મહેસાણાના ખેરાલુની ટિબલીવાસ પ્રાથમિક શાળાની ઘટના, શિક્ષકની હરકતથી હતાશ બાળકોએ શાળાએ નહીં જવાની હઠ લેતા તપાસના આદેશ અપાયા

મહેસાણા : મહેસાણાના ખેરાલુમાં ટિબલીવાસ પ્રાથમિક શાળાના શિક્ષકે લેશન નહીં લાવનારા વિદ્યાર્થીઓને બંગડી પહેરાવી દીધી હોવાની ઘટના બની હતી. આ ઘટના બાદ હતાશ થયેલા વિદ્યાર્થીઓએ શાળા નહીં જવાની જીદ પકડતા મામલો ગરમાયો હતો. વિદ્યાર્થીઓએ શાળાએ નહીં જવાની જીદ કરતા શિક્ષણતંત્ર દોડતું થયું હતું. દરમિયાન ગઈકાલે બનેલી આ ઘટનાના પગલે વાલીઓનું પ્રતિનિધી મંડળ શાળાની મુલાકાતે દોડી ગયું હતું. આ ઘટનામાં જિલ્લા શિક્ષણકાધિકારીએ તપાસના આદેશ આપ્યા છે. ઘટનાની જાણ થતા જ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શાળાએ દોડી ગયા હતા અને વાલીઓ પાસેથી માહિતી મેળવી હતી.

જિલ્લા શિક્ષણાધિકારીએ વિદ્યાર્થીઓ અને વાલીઓના નિવેદન નોંધી અને અને તપાસ કરવાનો આદેશ આપ્યો છે. શિક્ષકે ક્યાં કારણોસર આવું પગલું લીધું તેની તપાસ કરવામાં આવશે. આ સમગ્ર ઘટનાની તપાસ કરવા તાલુક પ્રાથમિક અધિકારી શાળાની મુલાકાત લેશે. અધિકારી વાલી અને વિદ્યાર્થીના નિવેદન લઈ કાર્યવાહી કરશે.

શું છે મામલો?: ખેરાલુની સરકારી પ્રાથમિક શાળા નં-3ના ધોરણ 6ના 3 વિદ્યાર્થીઓને લેશન ન લઈ જતા શિક્ષક મનુભાઈ પ્રજાપતિએ બંગડી પહેરવાની સજા કરી હતી. ખેરાલુના ટીબલીવાસમાં આવેલી પ્રાથમિક શાળા નંબર 3માં લેશન કરીને નહીં આવેલા ત્રણ વિદ્યાર્થીઓને બંગડી પહેરાવાની સજા કરી હતી. આ ઘટના બાદ વિદ્યાર્થીઓએ શાળાએ નહીં જવાની જીદ કરતા સમગ્ર ઘટના સામે આવી હતી.

પ્રાથમિક શિક્ષણાધિકારીની તપાસ: આ મામલે વાલીઓએ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કલ્પનાબેન ચૌધરીને ફરિયાદ કરતાં તેઓ શનિવારે શાળાએ દોડી ગયા હતા. જ્યાં મામલો શાંત પાડી વાલીઓ સાથે બેઠક યોજી હતી અને શાળામાં કોના દ્વારા શું સજા કરાઇ વગેરે બાબતે વાલીઓના નિવેદનો જાણી તપાસ આગળ વધારી છે. શાળાના સ્ટાફમાં શિક્ષકો સાથે ચર્ચા કરી હતી. વિદ્યાર્થીઓને શાળામાં લેશન ન લાવવામાં બંગડી પહેરાવાની સજા કરતા શિક્ષક બદલવા માંગ કરાઇ હોવાનું સુત્રોએ જણાવ્યું હતું