ગુજરાત વિકાસ મોડલના દાવા કરવામાં આવે છે. પરંતુ તાલુકા મથક વડગામ ગ્રામ પંચાયતની પાણીની ટાંકી જર્જરીત હાલતમાં હોવાથી તંત્ર સમક્ષ પાણીની નવીન ટાંકી બનાવવા માટે અનેક રજૂઆતો કરવામાં આવી છે. પરંતુ તંત્રની ઢીલી કામગીરીને કારણે આજ દિન સુધી કોઈ પણ પ્રકારની કામગીરી હાથ ધરાઇ નથી. જેને પગલે આસપાસમાં સોસાયટીમાં રહેતા લોકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે અને ટાંકી જર્જરિત હોવાથી લોકોને પાણીની સમસ્યાનો સામનો પણ એકાએક કરવો પડી પડી શકે તેમ છે.
જર્જરીત ટાંકીની આસપાસની સોસાયટીમાં રહેતા લોકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે
વર્ષોથી વડગામ ગ્રામ પંચાયત હસ્તક બનાવેલ પાણીની ટાકી જૂની અને જર્જરીત હાલતમાં હોવાથી ટાકીની આજુબાજુ સોસાયટીના રહીશો ભયના ઓથાર નીચે જીવી રહ્યા છે. વડગામ વારવાડીયા રોડ પર આવેલી વર્ષોથી બનાવેલ પાણીની ટાકી હાલ જૂની અને જર્જરીત હાલતમા હોઇ પાણી પુરવઠા વિભાગ દ્વારા કોઈ નક્કર કામગીરી કરેલ જોવા મળતી નથી. અગાઉ ગ્રામ પંચાયત વડગામ દ્વારા વારંવાર લેખિત રજૂઆત કરી હોવા છતાં વહીવટી વિભાગ દ્વારા જુના જર્જરીત ટાકા તોડી પાડવાની જગ્યાએ કોન્ટ્રાક્ટર દ્વારા કે પ્રાઈવેટ કમ્પની દ્વારા ફક્ત કલર કામ કરી ગેરરીતિઓ કરેલી સામે આવી છે. આ તરફ વડગામ સરપંચ દ્વારા અનેક ઠરાવો કરી લેખિત રજુઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. સરપંચ દ્વારા કરેલ લેખિત રજૂઆતમા ગાંધીનગર જળસંપતિ અને પાણી પુરવઠા વિભાગ અંગત સચિવ દ્વારા પણ ટાકી તોડી નવીન ટાકી મંજુર કરવા ભલામણ પત્ર લખ્યો હોવા છતાં બનાસકાંઠા જળસંપતિ અને પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણીની ટાકી મંજુર કરવામાં આવી આવી નથી. વડગામ વારવાડીયા રોડ પર આવેલ પાણીની જર્જરીત ટાંકીના પીલ્લરો પાયમાંથી જમીનમાં દબાઈ ગયા હોવા છતાં વડગામની ગ્રામ પંચાયત અને વડગામની જનતા અંદાજીત ૨૦ હજાર જેટલી છે અને આ પાણીના ટાકામાંથી ૧૦ હજાર લોકો પાણી પીવે છે. કદાચ જૂની જર્જરીત ટાકી તૂટી જશે તો વડગામની આટલી જનતાને તાત્કાલિક પાણીની વ્યવસ્થા કરવી મુશ્કેલ સાબિત થઈ શકે છે. પાણીની ટાકી જર્જરીત હાલતમાં હોઇ વડગામથી વારવાડીયા રોડની સાઈડની નજીક હોઇ આજુબાજુ સોસાયટીઓમા વસતા લોકો ભયના ઓથાર નીચે જીવતા હોઇ શાળાના બાળકો અભ્યાસ અર્થે પણ અહીંથી નીકળતા હોય કોઈ પણ જાનહાનિ થાય તો જવાબદાર કોણ ? જળસંપતિ અને પાણી પુરવઠા વિભાગના લાગતા કર્મીઓ લોકોના અનેક રજૂઆત છતાં તંત્ર કોની રાહ જોઈ રહ્યું છે. કે માત્ર રેનીવોશન કરી કોન્ટ્રાકટરોના ખિસ્સા ભરવામાં જ રસ છે તેવા સવાલો ઉઠી રહ્યા છે.
ગ્રામ પંચાયત દ્વારા અનેક રજૂઆતો છતાં પરિણામ શૂન્ય
વડગામ ખાતે જર્જરીત હાલતમાં આવેલી આ ટાંકીના નવીનીકરણ માટે ગ્રામ પંચાયત દ્વારા પણ અનેકવાર રજૂઆતો કરવા છતાં પરિણામ શૂન્ય હોવાનું કહેવાય છે. ત્યારે આ બાબતની ગંભીર નોંધ લઈ તાકીદે આ જર્જરીત ટાંકી જાનહાની સર્જે અથવા તો પીવાના પાણીની સમસ્યા સર્જે તે પહેલાં નવીનીકરણ કરવામાં આવે તેવી જનમાંગ ઉઠવા પામી છે.