટ્રાફિક સમસ્યાના નિવારણ બાબતે ગતરોજ આવેદનપત્ર પાઠવવામાં આવ્યા બાદ આજે પણ નિસ્વાર્થ સેવા સંગઠન બનાસકાંઠા દ્વારા જિલ્લા કલેકટરને લેખિતમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં ટ્રાફિકની સમસ્યા મુખ્ય અવરોધક સમાન ગણવામાં આવતી હોય સમય અને વ્યવહાર પર માઠી અસર ઉભી થતી હોવાનું અને અમદાવાદથી ગાંધીધામ જવાનો રસ્તો ટ્રાફિકને કારણે બ્લોક થઇ જતો હોય ભારે મુશ્કેલી પડતી હોવાની રજૂઆત કરવામા આવતા આ બાબતની ગંભીર નોંધ લઇ નિવાસી અધિક કલેક્ટર તેમજ પોલીસની ટીમ દ્વારા હાઇવે વિસ્તારમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને રસ્તા વચ્ચે અડચણરૂપ વાહનો પાર્ક કરનાર ચાલકો સામે કાર્યવાહી કરવાની સાથે સાથે હાઇવે વિસ્તારની ચોતરફ ટ્રાફિકને દૂર કરવામાં આવતા આજે હાઇવે સર્કલ પર ટ્રાફિકની સમસ્યા હળવી બની ગઇ હતી. જોકે આ પરિસ્થિતિ કાયમી માટે બની રહે તે માટે પણ શહેરીજનોની માંગ ઉઠવા પામી છે.

તસ્વીર અહેવાલ જયંતી મેતીય પાલનપુર 

શેર કરવા અહીં ક્લિક કરો.